અલ્ટ્રાટેક સિમેન્ટનો નફો 27% વધ્યો:ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 1,729 કરોડ રૂપિયા રહ્યો, રેવન્યુ ₹21,830 કરોડને પાર

Last Updated: January 24, 2026By

દેશની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ એ શનિવારે (24 જાન્યુઆરી) ના રોજ નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 26.8% વધીને 1,729.44 કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને 1,363.44 કરોડ રૂપિયાનો નફો થયો હતો. સિમેન્ટના રેકોર્ડ વેચાણ અને ઓપરેશન્સમાં સુધારાને કારણે કંપનીના પ્રદર્શનમાં આ વૃદ્ધિ જોવા મળી છે. રેવન્યુમાં 23% નો ઉછાળો, વેચાણ 38.87 મિલિયન ટન પર પહોંચ્યું આદિત્ય બિરલા ગ્રુપની આ ફ્લેગશિપ કંપનીનો ઓપરેશન્સમાંથી થતી રેવન્યુ પણ 22.8% વધીને 21,829.68 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં આ આંકડો 17,778.83 કરોડ રૂપિયા હતો. વોલ્યુમની દ્રષ્ટિએ જોઈએ તો કંપનીએ આ ક્વાર્ટરમાં કુલ 38.87 મિલિયન ટન (MT) સિમેન્ટનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 15% વધુ છે. ઘરેલું બજારમાં ગ્રે સિમેન્ટની માગમાં 15.4% નો વધારો નોંધાયો છે. દુનિયામાં બીજા નંબરે પહોંચી અલ્ટ્રાટેક અલ્ટ્રાટેકે આ ક્વાર્ટર દરમિયાન મહારાષ્ટ્રના ધુળે અને રાજસ્થાનના નાથદ્વારામાં નવા પ્લાન્ટ શરૂ કર્યા છે. હવે કંપનીની કુલ સ્થાનિક ક્ષમતા વાર્ષિક 188.66 મિલિયન ટન (mtpa) થઈ ગઈ છે. જો યુએઈ (UAE)ના ઓપરેશન્સને પણ ભેળવી દઈએ, તો કંપનીની વૈશ્વિક ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 194.06 મિલિયન ટન (mtpa) થઈ ગઈ છે. આ સાથે જ અલ્ટ્રાટેક હવે ઉત્પાદન ક્ષમતાના મામલે દુનિયાની બીજી અને વેચાણના મામલે (ચીનને બાદ કરતાં) દુનિયાની સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગઈ છે. નવો લેબર કોડ: નફા પર પડ્યો 88 કરોડનો બોજ કંપનીએ જણાવ્યું કે 21 નવેમ્બર 2025 થી લાગુ થયેલા નવા લેબર કોડને કારણે તેમના પર એકસાથે 88.48 કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ પડ્યો છે. આ ખર્ચ ગ્રેચ્યુઇટી અને રજાઓના બદલામાં મળતા ચુકવણીના નિયમોમાં ફેરફારને કારણે થયો છે. જો આ ખર્ચને દૂર કરવામાં આવે, તો કંપનીનો નફો વધુ રહી શક્યો હોત. ખર્ચમાં ઘટાડો: કોલસો અને વીજળી સસ્તી થવાથી રાહત મળી પરિણામો અનુસાર, કંપનીને ફ્યુઅલ અને વીજળીના ખર્ચમાં રાહત મળી છે. ગયા વર્ષની સરખામણીમાં વીજળી અને ઇંધણનો ખર્ચ લગભગ 15% ઓછો થયો છે. જ્યારે લોજિસ્ટિક ખર્ચમાં પણ 4% નો ઘટાડો થયો છે. જોકે, કાચા માલ એટલે કે રો મટિરિયલની કિંમતોમાં 6% નો વધારો નોંધાયો છે. કંપનીનો ઓપરેટિંગ માર્જિન પણ સુધરીને 18% થયો છે, જે ગયા વર્ષે 16% હતો. ભવિષ્યની યોજના: 240 mtpa ક્ષમતાનું લક્ષ્ય અલ્ટ્રાટેકનું આગલું લક્ષ્ય તેની કુલ ક્ષમતાને 240.76 મિલિયન ટન સુધી પહોંચાડવાનું છે. આ માટે ઇન્ડિયા સિમેન્ટ્સ સાથે મળીને નવા પ્રોજેક્ટ્સ (ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ) પર કામ શરૂ થઈ ગયું છે. કંપનીએ આ ક્વાર્ટરમાં 2,357 કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર કર્યો છે. આ ઉપરાંત, કંપની તેના ‘કેબલ્સ અને વાયર્સ’ બિઝનેસનું પણ વિસ્તરણ કરી રહી છે, જેનું કામ પ્રોજેક્ટ સાઇટ પર શરૂ થઈ ગયું છે. રેડી મિક્સ કોંક્રિટ બિઝનેસમાં પણ વૃદ્ધિ કંપનીનો નોન-સિમેન્ટ સેગમેન્ટ પણ ઝડપથી વધી રહ્યો છે. રેડી મિક્સ કોંક્રિટ (RMC) માંથી થતી કમાણી 26% વધીને 1,848 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે વ્હાઇટ સિમેન્ટની આવકમાં પણ 5.6% નો વધારો જોવા મળ્યો છે. ઓવરસીઝ રેવન્યુ એટલે કે વિદેશોમાંથી થતી કમાણીમાં પણ 35% નો મોટો ઉછાળો આવ્યો છે, જે 1,194 કરોડ રૂપિયા રહ્યો.