ચાલુ ટ્રેકે ધોનીના નવા અવતારથી ફેન્સને મળી સરપ્રાઇઝ, VIDEO:ચેન્નઈમાં ફૂલ સ્પીડે દોડાવી બાઇક; ક્રિકેટ બાદ હવે રેસિંગ ટ્રેક પર કિંગ બનશે 'કેપ્ટન કૂલ'?
ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર પોતાના બાઈક પ્રેમ માટે ચર્ચામાં આવ્યો છે. આ વખતે ધોની ક્રિકેટના મેદાન પર નહીં, પરંતુ ચેન્નઈના એક રેસિંગ ટ્રેક પર હાઈ-સ્પીડ બાઈક ચલાવતા જોવા મળ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ‘કેપ્ટન કૂલ’ ભવિષ્યમાં બાઈક રેસિંગની દુનિયામાં પણ કદમ મૂકી શકે છે. જોકે, ધોનીના પ્રોફેશનલ બાઈક રેસિંગમાં ઉતરવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વાઇરલ વીડિયો માત્ર તેમના રેસિંગ ટ્રેક પર બાઈક ચલાવવાનો છે. રેસિંગ ટ્રેક પર દેખાયો ધોનીનો અલગ અંદાજ સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં એમએસ ધોની પ્રોફેશનલ રાઈડિંગ સૂટ અને હેલમેટ પહેરીને રેસિંગ ટ્રેક પર શાનદાર અંદાજમાં બાઈક ચલાવતા જોવા મળી રહ્યો છે. ટ્રેક પર તેની રાઈડિંગ અને બાઈક પરનું નિયંત્રણ જોઈને ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે. વીડિયોમાં રાઈડિંગ દરમિયાન તેના ચહેરા પર સ્મિત પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે તેનો બાઈક પ્રત્યેનો જુસ્સો દર્શાવે છે. બાઈક્સ માટે જૂનો છે ધોનીનો પ્રેમ ધોનીનો બાઈક પ્રેમ કોઈ ઓળખનો મોહતાજ નથી. તેના રાંચી સ્થિત ઘરમાં સુપરબાઈક્સ, સ્પોર્ટ્સ બાઈક્સ અને વિન્ટેજ મોટરસાયકલોનું વિશાળ કલેક્શન છે. તે અવારનવાર નવરાશના સમયમાં પોતાની મનપસંદ બાઈક્સની સવારી કરે છે અને ઘણી વખત તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ચૂક્યા છે. ધોની પોતે પણ ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે બાઈક ચલાવવી એ તેના સૌથી મનપસંદ શોખમાંથી એક છે. ફેન્સે કહ્યું- ‘માહી દરેક રોલમાં સુપરહિટ’ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે ઘણા રિએક્શન આપ્યા છે. કોઈકે લખ્યું, “કેપ્ટન કૂલ હવે રેસિંગ ટ્રેકના પણ કિંગ છે,” તો કોઈકે કહ્યું, “ધોની જ્યાં જાય છે, ત્યાં ચર્ચા આપોઆપ શરૂ થઈ જાય છે.” ઘણા પ્રશંસકોએ તેના ફિટનેસ લેવલ અને રાઈડિંગ સ્કીલના પણ વખાણ કર્યા. અત્યારે માત્ર શોખ, કોઈ સત્તાવાર જાહેરાત નહીં ધોની લાંબા સમયથી મોટરસાયકલોના શોખીન રહ્યો છે અને રેસિંગ ટ્રેક પર બાઈક ચલાવવી એ પણ તેના આ જ શોખનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. હાલમાં, તેના પ્રોફેશનલ બાઈક રેસિંગમાં ભાગ લેવા કે ક્રિકેટ છોડવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

