ટ્રમ્પે વર્લ્ડ કપ માટે ખેલાડીઓને અભિનંદન આપ્યા:બોલ્યા- આખું અમેરિકા તમારી સાથે છે; ભારતે 29 રનથી હરાવ્યું હતું; હવે પાકિસ્તાન સામે ટક્કર

Last Updated: February 9, 2026By

ભારતમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધાર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે આખો દેશ ટીમ USAને સમર્થન આપી રહ્યો છે. તેમણે લખ્યું, ‘મને હમણાં જ ખબર પડી કે ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે! હું ટીમ USAને શુભકામનાઓ આપું છું. અમારી ટીમ ખૂબ જ મજબૂત છે અને આખું અમેરિકા તમારી સાથે છે.’ ભારતમાં અમેરિકી રાજદૂતે આભાર વ્યક્ત કર્યો
ટ્રમ્પના આ સંદેશ પર ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે પણ પ્રતિક્રિયા આપી. તેમણે રાષ્ટ્રપતિનો આભાર માનતા લખ્યું, ‘કાઇન્ડ વર્ડ્સ માટે આભાર મિસ્ટર પ્રેસિડેન્ટ.’ ટ્રમ્પના આ નિવેદનને અમેરિકામાં ક્રિકેટની વધતી લોકપ્રિયતા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જોકે, અમેરિકામાં ક્રિકેટ હજુ પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે, પરંતુ ગ્લોબલ સ્ટેજ પર ટીમના પ્રદર્શને બધાનું ધ્યાન ખેંચ્યું છે. વાનખેડેમાં ભારતે USAને હરાવ્યું, સૂર્યાએ 84 રનની ઇનિંગ રમી
મેદાનની વાત કરીએ તો, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે અમેરિકાને 29 રનથી હરાવ્યું. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 161/9નો સ્કોર બનાવ્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 49 બોલમાં અણનમ 84 રનની શાનદાર ઇનિંગ રમી. ઈશાન કિશન અને તિલક વર્માએ પણ ઉપયોગી યોગદાન આપ્યું. અમેરિકા તરફથી શેડલી વાન શલ્કવિક (4/29) અને હરમીત સિંહ (2/26)એ શાનદાર બોલિંગ કરી. અમેરિકી ટીમ લક્ષ્યનો પીછો ન કરી શકી, સિરાજે 3 વિકેટ ઝડપી
162 રનના ટાર્ગેટનો પીછો કરતા અમેરિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી. મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ અને શુભમ રંજનેએ સંઘર્ષ કર્યો, પરંતુ ભારતીય બોલરો સામે ટકી શક્યા નહીં. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે કસીને બોલિંગ કરતા અમેરિકાને લક્ષ્યથી દૂર રાખ્યું. હવે 10 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે મહામુકાબલો
ભારત સામે હાર્યા બાદ હવે અમેરિકી ટીમ શ્રીલંકા રવાના થશે. ત્યાં 10 ફેબ્રુઆરીએ તેમનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે કારણ કે 2024ના વર્લ્ડ કપમાં અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ક્રિકેટ ચાહકોની નજર આ રી-મેચ પર ટકેલી છે કે શું અમેરિકા ફરીથી તે ઇતિહાસનું પુનરાવર્તન કરી શકશે.