ટી-20 વર્લ્ડ કપ વોર્મઅપ; ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું:નામિબિયા 6 રનથી જીત્યું, અફઘાનિસ્તાને વેસ્ટ ઇન્ડિઝને 23 રનથી હરાવ્યું
સાઉથ આફ્રિકાને હોમ ટીમ ઈન્ડિયાએ 30 રનથી હરાવ્યું. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા. જવાબમાં સાઉથ આફ્રિકી ટીમ 7 વિકેટ ગુમાવીને 210 રન જ બનાવી શકી. બીજી તરફ પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની નવમી વોર્મઅપ મેચ રદ થઈ ગઈ. કોલંબો સ્ટેડિયમમાં વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નહીં. જ્યારે 7મી મેચમાં નામિબિયાએ સ્કોટલેન્ડ સામે રોમાંચક મુકાબલામાં 6 રનથી જીત નોંધાવી. 8મી મેચમાં અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને 23 રનથી હરાવ્યું. ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું
નવી મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં ભારતે પોતાની એકમાત્ર વોર્મ-અપ મેચમાં સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 240 રન બનાવ્યા. ઈશાન કિશને 20 બોલમાં ફિફ્ટી ફટકારી. તિલક વર્માએ 45, હાર્દિક પંડ્યાએ 30, અક્ષર પટેલે 35, અભિષેક શર્માએ 24 અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ 30 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સેન, કોર્બિન બોશ, એનરિક નોર્ત્યા અને ક્વેન મફાકાએ 1-1 વિકેટ લીધી. 241 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ પહેલી જ ઓવરમાં જ્યોર્જ લિન્ડેની વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન એડન માર્કરમે પછી 38 રન બનાવ્યા. રાયન રિકલ્ટને 44, જેસન સ્મિથે 35, માર્કો યાન્સેને 31 અને ટ્રિસ્ટન સ્ટબ્સે 45 રન બનાવ્યા. ટીમ 210 રન જ બનાવી શકી. ભારત તરફથી અભિષેક શર્માને 2 વિકેટ મળી. અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી. નામિબિયા 6 રનથી જીત્યું બુધવારે બેંગલુરુના BCCI ગ્રાઉન્ડ-2 પર રમાયેલી હાઈ-સ્કોરિંગ વોર્મઅપ મેચમાં નામિબિયાએ સ્કોટલેન્ડને 6 રનથી હરાવ્યું. સ્કોટલેન્ડ તરફથી બ્રેન્ડન મેકમુલને 95 રનની ઝડપી ઇનિંગ રમી, પરંતુ ટીમને જીતાડી શક્યા નહીં. નામિબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 226 રન બનાવ્યા. ઓપનર જાન ફ્રાયલિંકે 88 અને લોરેન સ્ટીનકેમ્પે 51 રન બનાવ્યા. બંનેએ પાવરપ્લેમાં જ 79 રન જોડ્યા. 11મી ઓવરમાં ફ્રાયલિંક આઉટ થયા બાદ કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે અણનમ 33 અને રૂબેન ટ્રમ્પેલમેને 25 રન બનાવીને સ્કોરને મજબૂત બનાવ્યો. જવાબમાં સ્કોટલેન્ડની શરૂઆત ખરાબ રહી, પરંતુ મેકમુલને 39 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને મેચમાં જીવ રેડ્યો. રિચી બેરિંગ્ટને 46 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં 12 રન જોઈતા હતા, પરંતુ જેજે સ્મિતે માત્ર 5 રન આપ્યા અને બેરિંગ્ટનને આઉટ કરીને નામિબિયાને જીત અપાવી. અફઘાનિસ્તાને 23 રનથી હરાવ્યું બેંગલુરુના BCCI CoE ગ્રાઉન્ડ-1 પર અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને 23 રનથી હરાવીને વોર્મઅપ મેચોમાં સતત બીજી જીત નોંધાવી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 182 રન બનાવ્યા. ઇબ્રાહિમ ઝદરાને 51 અને રહેમાનુલ્લાહ ગુરબાઝે 43 રન બનાવ્યા. બંને વચ્ચે 90 રનની ઓપનિંગ ભાગીદારી થઈ. અઝમતુલ્લાહ ઉમરઝાઈ 18મી ઓવરમાં 24 રન બનાવ્યા બાદ રિટાયર આઉટ થયા. વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ શરૂઆતથી જ લથડી ગઈ. ઉમરઝાઈએ શરૂઆતની ઓવરોમાં બ્રેન્ડન કિંગ અને શાઈ હોપને આઉટ કર્યા. 14મી ઓવરની શરૂઆતમાં રોવમેન પોવેલના આઉટ થતા જ સ્કોર 82/7 થઈ ગયો. મેથ્યુ ફોર્ડે અંતમાં અણનમ 52 રન જરૂર બનાવ્યા, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યા નહીં. આયર્લેન્ડ-પાકિસ્તાન મેચ રદ કોલંબોમાં આયર્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વોર્મઅપ મેચ વરસાદને કારણે ટોસ પહેલા જ રદ થઈ ગઈ. બંને ટીમો માટે આ એકમાત્ર વોર્મઅપ મેચ હતી. પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમશે, જ્યારે આયર્લેન્ડ 8 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે ટકરાશે. બંને મુકાબલા કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

