સ્વરા ભાસ્કર સોનમ વાંગચુકને મળવા પહોંચી:સોની રાઝદાન, શબાના આઝમીએ આમરણાંત ઉપવાસ તોડવાની અપીલ કરી, કહ્યું- 'દેશને તમારી જરૂર છે'

Last Updated: July 19, 2026By

નવી દિલ્હીના જંતર-મંતર પર પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા છે. કોકરોચ જનતા પાર્ટી સાથે ચાલી રહેલા આ આંદોલનને હવે બોલિવૂડ સેલિબ્રિટીઝનું સમર્થન મળી રહ્યું છે. મંગળવારે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પ્રદર્શન સ્થળ પર પહોંચી અને સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી. જ્યારે, આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન, શબાના આઝમી અને રૂબીના દિલેક જેવી એક્ટ્રેસિસે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને સોનમ વાંગચુકને પોતાના ઉપવાસ સમાપ્ત કરવા માટે ભાવુક અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, દેશને સોનમ જેવા સાચા લોકોની ખૂબ જરૂર છે. પ્રદર્શન સ્થળે પહોંચી સ્વરા ભાસ્કર
મંગળવારે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનમાં સામેલ થઈ. તેણે ત્યાં પહોંચીને સોનમ વાંગચુક અને અભિજીત સાથે મુલાકાત કરી. આ મુલાકાતની તસવીરો કોકરોચ જનતા પાર્ટીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ‘બેબાક અને નીડર એક્ટ્રેસ સ્વરા ભાસ્કર જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાં.’ સ્વરાએ આ પોસ્ટને પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર પણ શેર કરી. તેણે અભિજીતનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, ‘અમારા બાળકોના ભવિષ્ય માટે લડવા બદલ તમારો આભાર.’ સોનમ વાંગચુક માટે તેણે લખ્યું કે, ‘તેઓ અથાકપણે બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યા છે, મારી સંપૂર્ણ એકતા તેમની સાથે છે.’ સોની રાઝદાને ભાવુક અપીલ કરી
સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને હવે ચિંતા સતત વધી રહી છે. બુધવારે એક્ટ્રેસ સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી. સોની રાજદાને લખ્યું કે, ‘પ્રિય સોનમ વાંગચુક, અમે સૌ તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. કૃપા કરીને અમને આ રીતે છોડીને ન જાઓ.’ ‘આગળની લડાઈ લડવા માટે તમારું જીવંત રહેવું જરૂરી છે, તેથી આજે જ તમારું અનશન સમાપ્ત કરો.’ તેમણે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘અમને તમારી જરૂર છે, અમને છોડીને ન જાઓ.’ લડાઈ લાંબી, સ્વસ્થ રહેવું જરૂરી
દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીએ પણ ઇન્સ્ટાગ્રામ પર સોનમ વાંગચુકના સમર્થનમાં એક સંદેશ લખ્યો. શબાનાએ લખ્યું કે, ‘પ્રિય સોનમ વાંગચુક, તમારા જેવા વ્યક્તિની આપણા દેશને ખૂબ જરૂર છે. તમે અન્યાય વિરુદ્ધ અને સત્ય માટે ઊભા છો, અમને તમારા પર ગર્વ છે.’ ‘અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારું અનશન તોડી દો, કારણ કે અમારા વિદ્યાર્થીઓ માટે તમારું માર્ગદર્શન તેમનો ઉત્સાહ વધારે છે.’ તેમણે આગળ લખ્યું કે, ‘આ લડાઈ આગળ સુધી લડવાની છે, તેથી તમારું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે, અમે તમારી સાથે છીએ.’ નસીરુદ્દીન શાહ, અરુંધતી અને રૂબીનાનું પણ સમર્થન મળ્યું
ટેલિવિઝન એક્ટ્રેસ રૂબીના દિલેકે પણ ઇન્સ્ટાગ્રામ પર સોનમ વાંગચુકને સમર્થન આપ્યું છે. તેણે લખ્યું કે, ‘તેઓ એક સાચા હીરો છે, તેમને દેશના ભલા માટે લડતા આ રીતે મરવા ન દો.’ રૂબીનાએ અભિનેત્રી ઝીનત અમાનની એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં સરકારે પર્યાવરણ કાર્યકર્તા સાથે શાંતિપૂર્ણ વાતચીત કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત અભિનેતા નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, લેખિકા અરુંધતી રોયે પણ સોનમ વાંગચુકને તેમના અનિશ્ચિતકાલીન ઉપવાસ પાછા ખેંચવા વિનંતી કરી છે.

Leave A Comment