અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી:સિંગરે કહ્યું, 'તમારા અઢળક પ્રેમનો ઋણી છું, મ્યૂઝિક બનાવવાનું બંધ નહીં કરું'
સિંગર અરિજિત સિંહે મંગળવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે વર્ષો સુધી હિટ ગીતો આપ્યા બાદ તેઓ પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લઈ રહ્યા છે. એક નિવેદનમાં, તેમણે કહ્યું કે તેઓ હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા અસાઇનમેન્ટ લેશે નહીં, જ્યારે સ્પષ્ટતા કરી કે તેઓ મ્યૂઝીક બનાવવાનું ચાલુ રાખશે. અરિજિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, નમસ્તે, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આટલા વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને આટલો બધો પ્રેમ આપવા બદલ હું આપનો આભાર માનું છું. મને એ જાહેર કરતા આનંદ થાય છે કે, હવેથી હું પ્લેબેક સિંગર (પાશ્વ ગાયક) તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ હાથમાં લેવાનો નથી. હું આ કામમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ એક શાનદાર સફર રહી. તેણે આગળ ઉમેર્યું, ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે ઘણું નવું શીખતો રહીશ અને મારી રીતે કંઈક નવું કરતો રહીશ. તમારા સહકાર બદલ ફરી એકવાર આભાર. મારે હજુ પણ કેટલાક જૂના પ્રોજેક્ટ્સ પૂરા કરવાના બાકી છે, તે હું પૂરા કરીશ. તેથી આ વર્ષે કદાચ મારા કેટલાક ગીતો રિલીઝ થશે. સ્પષ્ટતા ખાતર જણાવી દઉં કે, હું સંગીત બનાવવાનું બંધ નહીં કરું. અરિજિત સિંહની ગણના આજના સમયમાં ટોચના ગાયકોમાં સિંગર અરિજિત સિંહનો જન્મ જન્મ 25 એપ્રિલ 1987ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જિયાગંજમાં થયો હતો. સિંગર પંજાબી શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે ખૂબ જ નાની ઉંમરથી સંગીતની તાલીમ શરૂ કરી હતી. અરિજિતને બાળપણથી જ ગાવાનો શોખ હતો. અરિજિતના મામા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વિશેષતા ધરાવતા હતા અને તેમના દાદી ગાતા હતા. પરિવારમાં સંગીતમય વાતાવરણને કારણે અરિજિતનો સંગીતમાં રસ વધુ વધી ગયો હતો. અરિજિત વર્તમાન સમયના ટોચના ગાયકોમાંથી એક છે. અરિજિતે બે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ્સ જીત્યા છે, અને વર્ષ 2025માં તેમને ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યો હતો. સિંગિંગ બાદ હવે અરિજિત ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કરશે! અરિજિત ટૂંક સમયમાં મોટા બજેટની જંગલ એડવેન્ચર થીમવાળી ફિલ્મમાં ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કરશે તેવા છ મહિના પહેલા સમાચાર ચર્ચામાં આવ્યા હતા. સિંગરે પોતે જ તેની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મની સ્ટોરી લખી છે. આ ફિલ્મનું નિર્માણ મહાવીર જૈન કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરિજિત અને મહાવીર સમગ્ર ભારતના દર્શકોને ધ્યાનમાં રાખીને આ અનોખી જંગલ એડવેન્ચર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ ગઈ છે અને કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મના કાસ્ટિંગ અને ટાઈટલને અંતિમ સ્વરૂપ આપ્યા પછી, ટીમ ફિલ્મની જાહેરાત કરશે. મહાવીર જૈન ઉપરાંત, આ ફિલ્મનું નિર્માણ આલોકદ્યુતિ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગોડ બ્લેસ એન્ટરટેઈનમેન્ટ તેના કો-પ્રોડ્યુસર છે. ઘણો સંઘર્ષ કરવો પડ્યો, પ્રીતમે ખૂબ સાથ આપ્યો અરિજિત અત્યારે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. અરિજિત પહેલીવાર ટીવી રિયાલિટી શો ફેમ ‘ગુરુકુલ’માં જોવા મળ્યો હતો. આ સિંગિંગ શોમાં તેની ગાયકીએ જજ જાવેદ અખ્તર, શંકર મહાદેવન અને કેકેના દિલ જીતી લીધા હતા, પરંતુ ઓછા વોટના કારણે તેને શોમાંથી બહાર કરવો પડ્યો હતો. આ પછી પણ ગાયકનો સંઘર્ષ ચાલુ રહ્યો. સંજય લીલા ભણસાલીએ અરિજિતને તેમની ફિલ્મમાં તક આપવાનું વચન આપ્યું હતું. સિંગરે ‘સાવરિયા’ માટે પોતાના અવાજમાં એક ગીત રેકોર્ડ કર્યું હતું, પરંતુ તે ક્યારેય રિલીઝ ન થયું. અરિજિતની કારકિર્દીમાં પ્રીતમે મહત્વની ભૂમિકા ભજવી છે. બંનેએ સાથે મળીને ‘ગોલમાલ 3’, ‘ક્રૂક’ અને ‘એક્શન રિપ્લે’ જેવી ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘આશિકી 2’ કરિયરનો ટર્નિંગ પોઇન્ટ બની અરિજિતે વર્ષ 2011માં આવેલી ‘મર્ડર 2’થી બોલિવૂડમાં તેની સિંગિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનું ગીત ‘ફિર મોહબ્બત’ લોકોને પસંદ આવ્યું હતું. જોકે, ‘આશિકી 2’ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. આ ફિલ્મમાં તેના દ્વારા ગાયેલા ગીતો એટલા સફળ રહ્યા હતા કે, આ પછી અરિજિતે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેના સુપરહિટ ગીતોમાં ‘ચન્ના મેરેયા’, ‘આજ સે તેરી’, ‘તેરા યાર હું મેં’, ‘જો ભેજી થી દુઆ’, ‘ફિર ભી તુમકો ચાહુંગા’ વગેરેનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિજિત એક ગીત માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે કોન્સર્ટ માટે તગડી ફી પણ લે છે. મળતી માહિતી મુજબ તે શો માટે એકથી દોઢ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની નેટવર્થ વિશે વાત કરીએ તો તે લગભગ 70 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ‘બેટલ ઓફ ગલવાન’ના ‘માતૃભૂમિ’ ગીતને અવાજ આપ્યો તાજેતરમાં અરિજિત સિંહનું ગીત ‘માતૃભૂમિ’ રિલીઝ થયું છે. અરિજિતે ‘બેટલ ઓફ ગલવાન’ના આ દેશભક્તિથી ભરેલા ગીતમાં પોતાનો જીવ રેડી દિધો છે. સલમાન ખાન સાથે અગાઉ વિવાદ થયો હતો સલમાન ખાન અને સિંગર અરિજીત સિંહ વચ્ચે થોડા વર્ષો પહેલા એક એવોર્ડ શોમાં ઝઘડો થયો હતો, જેના કારણે તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ત્યારબાદ સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’માંથી અરિજીતનું ગીત દૂર કરવામાં આવ્યું હોવાનો સિંગરે દાવો કર્યો હતો, જેનાથી વિવાદ વધુ વકર્યો હતો. જોકે, વર્ષો પછી સલમાન અને અરિજીત હવે સમાધાન કરી ચૂક્યા છે. સલમાને પોતે આ વાતનો ખુલાસો કર્યો અને પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે, તેણે પરિસ્થિતિને ખોટી રીતે સમજી હતી. કોમેડિયન રવિ ગુપ્તા થોડા સમય પહેલાં ‘બિગ બોસ 19’ના ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં હોસ્ટ તરીકે દેખાયો હતો. તેણે સલમાનને કહ્યું કે, ‘હું અહીં આવવાથી ડરતો હતો કારણ કે, હું અરિજિત સિંહ જેવો દેખાવ છું.’ રવિ ગુપ્તાની વાત સાંભળીને સલમાન ખાન ખડખડાટ હસી પડ્યો અને કહ્યું, ‘અરિજીત અને હું ખૂબ સારા મિત્રો છીએ. તે એક ગેરસમજ હતી અને તે મારી ભૂલ હતી.’ સલમાને આગળ કહ્યું, ‘તેણે મારા માટે ગાયું પણ છે. તેણે ‘ટાઇગર’માં ગાયું હતું અને હવે તે ‘ગલવાન’ (ફિલ્મ)માં પણ ગાયું છે.’ શું છે આખો વિવાદ? 2014ના ‘ગિલ્ડ એવોર્ડ્સ’માં સિંગર અરિજીત સિંહ ‘તુમ હી હો” ગીત માટે એવોર્ડ લેવા પહોંચ્યો હતો. સલમાન ખાન અને રિતેશ દેશમુખ સ્ટેજ પર હાજર હતા અને સતત સિંગર સાથે મજાક કરતા હતા. સ્ટેજ પર પહોંચ્યા પછી, અરિજીતે કહ્યું, ‘તમે લોકોએ મને સૂવડાવી દીધો.’ સલમાને જવાબ આપ્યો, ‘તે અમારી ભૂલ નથી; જો તમે ‘તુમ હી હો’ જેવા ગીતો વગાડતા રહેશો, તો પ્રેક્ષકો ચોક્કસ સૂઈ જશે.’ અરિજિત કોઈ જવાબ આપ્યા વિના સ્ટેજ છોડીને ચાલ્યો ગયો, પરંતુ ‘તુમ હી હો’ ગીત માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મેળવવા પહોંચેલા મિથુને અરિજિતના અપમાનનો જવાબ આપ્યો. તેમણે કહ્યું, ‘તુમ હી હો ગીતે લોકોને ઊંઘમાં નાખ્યા નહીં, તેમને જગાડ્યા છે.’ આના પર સલમાને મજાકમાં જવાબ આપ્યો, ‘અરે, તમારો ગાયક સૂઈને આવ્યો હતો.’ મિથુને જવાબ આપ્યો, ‘અરિજીતે ખૂબ જ ધીરજથી ગાયું અને તે ધીરજની જ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીને જરૂર છે.’ પહેલા, સલમાન મિથુનના પેન્ટ પર ચોંટાડેલા કાગળનો ટુકડો બહાર કાઢે છે અને તેની મજાક ઊડાવે છે. મિથુન જવાબ આપે છે, ‘તમે મને છ કલાક બેસાડ્યો, તેથી જ આવું થાય છે.’ સલમાન તેના શબ્દો સાંભળીને હસવાનું બંધ કરે છે અને પછી ગુસ્સાથી બૂમ પાડે છે, ‘તમારું કામ પૂરું થઈ ગયું, હવે બહાર નીકળી જા.’ મિથુને જવાબ આપ્યો, ‘મને ડર નથી લાગતો.’ બંને વચ્ચેનો અણબનાવ જોઈને બધાં ગંભીર થઈ ગયા હતા. આ વિવાદ દરમિયાન, અરિજીત સિંહે સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ માટે એક ગીત ગાયું હતું, પરંતુ થોડા દિવસો પછી જ તેમનું ગીત ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યું હતું. આ સમાચાર સાંભળીને, અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર સલમાન ખાનની માફી માંગી અને વિનંતી કરી કે તેમનું ગીત ફિલ્મમાંથી દૂર ન કરવામાં આવે. જોકે, માફીની કોઈ અસર થઈ નહોતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

