હાર્દિક બહાર, શું હવે મુંબઈનો 'સૂર્યોદય' થશે?:બેક સ્પાઝમમાં ઈજા થતાં આરામ અપાયો, જાણો કેટલી મેચ નહીં રમે; કેપ્ટનશીપ પર જોખમના વાદળો!
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પોતાની કેપ્ટનશીપને કારણે સતત ટીકાઓનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યા હવે મેદાનની બહાર થઈ ગયો છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ ટૉસ માટે આવ્યો ત્યારે ફેન્સમાં અનેક સવાલો ઉભા થયા હતા. હાર્દિક પંડ્યા શા માટે બહાર છે? ટૉસ સમયે સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે- હાર્દિક પંડ્યાની તબિયત ઠીક નથી. રિપોર્ટ્સ અનુસાર, તેને ‘બેક સ્પાઝમ’ (કમરના સ્નાયુઓમાં ખેંચાણ)ની ફરિયાદ છે. ટીમનો ખેલાડી રિયાન રિકલટન પણ આ વિશે અજાણ હતો અને તેણે જણાવ્યું કે તેને મેચના દિવસે બપોરે જ ખબર પડી કે હાર્દિકને પીઠમાં દુખાવો છે. સામાન્ય રીતે બેક સ્પાઝમ 1 થી 2 દિવસમાં આરામ અને બરફની શેક કરવાથી મટી જાય છે. જો દુખાવો વધુ હોય તો એક અઠવાડિયું લાગે છે. મુંબઈની આગામી મેચ 6 દિવસ પછી હોવાથી આશા છે કે તે રાયપુર પ્રવાસ સુધીમાં ફિટ થઈ જશે. હાર્દિકનું નીરસ પરફોર્મન્સ હાર્દિક માટે આ સિઝન કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી. તેની કેપ્ટનશીપ તો વિવાદમાં છે જ, પણ તેનું વ્યક્તિગત પ્રદર્શન પણ નબળું રહ્યું છે. બેટિંગમાં 8 મેચમાં માત્ર 20.86ની એવરેજથી 146 રન (એક પણ ફિફ્ટી નથી). બોલિંગમાં આખી સિઝનમાં અત્યાર સુધી માત્ર 4 વિકેટ. શું માનસિક તણાવ બની રહ્યો છે કારણ? સૌથી મહત્વની વાત એ છે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાર્દિક પંડ્યા હાલમાં ખૂબ જ ખરાબ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સતત ટ્રોલિંગ અને ટીમની હારને કારણે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે તેને થોડો સમય આરામ કરવા અને માનસિક રીતે ફ્રેશ થઈને મેદાન પર પરત ફરવાની સલાહ આપી છે. શું હવે આખી સિઝન સૂર્યા જ કેપ્ટન રહેશે? સોશિયલ મીડિયા અને ક્રિકેટ વર્લ્ડમાં ચાલી રહેલા કેટલાક રિપોર્ટ્સ મુજબ, હાર્દિક પંડ્યા કદાચ આ સિઝનની બાકીની મેચોમાં રમતો જોવા ન મળે તેવી શક્યતા છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ જ કેપ્ટનશીપ સંભાળશે. એટલું જ નહીં, એવી પણ ચર્ચાઓ તેજ થઈ છે કે આવતા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને હટાવીને સૂર્યકુમાર યાદવને કાયમી ધોરણે કેપ્ટન બનાવી શકે છે. જોકે, આ બાબતે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જે રીતે સ્થિતિ બદલાઈ રહી છે તે જોતા હાર્દિક પંડ્યા માટે આગામી સમય ઘણો કપરો સાબિત થઈ શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

