જ્યોફ્રી બૉયકૉટે કહ્યું- બ્રુકમાં સચિન-લારા જેવી પ્રતિભા:પણ વિચારવાની રીત નબળી; મદદ માટે નંબર આપ્યો, ક્યારેય સંપર્ક કર્યો નહીં
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોફ્રી બૉયકૉટનું માનવું છે કે હેરી બ્રુકમાં સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવી પ્રતિભા છે. જોકે, ત્યાં સુધી પહોંચવા માટે તેને પોતાની વિચારસરણી અને શોટ સિલેક્શનમાં સુધારો કરવો પડશે. બૉયકૉટે જણાવ્યું કે ગયા વર્ષે બ્રુકના કાકા હેડિંગ્લેમાં તેમને મળ્યા હતા. તેમણે બેટરની ટેસ્ટ ક્રિકેટમાં એકાગ્રતા સુધારવા માટે સલાહ માગી હતી. બૉયકૉટે મદદની ઓફર કરતા પોતાનો નંબર આપ્યો, પરંતુ ત્યારબાદ બ્રુક તરફથી કોઈ સંપર્ક થયો નહીં. બૉયકૉટે કહ્યું- બ્રુકના શોટ તેને ખાસ બનાવે છે બૉયકૉટે પોતાના પોડકાસ્ટમાં કહ્યું કે તેમણે લાંબા સમયથી કોઈ બેટરમાં બ્રુક જેવી પ્રતિભા જોઈ નથી. તેની ટાઈમિંગ, શોટ રમવાની ક્ષમતા અને લાંબી પહોંચ તેને ખાસ બનાવે છે. તેમણે કહ્યું કે જો બ્રુક આ જ રીતે રમતા રહેશે તો તેનું કરિયર સારું રહેશે. પરંતુ વધુ સારી વિચારસરણી સાથે તેઓ લારા અને તેંડુલકર જેવા બેટર્સની યાદીમાં પહોંચી શકે છે. બ્રુક ઇંગ્લેન્ડનો T20 અને વન-ડેનો કેપ્ટન પણ છે. પહેલા બોલથી એટેક કરવાની આદતથી નારાજ બૉયકૉટ્ટે બ્રુકના ટેસ્ટ ક્રિકેટમાં રમવાની રીતની ટીકા કરી. તેમણે કહ્યું કે બ્રુક વન-ડે અને T20ની જેમ ટેસ્ટમાં પણ દરેક બોલ પર એટેકિંગ એપ્રોચ રાખવાનો પ્રયાસ કરે છે. તેમના મતે, બ્રુક બોલને પૂરતો સમય આપતો નથી. પહેલા બોલથી જ શોટ રમવાનો પ્રયાસ કરે છે. આ જ કારણોસર તે મિડ-ઓફ કે મિડ-ઓન જેવી ફિલ્ડિંગ પોઝિશન પર કેચ આપી શકે છે. ટેસ્ટમાં એક વર્ષથી સદી ફટકારી નથી 27 વર્ષીય બ્રુક છેલ્લા એક વર્ષથી ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી. જોકે તે વિશ્વનો નંબર-1 ટેસ્ટ બેટર છે અને તેની ટેસ્ટ સરેરાશ 53ની છે. તેણે 2024માં મુલતાન ટેસ્ટમાં 317 રનની ઇનિંગ રમી હતી. આ ઇંગ્લેન્ડ તરફથી 30 વર્ષથી વધુ સમય પછી આવેલી પ્રથમ ટેસ્ટ ટ્રિપલ સેન્ચુરી હતી. બૉયકોટે બેઝબૉલ પર પણ સવાલો ઉઠાવ્યા બૉયકોટે ઇંગ્લેન્ડની બેઝબૉલ સ્ટાઇલની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે ટીમે માત્ર દર્શકોનું મનોરંજન કરવાને બદલે જીત પર ધ્યાન આપવું જોઈએ. બૉયકોટે 8 હજારથી વધુ ટેસ્ટ રન બનાવ્યા 85 વર્ષીય જ્યોફ્રી બૉયકોટે ભારત સામે 1982માં ઈડન ગાર્ડન્સમાં છેલ્લી ટેસ્ટ રમી હતી. તેમણે 108 ટેસ્ટમાં 8,114 રન બનાવ્યા છે. આ દરમિયાન 22 સદી અને 42 ફિફ્ટી ફટકારી. ટેસ્ટમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 246* રન રહ્યો અને બેટિંગ એવરેજ 47.72ની રહી. વન-ડેમાં તેમણે 36 મેચની 34 ઇનિંગ્સમાં 1,082 રન બનાવ્યા, જેમાં એક સદી અને 9 ફિફ્ટીનો સમાવેશ થાય છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

