ડિજિટલ ઇન્ડિયામાં Apple નો ધડાકો, 2026ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસ
વિશ્વની અગ્રણી ટેક કંપની એપલ હવે ભારતીય બજારમાં માત્ર ગેજેટ્સ વેચવા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. કંપની હવે ભારતના વિશાળ અને ઝડપથી વિકસતા ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પોતાનો સિક્કો જમાવવા માટે તૈયાર છે. તાજેતરના અહેવાલો મુજબ, એપલ તેની લોકપ્રિય Apple Pay સર્વિસ વર્ષ 2026ના અંત સુધીમાં ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ પગલું સેમસંગ વૉલેટ અને ગૂગલ પે જેવી પ્રસ્થાપિત એપ્સ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
શું છે Apple Pay અને કેવી રીતે કરશે કામ?
એપલ પે એ એપલ ડિવાઇસ યુઝર્સ (iPhone, Apple Watch, iPad) માટેની એક કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસ છે. તે NFC ટેક્નોલોજી પર આધારિત છે. યુઝર્સ તેમના ડેબિટ કે ક્રેડિટ કાર્ડને એપલ પેમાં સેવ કરી શકશે અને ત્યારબાદ શોપિંગ મોલ્સ કે સ્ટોર્સ પર રાખેલા POS (Point of Sale) મશીન પર માત્ર ફોન ટેપ કરીને સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકશે.
ભારતીય માર્કેટ માટે એપલની રણનીતિ
હાલમાં એપલ પે વિશ્વના 89 દેશોમાં સફળતાપૂર્વક કાર્યરત છે અને તેની સાથે 11,000 થી વધુ બેંકો જોડાયેલી છે. ભારતમાં iPhone યુઝર્સની સંખ્યામાં થઈ રહેલા તોતિંગ વધારાને જોતા કંપનીએ આ નિર્ણય લીધો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ શરૂઆતમાં કંપની કાર્ડ આધારિત કોન્ટેક્ટલેસ પેમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ ભવિષ્યમાં તેમાં UPIની સુવિધા પણ ઉમેરવામાં આવી શકે છે.
બેંકો અને રેગ્યુલેટર્સ સાથે ચર્ચા કરાઇ
આ સર્વિસને લોન્ચ કરતા પહેલા એપલ હાલમાં ભારતીય બેંકો, કાર્ડ નેટવર્ક (Visa/Mastercard) અને સરકારી રેગ્યુલેટર્સ સાથે ફી સ્ટ્રક્ચર તેમજ સુરક્ષા ધોરણો અંગે ગહન ચર્ચા કરી રહી છે. રેગ્યુલેટરી મંજૂરી મેળવવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે, પરંતુ કંપની 2026 સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આશાવાદી છે.
ગૂગલ અને સેમસંગ સામે મુકાબલો
ભારતમાં હાલમાં ગૂગલ પે અને સેમસંગ વૉલેટ કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટની સુવિધા આપી રહ્યા છે. એપલના આગમનથી પ્રીમિયમ સ્માર્ટફોન યુઝર્સ પાસે હવે વધુ એક સુરક્ષિત વિકલ્પ હશે. એપલ પે તેની હાઇ-લેવલ સિક્યોરિટી અને યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ માટે જાણીતું છે, જે તેને અન્ય સ્પર્ધકો કરતા અલગ પાડે છે.
આ પણ વાંચોઃ સરકારની મોટી તૈયારી, ડિજિટલ ફ્રોડને રોકવા UPI અને બેકિંગ એપ્સમાં મળી શકે છે ફ્રીઝ બટન
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

