ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સેન્ટીમેન્ટ થોડું સંયમભર્યું રહી શકે:ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્

Last Updated: January 25, 2026By

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ટ્રેડ કરનારા દેશો પર વધારાની 25% ટેરિફ ઠપકારવાની ધમકી ઉચ્ચારતા તેમજ ઈરાન મામલે ગમે તે ઘડીએ અમેરિકાની સૈન્ય કાર્યવાહી થવાના જોખમ અને એના પરિણામે મિડલ ઈસ્ટમાં યુદ્ધના જોખમ તેમજ વૈશ્વિક મોરચે ટ્રમ્પની દેશો કબજે કરવાની નહિંતર આકરાં ટેરિફ લાગુ કરવાની દાદાગીરીથી હવે યુરોપના દેશો પણ વિરોધમાં આવી જતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકાએ સપ્તાહના શરૂઆતી દિવસોમાં ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. પરંતુ, ત્યાર બાદ સતત કડાકાનો સામનો કરી રહેલા ભારતીય શેરબજારમાં તેજીનો તોફાન જોવા મળ્યો હતો. આ તેજી પાછળનું મુખ્ય કારણ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેના સકારાત્મક નિવેદન બાદ બજારમાં મંદી પર બ્રેક લાગી હતી. ટ્રમ્પના નિવેદન ઉપરાંત, વિદેશી બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો. જયારે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. બજારની ભાવી દિશા…. મિત્રો, વિશ્વ હાલમાં જીઓપોલિટિકલ અને આર્થિક મોરચે ગંભીર અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ચીન અને રશિયા બાદ હવે અમેરિકાની દબાણકારી નીતિઓના કારણે નાના દેશોની સ્વાયત્તતા પર પ્રશ્ન ઊભા થયા છે અને વૈશ્વિક તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારંવાર ટેરિફને શસ્ત્ર તરીકે ઉપયોગમાં લઈ એક પછી એક દેશોને ધમકી આપવાની નીતિએ વૈશ્વિક વેપાર વ્યવસ્થાને અસ્થિર બનાવી દીધી છે. આ ટેરિફ યુદ્ધના સીધા પ્રભાવો વિશ્વના શેરબજારો પર દેખાઈ રહ્યા છે, જ્યાં રોકાણકારો ‘રિસ્ક ઑફ’ મોડમાં જઈ રહ્યા છે. ભારતીય શેરબજારમાં પણ ટૂંકા ગાળે ઈન્ડેક્સમાં તેજી-મંદીની તીવ્ર હલચલ જોવા મળવાની શક્યતા છે. એફઆઈઆઈની ખરીદી-વેચાણ, ડોલરની મજબૂતી અને ક્રૂડના ભાવ જેવી બાબતો બજારની દિશાને સમયાંતરે પ્રભાવિત કરતી રહેશે, જેથી સેન્ટીમેન્ટ થોડું સંયમભર્યું રહી શકે છે. પરંતુ આ તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની સ્થિતિ તુલનાત્મક રીતે વધુ મજબૂત અને વ્યૂહાત્મક રીતે સંતુલિત દેખાય છે. ભારતીય સરકાર દ્વારા રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપી કોઈપણ દબાણમાં વેપાર સમજૂતી ન કરવાની સ્પષ્ટ ભૂમિકા અને યુરોપ તથા એશિયાના અન્ય દેશો સાથે વૈકલ્પિક ટ્રેડ ડિલ્સ તરફ વધતા પગલાં ભારતની આર્થિક મજબૂતીને ટેકો આપી શકે છે. સાથે સાથે સરકાર યુરોપ, એશિયા અને અન્ય ઉદયમાન અર્થતંત્રો સાથે વૈકલ્પિક ટ્રેડ સમજૂતીઓ કરીને અમેરિકાના દબાણ સામે વિકલ્પો ઊભા કરી રહી છે, જે ભારતના એક્સપોર્ટ, મેન્યુફેક્ચરિંગ અને રોજગાર માટે લાંબા ગાળે લાભદાયક બનશે. આ પરિસ્થિતિમાં ભારતીય શેરબજારમાં જો ટૂંકા ગાળે કરેકશન આવે તો તે લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ સાબિત થઈ શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!! પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. ( BSE CODE – 532898 ) પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના દેશમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન સિસ્ટમના સંચાલન અને જાળવણીના આયોજનની જવાબદારી સાથે 23 ઓક્ટોબર 1989ના રોજ નેશનલ ‘પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ’ નામ સાથે કરવામાં આવી હતી. 23 ઓક્ટોબર 1992માં કંપનીનું નામ બદલીને ‘પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ’ કરવામાં આવ્યું. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL) એ જાહેર ક્ષેત્રની ઉપક્રમ ભારતની મુખ્ય ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન કંપની છે. કંપની ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ટેલિકોમ અને કન્સલ્ટન્સી સેવાઓના અમલીકરણ અને જાળવણીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની ભારતની 90% આંતરરાજ્ય અને આંતર-પ્રાદેશિક ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. દેશવ્યાપી ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને યુનિફાઈડ લોડ ડિસ્પેચ સેન્ટર (ULDC) સ્કીમ્સની ફાજલ ટેલિકોમ્યુનિકેશન ક્ષમતાનો ઉપયોગ કરવા માટે કંપનીએ ટેલિકોમ બિઝનેસમાં વૈવિધ્યીકરણ કર્યું છે. કંપનીએ ‘ફોર્બ્સ ગ્લોબલ 2000’ની યાદીમાં પણ સ્થાન મેળવ્યું છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. પાવર – ટ્રાન્સમિશન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.2,36,607.36 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.3.51 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.321.75 અને ઘટીને રૂ.247.50 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – 2025 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 51.34% અને પબ્લિકનું હોલ્ડીંગ 48.66% આવેલ. બોનસ શેર : વર્ષ 2023 માં 1:3 શેર બોનસ આપેલ છે. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2022માં શેરદીઠ રૂ.12.75, વર્ષ 2023માં શેરદીઠ રૂ.13.75 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.7.25 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2024 થી માર્ચ 2025 : ચોખ્ખું વેચાણ રૂ.42,391.16 કરોડની તુલનાએ ઘટીને રૂ.41,431.49 કરોડ મેળવીને એનપીએમ 37.06% થકી ચોખ્ખો નફો રૂ.15,474.61 કરોડની તુલનાએ ઘટીને રૂ.15,353.57 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.16.51 નોંધાવી છે. (2) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ 2025 થી જુન 2025 : ચોખ્ખું વેચાણ રૂ.10,982.55 કરોડથી ઘટીને રૂ.9928.23 કરોડ મેળવીને એનપીએમ 36.80% થકી ચોખ્ખો નફો રૂ.4336.17 કરોડની તુલનાએ ઘટીને રૂ.3653.23 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.3.93 નોંધાવી છે. (3) બીજું ત્રિમાસિક જુલાઈ 2025 થી સપ્ટેમ્બર 2025 : ચોખ્ખું વેચાણ રૂ.9928.23 કરોડથી વધીને રૂ.9999.60 કરોડ મેળવીને એનપીએમ 35.55% થકી ચોખ્ખો નફો રૂ.3653.23 કરોડની તુલનાએ ઘટીને રૂ.3554.80 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.3.82 નોંધાવી છે. 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તરથી 21.02% દૂર અને 52 અઠવાડિયાના નીચલા સ્તરથી 2.83% દૂર આ કંપનીમાં ડિસેમ્બર 2025 ના ક્વાર્ટરમાં DII નું હોલ્ડિંગ 19.39% થી વધીને 20.26% થયું. પાવર – ટ્રાન્સમિશન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.247 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.240 ના સપોર્ટથી આ સ્ટોક રોકાણ અર્થે રૂ.263 થી રૂ.270 આસપાસ પ્રતિકૂળ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! એનએલસી ઈન્ડિયા લિ. ( BSE CODE – 513683 ) એનએલસી ઈન્ડિયા લિમિટેડ અગાઉ નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ (NLC) ને 14મી નવેમ્બર 1956ના રોજ ભારત સરકાર (જીઓઆઈ)ના ગૃહ હેઠળ ખાનગી લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી જે 7મી માર્ચ 1986માં જાહેરમાં આવી હતી. હાલમાં કંપની લિગ્નાઇટ તેમજ રિન્યુએબલ એનર્જી તેમજ થર્મલ પાવર ઉત્પાદનમાં સંકળાયેલી છે. કંપની પાસે તમિલનાડુ ખાતે કુલ 30.10 મિલિયન TPAની ક્ષમતાની 3 લિગ્નાઈટ ખાણ છે અને રાજસ્થાનના બારસિંગસર ખાતે 2.1 મિલિયન TPAની ક્ષમતાની 1 ઓપન કાસ્ટ લિગ્નાઈટ ખાણ છે. વર્ષ 1986માં પ્રથમ ખાણના વિસ્તરણ માટે પૂરક શક્યતા અહેવાલ અને 2 x 210 મેગાવોટના પાવર સ્ટેશન ભારત સરકારને સુપરત કરવામાં આવ્યા હતા. વર્ષ 2002 દરમિયાન NLC એ રાજસ્થાન સરકાર સાથે બિકાનેર જિલ્લાના બારસિંગર ખાતે લિગ્નાઈટ આધારિત થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા અને તે જ વર્ષે કંપનીએ બે નવા એકમોનું અનાવરણ કર્યું હતું. એનએલસી ઈન્ડિયા લિ. પાવર જનરેશન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.34,298.46 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.58.89 લાખ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.292.35 અને ઘટીને રૂ.185.85 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2025 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 72.20% અને પબ્લિકનું હોલ્ડીંગ 27.80% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2022માં શેરદીઠ રૂ.3.00, વર્ષ 2023માં શેરદીઠ રૂ.3.50, વર્ષ 2024માં શેરદીઠ રૂ.3.00 ડિવિડન્ડ, વર્ષ 2025માં શેરદીઠ રૂ.3.00 અને વર્ષ 2026માં શેરદીઠ રૂ.3.60 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2024 થી માર્ચ 2025 : ચોખ્ખું વેચાણ રૂ.10,518.64 કરોડની તુલનાએ ઘટીને રૂ.10,285.78 કરોડ મેળવીને એનપીએમ 18.47% થકી ચોખ્ખો નફો રૂ.1846.58 કરોડની તુલનાએ વધીને રૂ.1899.99 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.13.70 નોંધાવી છે. (2) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ 2025 થી જુન 2025 : ચોખ્ખું વેચાણ રૂ.2723.15 કરોડથી ઘટીને રૂ.2495.60 કરોડ મેળવીને એનપીએમ 14.75% થકી ચોખ્ખો નફો રૂ.656.23 કરોડની તુલનાએ ઘટીને રૂ.368.17 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.14.75 નોંધાવી છે. (3) બીજું ત્રિમાસિક જુલાઈ 2025 થી સપ્ટેમ્બર 2025 : ચોખ્ખું વેચાણ રૂ.2495.60 કરોડથી વધીને રૂ.2564.91 કરોડ મેળવીને એનપીએમ 18.93% થકી ચોખ્ખો નફો રૂ.368.17 કરોડની તુલનાએ વધીને રૂ.485.49 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.2.52 નોંધાવી છે. ઉચ્ચ TTM EPS ગ્રોથ ધરાવતી આ કંપનીમાં શેરધારકોના ભંડોળનો અસરકારક ઉપયોગ કરીને છેલ્લા 3 વર્ષથી ઇક્વિટી પર વળતર (ROE) સુધરી રહ્યું છે, છેલ્લા 2 વર્ષથી વાર્ષિક EPSમાં સુધારો જોવા મળ્યો છે. પાવર જનરેશન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.240 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.234 ના સપોર્ટથી આ સ્ટોક રોકાણ અર્થે રૂ.253 થી રૂ.260 આસપાસ પ્રતિકૂળ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!