ક્રિકેટ બોર્ડમાં સરકારી દખલગીરી શ્રીલંકાને ભારે પડી!:ICCએ 2027 વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની આંચકી લીધી, જાણો શું છે અસલી વિવાદ
2027માં યોજાનારી પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની શ્રીલંકા પાસેથી છીનવી લેવામાં આવી છે. ICCએ શ્રીલંકા ક્રિકેટમાં સરકારી દખલગીરી અંગે વાંધો ઉઠાવ્યો છે. હવે 14થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી 6 ટીમની ટુર્નામેન્ટ અન્ય કોઈ દેશમાં રમાશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)નું કામકાજ હાલમાં સરકાર દ્વારા રચાયેલી ટ્રાન્સફોર્મેશન કમિટી જોઈ રહી છે. ICCના નિયમો અનુસાર, સભ્ય બોર્ડે સરકારની દખલગીરી વિના સ્વતંત્ર રીતે કામ કરવું પડે છે. ICC બોર્ડ બેઠકમાં શ્રીલંકાના પ્રતિનિધિઓ હાજર નથી રહી રહ્યા SLC ટ્રાન્સફોર્મેશન કમિટીના સચિવ પ્રકાશ શાફ્ટરે યજમાની હટાવવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ટુર્નામેન્ટ શ્રીલંકાની બહાર યોજાશે, પરંતુ નવા યજમાનનો નિર્ણય હજુ થયો નથી. ICC શ્રીલંકામાં વહેલી ચૂંટણી કરાવવા અને ચૂંટાયેલા ક્રિકેટ બોર્ડને પુનઃસ્થાપિત કરવાની માગ કરી રહ્યું છે. ટ્રાન્સફોર્મેશન કમિટીના પ્રતિનિધિઓને ICC બોર્ડની બેઠકોમાં ભાગ લેવાની પણ મંજૂરી નથી. શ્રીલંકાની યજમાનીમાં 6 ટીમ રમવાની હતી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 14થી 28 ફેબ્રુઆરી 2027 સુધી T20 ફોર્મેટમાં રમાવાની છે. તેમાં 6 ટીમ ભાગ લેશે. યજમાન હોવાને કારણે શ્રીલંકાને સીધા ટુર્નામેન્ટમાં સ્થાન મળવાનું હતું. હવે યજમાન બદલાયા પછી તેની ભાગીદારી પર પણ સવાલ ઉભો થયો છે. શ્રીલંકા હાલમાં મહિલા વન-ડે રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે. ICCએ હજુ નવી ક્વોલિફિકેશન વ્યવસ્થા સ્પષ્ટ કરી નથી. યજમાની જવાથી પર્યટનને પણ નુકસાન ટુર્નામેન્ટ બીજા દેશમાં જવાથી શ્રીલંકાને ક્રિકેટની સાથે આર્થિક નુકસાન પણ થશે. ટીમ, અધિકારીઓ અને દર્શકોના આગમનથી હોટેલ અને પર્યટન વ્યવસાયને ફાયદો થવાનો હતો. બ્રોડકાસ્ટિંગ અને આયોજનથી થતી કમાણીનો હિસ્સો પણ શ્રીલંકાને નહીં મળે. આ ઉપરાંત, ડોમેસ્ટિક ક્રિકેટ માટે મળતી આયોજન સંબંધિત તકો પણ સમાપ્ત થઈ જશે. 2023માં પણ ICCએ કર્યું હતું સસ્પેન્ડ સરકારી દખલગીરીને લઈને શ્રીલંકા પહેલા પણ ICCની કાર્યવાહીનો ભોગ બની ચૂક્યું છે. 2023માં ICCએ SLCને સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારબાદ 2024 મેન્સ અંડર-19 વર્લ્ડ કપની યજમાની પણ શ્રીલંકા પાસેથી છીનવીને સાઉથ આફ્રિકાને આપી દેવામાં આવી હતી. એપ્રિલ 2026માં શ્રીલંકા સરકારે બોર્ડનું કામકાજ અસ્થાયી રૂપે ટ્રાન્સફોર્મેશન કમિટીને સોંપ્યું હતું. ICC ત્યારથી ચૂંટાયેલા બોર્ડની પુનઃસ્થાપના અને વહેલી ચૂંટણી કરાવવા પર ભાર મૂકી રહ્યું છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

