ઓસ્કર મેળવવા 'રામાયણ'ના મેકર્સનો માસ્ટરસ્ટ્રોક:અમેરિકામાં ગણ્યા-ગાંઠ્યા લોકોને સ્પેશિયલ ફૂટેજ દેખાડ્યા, વોર્નર બ્રધર્સ સાથે મોટી ડીલની ચર્ચા

Last Updated: April 21, 2026By

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ગ્લોબલ લેવલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકાના લાસ વેગાસમાં યોજાયેલા સિનેમા જગતના મોટા ઇવેન્ટ ‘સિનેમાકોન’ (CinemaCon)માં આ ફિલ્મનું લગભગ 20 મિનિટનું અનસીન ફૂટેજ બતાવવામાં આવ્યું. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા અને યશે માત્ર ફિલ્મની પહેલી ઝલક જ રજૂ કરી નથી, પરંતુ વિદેશી મીડિયા સાથે પણ વાત કરી હતી. ફૂટેજ જોનારા નિષ્ણાતોનું માનવું છે કે આ ફિલ્મ ભારતીય સિનેમા માટે ઓસ્કરનો માર્ગ મોકળો કરી શકે છે. પસંદગીના લોકો માટે થયું સ્પેશિયલ સ્ક્રીનિંગ
યુટ્યુબ ચેનલ ‘Mr Like It Or Not’ ના ક્રિએટરે દાવો કર્યો છે કે તેઓ તે 15 લોકોમાં સામેલ હતા, જેમને ફિલ્મનો 20 મિનિટનો ફૂટેજ બતાવવામાં આવ્યો હતો. તેમના મતે, ફિલ્મના વિઝ્યુઅલ્સ ખૂબ જ શાનદાર છે અને આ એક ભવ્ય એપિક વાર્તા લાગી રહી છે. ક્રિએટરે કહ્યું, ‘આ ફિલ્મ ઇન્ટરનેશનલ લેવલ પર મોટો ધમાકો કરશે. મને પૂરો વિશ્વાસ છે કે મેકર્સ તેને ઓસ્કરમાં ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરી માટે ચોક્કસ મોકલશે.’ વોર્નર બ્રધર્સ સાથે ગ્લોબલ ડીલની ચર્ચા
સિનેમાકોન સંબંધિત રિપોર્ટ્સ અનુસાર, વોર્નર બ્રધર્સ આ ફિલ્મના ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે જોડાઈ શકે છે. જો આવું થાય છે, તો ફિલ્મને અમેરિકા સહિત દુનિયાભરમાં મોટું પ્રમોશન મળશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં લગભગ 4500 સ્ક્રીન્સ પર વૈશ્વિક સ્તરે રિલીઝ કરવામાં આવશે. જોકે, હજુ સુધી મેકર્સ કે વોર્નર બ્રધર્સ તરફથી આ ડીલ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. VFXને લઈને વખાણ થયા
તાજેતરમાં જ્યારે ‘રામાયણ’ની પહેલી ઝલક સામે આવી હતી, ત્યારે સોશિયલ મીડિયા પર તેના VFXની ઘણી ટીકા થઈ હતી. પરંતુ સિનેમાકોનમાં ફૂટેજ જોનારા નિષ્ણાતોનું કહેવું છે કે ફિલ્મના વિઝ્યુઅલ્સમાં કોઈ કમી નથી. તેમના મતે, જે પ્રકારની નેરેટિવ સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે દર્શકોને ફિલ્મ સાથે જોડી રાખશે. નોંધનીય છે કે, આ ફિલ્મના VFXની જવાબદારી નમિત મલ્હોત્રાની કંપની ‘પ્રાઇમ ફોકસ’ સંભાળી રહી છે, જે હોલીવુડની ઘણી મોટી ફિલ્મો પર કામ કરી ચૂકી છે. રણબીર, સાઈ પલ્લવી અને યશની ત્રિપુટી
આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. KGF સ્ટાર યશ ફિલ્મમાં રાવણનો રોલ ભજવી રહ્યો છે. મેકર્સ તેને ફક્ત ભારત પૂરતું સીમિત ન રાખીને આખી દુનિયા સામે એક ભારતીય મહાકાવ્ય તરીકે રજૂ કરવા માંગે છે.