'એપસ્ટીન ફાઇલ્સ' સાથે નામ જોડાતા અનુરાગ કશ્યપ લાલઘૂમ:ફિલ્મમેકરે બેઇજિંગ જવાની વાત નકારી, દસ્તાવેજોને પાયાવિહોણા ગણાવ્યા

Last Updated: February 5, 2026By

‘એપસ્ટીન ફાઇલ્સ’માં નામ આવવાની ચર્ચા પર ફિલ્મમેકર અનુરાગ કશ્યપે મૌન તોડ્યું છે. અનુરાગે કહ્યું કે, તેનો ‘એપસ્ટીન ફાઇલ્સ’ કે જેફરી એપસ્ટીનની કોઈપણ પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ અનુસાર, અનુરાગ કશ્યપનું નામ ‘એપસ્ટીન ફાઇલ્સ’માં ‘બોલિવૂડ ગાય’ તરીકે આવ્યું છે. તેનું નામ માત્ર એક જગ્યાએ ‘ફેમસ બોલિવૂડ ડિરેક્ટર’ તરીકે લેવામાં આવ્યું છે. આમાં કમ્પ્યુટર સાયન્ટિસ્ટ બેન ગોએર્ટઝેલ, રિસર્ચર બ્રુસ ડેમર અને ડીજે સ્પૂકી જેવા લોકોનો પણ ઉલ્લેખ છે. 2017માં બેઇજિંગ કે શાંઘાઈમાં આયોજિત એક ઇવેન્ટ માટે અનુરાગ કશ્યપને સંભવિત મહેમાન તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં બૌદ્ધ ધર્મ, ટેકનોલોજી અને હીલિંગ પર વર્કશોપ યોજાવાની હતી. આ માહિતી એપસ્ટીન, સાઇકિયાટ્રિસ્ટ ગ્યુસેપ બર્સની અને એકેડેમિક્સ ગીનો યુ અને ઓર્નેલા કોરાજા વચ્ચે થયેલા ઇમેઇલ્સમાં મળે છે. જોકે, અનુરાગ કશ્યપ ક્યારેય આવા કોઈ ઇવેન્ટમાં સામેલ થયો હોવાનો કોઈ પુરાવો નથી. ‘મને આ મામલાની કોઈ જાણકારી નથી’ જોકે, ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં અનુરાગ કશ્યપે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા. તેણે કહ્યું, ‘મને આ વિશે કોઈ જાણકારી નથી. મને દર મહિને લગભગ 15 સ્પીકર ઇન્વિટેશન મળે છે. હું મોટાભાગનાનો જવાબ આપતો નથી. હું ક્યારેય બેઇજિંગ ગયો જ નથી.’ તેણે એમ પણ કહ્યું કે, ‘આવા ડોક્યુમેન્ટ્સ વિશ્વાસપાત્ર લાગતા નથી.’ તેના મતે, આ એક સામાન્ય ઇમેઇલ છે. તેણે એમ પણ કહ્યું કે, તેના નામ પર બનતી ક્લિકબેટ ખબરો તેની ફિલ્મો કરતાં વધુ ચાલે છે. નોંધનીય છે કે અનુરાગ કશ્યપની ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવતી રહી છે. તેની ઓળખ એક ગ્લોબલ ફિલ્મમેકર તરીકે પણ છે. કશ્યપની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘રમન રાઘવ 2.0’, ‘અગ્લી’ અને ‘કેનેડી’ જેવી ફિલ્મો પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ફિલ્મ ‘કેનેડી’ને ત્યાં લાંબા સમય સુધી તાળીઓ મળી હતી અને તે જલ્દી જ OTT પર રિલીઝ થવાની છે. કશ્યપની ફિલ્મો વેનિસ અને ટોરોન્ટો જેવા મોટા ફિલ્મ સમારોહમાં પણ બતાવવામાં આવી છે. વર્ષ 2025માં તેની ફિલ્મ ‘નિશાનચી’ને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવી હતી. ગ્લોબલ લેવલ પર તેના યોગદાનને જોતા ફ્રાન્સ સરકારે તેને ‘નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ’ સન્માન આપ્યું હતું.

Leave A Comment