ગોળીઓની ગુંજ વચ્ચે કંગનાની બહાદુરી!:મુંબઈ આતંકી હુમલામાં 400 લોકોના જીવ બચાવનારા રિયલ હીરોઝની અનટોલ્ડ સ્ટોરી; 'ભારત ભાગ્ય વિધાતા'નું ટ્રેલર રિલીઝ
બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત આજકાલ પોતાની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ને લઈને ભારે ચર્ચામાં છે. મંગળવારે ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં એક્ટ્રેસ એક નર્સના રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા (26/11) દરમિયાન નર્સો, વોર્ડ બોય, લિફ્ટ ઓપરેટર્સ, સિક્યોરિટી સ્ટાફ અને એડમિનિસ્ટ્રેટર્સ સહિતના એવા રિયલ હીરોઝની વાર્તા પડદા પર લાવશે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર આશરે 400 લોકોના જીવ બચાવ્યા હતા. કેવું છે ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’નું ટ્રેલર? આ ફિલ્મના ટ્રેલરમાં એકવાર ફરી કંગના રનૌતનો શાનદાર એક્ટિંગ જોવા મળી રહી છે. આશરે 2 મિનિટ અને 25 સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકી હુમલાથી થાય છે. ત્યારબાદ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે દર્દીઓની સંભાળ રાખવાની સાથે-સાથે આ સ્ટાફે પરિવારની અપેક્ષાઓ અને પોતાના કામની થતી ઉપેક્ષાનો પણ સામનો કરવો પડે છે. કંગના રનૌતનું પાત્ર પોતાની નારાજગી વ્યક્ત કરતાં એક ડાયલોગ બોલે છે કે, “જ્યારે આપણો પોતાનો પરિવાર જ આપણી ઇજ્જત નથી કરતો, તો બહારના લોકો પાસેથી શું આશા રાખવી.” સ્ટોરીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવે છે, જ્યારે નજીકના સીએસએમટી (CSMT) સ્ટેશન પર થયેલા આતંકી હુમલાના સમાચાર મળે છે. આ ઘટના બાદ ઘાયલ અને ડરેલા-સહેમેલા લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચવા લાગે છે, જેના કારણે ત્યાંની સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે. જેમ-જેમ પરિસ્થિતિ બગડતી જાય છે, તેમ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સ્ટાફને નિયમો અને સરકારી પ્રક્રિયાઓનું પાલન કરવાનું કહે છે, પરંતુ કંગનાનું પાત્ર અહીં સવાલ ઉઠાવે છે કે- ‘આતંકી હુમલા વખતે શું પ્રોટોકોલ ફોલો કરવાના હોય છે?’ હોસ્પિટલમાં નવજાત શિશુઓ, પ્રેગ્નન્ટ મહિલાઓ અને અન્ય દર્દીઓથી આખો સ્ટાફ ઘેરાયેલો હોવાના કારણે, જીવનું જોખમ હોવા છતાં આખો સ્ટાફ ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કરે છે. જ્યારે આતંકીઓ હોસ્પિટલમાં ઘૂસી જાય છે અને લાઈટો જતી રહે છે, ત્યારે નર્સો દર્દીઓનું રક્ષણ કરતી, ઘાયલોને સુરક્ષિત જગ્યાએ ખસેડતી અને ઘનઘોર અંધારામાં પણ જરૂરી તબીબી સેવાઓ ચાલુ રાખતી જોવા મળે છે. આ ટ્રેલર આગળ જતાં એક જબરદસ્ત ‘સર્વાઈવલ ડ્રામા’માં ફેરવાઈ જાય છે, જે સંકટ સમયમાં સ્વાસ્થ્યકર્મીઓની હિંમત અને મજબૂત મનોબળને ઉજાગર કરે છે. આ બધું જોતાં એવું કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે કંગના રનૌત આ ફિલ્મથી ફરી એકવાર જોરદાર કમબેક કરી રહી છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે? ‘ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મને ડૉ. જયંતીલાલ ગડાની ‘પેન સ્ટુડિયોઝ’ પ્રેઝન્ટ કરી રહી છે. જ્યારે આ ફિલ્મનું નિર્માણ પેન સ્ટુડિયોઝ, મણિકર્નિકા ફિલ્મ્સ, પરમહંસ ક્રિએશન્સ, યુનોઇયા ફિલ્મ્સ LLP અને ફ્લોટિંગ રોક્સ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ મૂવી મનોજ તાપડિયા દ્વારા લિખિત અને ડિરેક્ટ છે, જે આગામી 12 જૂનના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર રિલીઝ થશે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો, આ ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત ગિરિજા ઓક, સ્મિતા તાંબે, ઈશા ડે, પ્રિયા બેર્ડે, અમૃતા નામદેવ, આશા શેલાર, રસિકા આઘાસે, સુહિતા થત્તે, આદિત્ય મિશ્રા અને ઝાહિદ ખાન સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં નજરે પડશે. જુઓ સંપૂર્ણ ટ્રેલર:-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

