'આ દેશ આપણો છે, બસ ખુશ રહો':વહીદા રહેમાનની 'સાંપ્રદાયિક ભેદભાવ'વાળા નિવેદન પર પ્રતિક્રિયા; એઆર રહેમાનને વિવાદથી દૂર રહેવા સલાહ આપી
પીઢ એક્ટ્રેસ વહીદા રહેમાને સંગીતકાર એ.આર. રહેમાનના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, બોલિવૂડમાં તેમને ઓછું કામ મળવાનું એક કારણ ‘સાંપ્રદાયિક ભેદભાવ’ પણ હોઈ શકે છે. ‘આવી નાની નાની બાબતો દરેક દેશમાં થાય છે’ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં વહીદા રહેમાને કહ્યું, ‘હા, મેં આ વિશે વાંચ્યું છે, પરંતુ હું તેના વિશે ઓછું જાણવાનો પ્રયાસ કરું છું. જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય, ત્યારે હું તેના પર ધ્યાન આપવાનું પસંદ કરતી નથી. આ નાની-નાની બાબતો દરેક દેશમાં થાય છે.’ તેમણે આગળ કહ્યું, ‘કોના પર વિશ્વાસ કરવો અને કેટલો વિશ્વાસ કરવો? આ વાત સાચી છે કે નહીં, તે પણ ખબર નથી. આવા કિસ્સાઓમાં શા માટે ફસાવું? ખાસ કરીને મારી ઉંમરે હું કોઈની સાથે કે કોઈ મુદ્દા સાથે જોડાઈને વિવાદ નથી ઈચ્છતી. શાંતિથી રહો, આ દેશ આપણો છે, બસ ખુશ રહો. હું બસ એટલું જ કહી શકું છું.” ‘કામ ન મળવાનું કારણ બદલાતો સમય પણ હોઈ શકે’ વહીદા રહેમાને એમ પણ કહ્યું કે, ‘એઆર રહેમાનને ઓછું કામ મળવાનું કારણ બદલાતો સમય પણ હોઈ શકે છે.’ તેમણે કહ્યું, ‘કામ તો ઉપર-નીચે થતું જ રહે છે. એક ઉંમર પછી લોકો કહે છે કે કંઈક નવું કે અલગ લઈને આવો. આવા સમયે ઘણીવાર કેટલાક લોકો પાછળ રહી જાય છે. એવું જરૂરી નથી કે જે લોકો ખૂબ ઊંચાઈ પર પહોંચી ગયા છે, તેઓ હંમેશા ત્યાં જ બની રહે. ઉતાર-ચઢાવ તો ચાલતો જ રહે છે, તેમાં કોઈ નવી વાત નથી.’ એઆર રહેમાને શું કહ્યું હતું? ખરેખર, એઆર રહેમાને બીબીસી એશિયન નેટવર્કને આપેલા ઇન્ટરવ્યુમાં બોલિવૂડમાં ભેદભાવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કદાચ પહેલા મને તેનો અહેસાસ નહોતો થયો અથવા તે છુપાયેલું હતું. પરંતુ છેલ્લા આઠ વર્ષમાં સત્તાનું સંતુલન બદલાયું છે અને હવે એવા લોકો પાસે તાકાત છે, જેઓ રચનાત્મક નથી.’ ‘આ સાંપ્રદાયિક પણ હોઈ શકે છે, પરંતુ સીધા મારા સામે આવતું નથી. મને ફક્ત અફવાઓ દ્વારા ખબર પડે છે કે મને બુક કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં મ્યુઝિક કંપનીએ પાંચ વધુ કમ્પોઝરને હાયર કરી લીધા.’ વિવાદ વધતાં એ.આર. રહેમાને સ્પષ્ટતા કરી હતી એ.આર. રહેમાનના આ નિવેદન બાદ જાવેદ અખ્તર, શાન, શંકર મહાદેવન અને કંગના રનૌત સહિત અનેક સેલેબ્સે પ્રતિક્રિયા આપી હતી. વિવાદ વધ્યા બાદ રહેમાને સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, ‘ભારત મારી પ્રેરણા છે, મારો ગુરુ છે અને મારું ઘર છે. ક્યારેક વાતોને ખોટી રીતે સમજી લેવામાં આવે છે. મારો હેતુ હંમેશા સંગીત દ્વારા સન્માન અને સેવા કરવાનો રહ્યો છે. મારો ઇરાદો ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

