અભિષેકની ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી:ભારતે સતત નવમી ટી-20 સિરીઝ જીતી, 60 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
અભિષેક શર્માની 14 બોલની ફિફ્ટીના દમ પર ભારતે ન્યુઝીલેન્ડ સામે 154 રનનો ટાર્ગેટ માત્ર 10 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો. રવિવારે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં આ ભારત માટે ટી-20 ઇતિહાસની બીજી સૌથી ઝડપી ફિફ્ટી રહી. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડ 153 રન જ બનાવી શક્યું, જેના જવાબમાં ભારતે 60 બોલ બાકી રહેતા 2 વિકેટે મેચ પૂરી કરી દીધી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટી-20 જીતીને 5 મેચની સીરીઝમાં 3-0ની અજેય લીડ બનાવી લીધી અને સતત નવમી ટી-20 સીરીઝ પણ પોતાના નામે કરી લીધી. ત્રીજી ટી-20ના રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ 1. ભારતે સતત નવમી ટી-20 સીરીઝ જીતી ભારતે સતત નવમી ટી-20 સિરીઝ પોતાના નામે કરી લીધી. ટીમ ઇન્ડિયાએ ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામે 2-2થી સિરીઝ ડ્રો રમી હતી, ત્યારથી ભારતે 9 દ્વિપક્ષીય ટી-20 સિરીઝ સાથે 2 ટૂર્નામેન્ટ પણ જીત્યા છે. જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે મળેલી હાર પછી ભારતીય ટીમ સતત 15 ટી-20 સિરીઝમાં અજેય રહી છે. આ સાથે જ ભારતે ન્યુઝીલેન્ડને સતત પાંચમી ટી-20 સિરીઝમાં હરાવ્યું. કીવી ટીમ ભારતમાં અત્યાર સુધી એક પણ ટી-20 સિરીઝ જીતી શકી નથી, જ્યારે તેણે ભારતને છેલ્લી વાર 2019માં પોતાના ઘરઆંગણે ટી-20 સિરીઝમાં હરાવ્યું હતું. 2. ભારતે 60 બોલ બાકી રહેતા મેચ જીતી ભારતે 150થી વધુ રનનો ટાર્ગેટ 60 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો. આ કોઈપણ ફુલ મેમ્બર ટીમ સામે આટલા મોટા ટાર્ગેટને ચેઝ કરતા અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ સાથે જ આ ન્યુઝીલેન્ડ સામે કોઈપણ ટાર્ગેટને ચેઝ કરતા જીતનો સૌથી મોટો તફાવત પણ બની ગયો. આ પહેલા કોઈપણ ટીમ ન્યુઝીલેન્ડ સામે 10 ઓવરની અંદર લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી, પરંતુ ભારતે આ રેકોર્ડ પણ તોડી નાખ્યો. 3. અભિષેકની ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડ સામે માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારીને ભારત માટે T20I માં બીજી સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો. આ ઇનિંગ્સ સાથે તેણે હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ જેવા મેચ વિનર્સને પાછળ છોડી દીધા. ભારત માટે T20I માં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે, જેમણે 2007 T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. અભિષેકે તેની T20I કારકિર્દીમાં નવમી વખત 25 કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી. આ મામલે તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવની બરાબરી કરી લીધી છે. 4. ભારતનો બીજો સૌથી મોટો પાવરપ્લે સ્કોર ભારતે પાવરપ્લેના 6 ઓવરમાં 94/2 રન બનાવીને T20I ઇતિહાસમાં પોતાનો બીજો સૌથી મોટો પાવરપ્લે સ્કોર નોંધાવ્યો. આ રેકોર્ડ ફક્ત 2025માં વાનખેડે સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડ સામે બનેલા 95/1થી પાછળ છે. ખાસ વાત એ રહી કે આ ન્યુઝીલેન્ડ સામે કોઈપણ ટીમનો અત્યાર સુધીનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર પણ બની ગયો. ભારતે આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો 2018માં ઓકલેન્ડમાં બનાવેલો 91/0નો રેકોર્ડ તોડી નાખ્યો. 5. ભારતની સૌથી ઝડપી ટી-20 ટીમ ફિફ્ટી ભારતે માત્ર 3.1 ઓવરમાં ટીમ ફિફ્ટી પૂરી કરીને T20I ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો. આ ભારતની અત્યાર સુધીની સૌથી ઝડપી ટીમ ફિફ્ટી છે, જેણે 2023માં બાંગ્લાદેશ સામે 3.4 ઓવરમાં બનેલા અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો. આ પહેલા ભારત ઘણી વખત 3.5 ઓવરમાં ફિફ્ટી સુધી પહોંચ્યું હતું, પરંતુ આ મેચમાં શરૂઆતી બેટરોએ પહેલી ત્રણ ઓવરમાં જ મેચ પર સંપૂર્ણપણે કબજો જમાવી લીધો હતો. હવે મોમેન્ટ્સ… 1. હાર્દિકના ડાઇવિંગ કેચથી કોનવે આઉટ હર્ષિત રાણાએ ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં ભારતને વિકેટ અપાવી. ઓવરના ત્રીજા બોલે તેણે ગુડ લેન્થ પર આઉટ-સ્વિંગર નાખ્યો, જેના પર ડેવોન કોનવે આગળ નીકળીને મોટો શોટ રમવાના પ્રયાસમાં ચૂકી ગયા. મિડ-ઓફ પર ઉભેલા હાર્દિક પંડ્યાએ હવામાં ઉછળીને શાનદાર કેચ પકડ્યો અને કોનવે પેવેલિયન પરત ફર્યા. કોનવે માત્ર 1 રન જ બનાવી શક્યા. ખાસ વાત એ રહી કે હર્ષિત રાણાએ તેમને છેલ્લી 5 ઇનિંગ્સમાં પાંચમી વખત આઉટ કર્યા. આ પહેલા વનડે સિરીઝમાં પણ હર્ષિતે કોનવેને ત્રણેય મેચમાં પેવેલિયન મોકલ્યા હતા. 2. બિશ્નોઈનો રનિંગ કેચ ન્યુઝીલેન્ડે બીજી ઓવરમાં જ બીજી વિકેટ ગુમાવી દીધી. ઓવરના પાંચમા બોલ પર હાર્દિક પંડ્યાએ શોર્ટ પિચ ડિલિવરી ફેંકી, જેના પર રચિન રવીન્દ્રએ પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો. જોકે, ડીપ સ્ક્વેર લેગ પર રવિ બિશ્નોઈએ શાનદાર કેચ પકડીને તેમને પેવેલિયન મોકલ્યા. રચિન માત્ર 4 રન જ બનાવી શક્યા. 3. બુમરાહને પહેલી બોલ પર વિકેટ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છઠ્ઠી ઓવરમાં પહેલીવાર બોલિંગ કરવા આવ્યો અને પહેલી જ બોલ પર અસર બતાવી દીધી. તેણે ગુડ લેન્થ પર આઉટ-સ્વિંગર નાખી, જેના પર ટિમ સાઇફર્ટે ડિફેન્સ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ચૂકી ગયો અને બોલ્ડ થયો. સાઇફર્ટ 12 રન બનાવીને આઉટ થયો. 4. સંજુ સેમસન શૂન્ય પર બોલ્ડ 154 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી. વિકેટકીપર સંજુ સેમસન પહેલી જ બોલ પર બોલ્ડ થઈ ગયો. તેને મેટ હેનરીએ પેવેલિયન ભેગો કર્યો. ક્રિકેટમાં પહેલી બોલ પર આઉટ થવાને ગોલ્ડન ડક કહેવાય છે. સંજુ ટી-20 કારકિર્દીમાં સાતમી વખત શૂન્ય પર આઉટ થયો. આ સિરીઝમાં તે માત્ર 16 રન જ બનાવી શક્યો. 5. ઈશાન અને અભિષેકે સિક્સથી ખાતું ખોલ્યું ઈશાન કિશન અને અભિષેક શર્માએ પોતાનું ખાતું છગ્ગાથી ખોલ્યું. પહેલી ઓવરમાં ઈશાને મેટ હેનરીની ત્રીજી અને ચોથી બોલ પર સતત બે સિક્સર ફટકારી. પહેલા તેણે ફ્લિક શોટ રમ્યો અને પછીની જ બોલ પર પુલ કરતા વધુ એક છગ્ગો ફટકાર્યો. ઈશાન 28 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં અભિષેક શર્માએ પણ સિક્સર સાથે ખાતું ખોલ્યું. તેણે જેકબ ડફીની પહેલી જ બોલ પર આગળ વધીને ડીપ સ્ક્વેર લેગ ઉપરથી શાનદાર છગ્ગો ફટકાર્યો. 6. અભિષેકની સિક્સરથી ફિફ્ટી 5.6 ઓવરમાં જેકબ ડફીની બોલ પર અભિષેક શર્માએ સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. આ સાથે જ તેણે પોતાનું પ્રખ્યાત L-શેપ સેલિબ્રેશન કર્યું, જેને તેણે સ્ટેડિયમમાં હાજર ચાહકોને સમર્પિત કર્યું. બોલ લેગ સ્ટમ્પની બહાર શોર્ટ હતો. અભિષેકે લાઈનમાં આવીને ફ્લેટ શોટ રમ્યો, જે ફાઈન લેગ ઉપરથી સીધો દર્શકોની વચ્ચે જઈ પડ્યો. 7. સૂર્યાનો સુપ્લા શોટ 5.3 ઓવરમાં જેકબ ડફીની બોલ પર સૂર્યકુમાર યાદવે પોતાનો ફેમસ સુપ્લા શોટ રમતા છગ્ગો ફટકાર્યો. આ સ્લોઅર ઓફ-કટર હતી, જે ઓફ સ્ટમ્પની બહાર ફુલ લેન્થ પર આવી. સૂર્યાએ હળવું ક્રીઝની અંદર શફલ કર્યું અને લાઇન પાર કરીને શોટ લગાવ્યો. બોલ ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપરથી સીધો દર્શકોની વચ્ચે જઈ પડ્યો. આ શોટ જોઈને પેવેલિયનમાં બેઠેલા કોચ ગૌતમ ગંભીર પણ માથું હલાવતા જોવા મળ્યા. તેમને પણ વિશ્વાસ ન થયો કે આટલી મુશ્કેલ બોલ પર સૂર્યાએ તેને આટલી સરળતાથી સિક્સમાં બદલી દીધો. સૂર્યાએ ચોગ્ગો લગાવીને પોતાની સતત બીજી ફિફ્ટી પૂરી કરી અને ચોગ્ગા સાથે જ ભારતને જીત પણ અપાવી દીધી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

