કઝાકિસ્તાનની રાયબકીનાએ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો:સબાલેન્કાને 6-4, 4-6, 6-4 થી હરાવી, 3 વર્ષ પહેલાં ફાઇનલ હારી હતી

Last Updated: January 31, 2026By

કઝાકિસ્તાનની ટેનિસ સ્ટાર એલિના રાયબકિનાએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતી લીધું છે. તેણે શનિવારે ફાઇનલ મેચમાં ટોપ સીડ બેલારુસિયન સ્ટાર આર્યના સબાલેન્કાને 6-4, 4-6, 6-4 થી હરાવી. તે આ ખિતાબ જીતનાર કઝાકિસ્તાનની પ્રથમ મહિલા ખેલાડી બની છે. 26 વર્ષીય રાયબકિનાએ પહેલીવાર આ ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીત્યો છે. 3 વર્ષ પહેલા તે ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારે તેને સબાલેન્કાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે રાયબકિનાએ તે હારનો બદલો લીધો. રાયબકિનાએ અગાઉ સેમિફાઈનલ મેચમાં અમેરિકાની જેસિકા પેગુલાને 6-3, 7-6 થી હરાવીને બહાર કરી હતી. બે કલાક સુધી ચાલેલી ફાઇનલ મેચ
બે કલાક અને 16 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં કઝાકિસ્તાની સ્ટારે પ્રથમ સેટ જીતીને મેચમાં 1-0ની લીડ મેળવી લીધી. પરંતુ બીજા સેટમાં સબાલેન્કાએ જોરદાર વાપસી કરી. ત્યારબાદ રાયબકિનાએ ત્રીજો સેટ જીતીને મેચ પોતાના નામે કરી લીધી. યોકોવિચ અને અલ્કારેઝ વચ્ચે મેન્સ સિંગલ્સની ફાઇનલ આવતીકાલે રમાશે
ટુર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલ મેચ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચૂકેલા નોવાક યોકોવિચ અને વર્લ્ડ નંબર-1 કાર્લોસ અલ્કારેઝ વચ્ચે 1 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચ રોડ લેવર એરેનામાં બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. યોકોવિચે 11મી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે, સ્પેનના કાર્લોસ અલ્કારેઝ પ્રથમ વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે.

Leave A Comment