તુર્કીશ એક્ટ્રેસે શાહરુખ ખાનને 'અંકલ' કહીને હડધૂત કર્યો!:હાંડે અર્સેલ 'કિંગ'નો વીડિયો લેતાં પકડાઈ ગઈ, ભોઠી પડતાં અહંકારી નિવેદન આપ્યું; ફેન્સે આડેહાથ લીધી

Last Updated: January 21, 2026By

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન તાજેતરમાં રિયાદમાં યોજાયેલા ‘જોય એવોર્ડ્સ 2026’માં હાજર રહ્યો હતો. તે આ ઇવેન્ટમાં એવોર્ડ આપવા પહોંચ્યો હતો. આ જ ઇવેન્ટનો એક વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં પ્રખ્યાત તુર્કીશ એક્ટ્રેસ હાંડે અર્સેલ ચૂપકે ચૂપકે શાહરુખનો વીડિયો લઈ રહી હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોએ હાંડેને એસઆરકેની ફેન ગણાવી. આ જોઈને હાંડેએ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેણે શાહરુખ ખાનને ‘અંકલ’ કહ્યો. તુર્કીશ એક્ટ્રેસના આ અહંકારી નિવેદનને લઈને ‘કિંગ ખાન’ના ચાહકો લાલઘૂમ થયા છે અને એક્ટ્રેસને ટ્રોલ કરી છે. શાહરુખનો વીડિયો લેતાં કેમેરામાં કેમેરામાં કેદ થઈ ‘જોય એવોર્ડ્સ 2026’ દરમિયાન શાહરુખ ખાન સ્ટેજ પર એવોર્ડ આપવા માટે આવ્યો હતો. તેની સાથે ઇજિપ્તની એક્ટ્રેસ અમીના ખલીલ પણ સ્ટેજ પર હાજર હતી. આ સમયે તુર્કીશ એક્ટ્રેસ હાંડે અર્સેલ તેનો વીડિયો લેતી કેમેરામાં કેદ થઈ હતી. ‘આ અંકલ કોણ છે?’ આ વીડિયોને શાહરુખ સાથે જોડાયેલા ઘણા ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો. ઘણા યુઝર્સે હાંડેને શાહરુખની ફેન પણ કહી દીધી. જોકે તુર્કીશ એક્ટ્રેસને ‘શાહરુખની ચાહક’ હોવાનું ટેગ ન ગમ્યું. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું, ‘આ અંકલ કોણ છે? હું તો માત્ર મારી ફ્રેન્ડનો વીડિયો લઈ રહી હતી. હું તે વ્યક્તિની ચાહક નથી. મહેરબાની કરીને ખોટી માહિતી ના ફેલાવો.’ વિવાદ વકરતાં સ્ટોરી કાઢી નાખી જોકે જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ સ્પષ્ટતા કરવામાં આવી હતી, તે હાલમાં હાન્ડેના પ્રોફાઇલ પર ઉપલબ્ધ નથી. એક્ટ્રેસે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે તેણે આ સ્ટોરી પોસ્ટ કરી હતી કે પછી ડિલિટ કરી હતી. હાંડેના નિવેદનથી શાહરુખના ચાહકો ગુસ્સામાં લાલચોળ હાંડે અર્સેલની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વાઇરલ થતાં જ શાહરુખ ખાનના ચાહકોનો પારો ચઢી ગયો છે. એસઆરકેના ફેન્સ હાંડેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે હાન્ડે અર્સેલને સલાહ આપી છે કે ‘જો તેને શાહરુખ વિશે ખબર નહોતી તો તે તેને આર્ટિસ્ટ કહી શકતી હતી, અંકલ જેવું અહંકારી નિવેદન આપવાનું જરૂર નહોતી.’ આ દરમિયાન કેટલાક યુઝર્સ એક્ટ્રેસના સમર્થનમાં ઊતર્યા છે અને દાવો કરી રહ્યા છે કે આ પોસ્ટ નકલી છે અને એક્ટ્રેસ તથા શાહરુખની છબિ ખરાબ કરવા માટે વાઇરલ કરવામાં આવી છે. કોણ છે હાન્ડે અર્સેલ? હાંડે એર્સેલ તુર્કીની જાણીતી એક્ટ્રેસ અને મોડેલ છે. તેણે કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી અને 2012માં ‘મિસ તુર્કી’નો ખિતાબ જીત્યો. તેને ટીવી સિરીઝ ‘અસ્ક લાફ્તાન અનલમાઝ’થી ઓળખ મળી. ‘સેન ચાલ કપીમી’ અને ‘બંબાસ્કા બિરી’ પણ તેના હિટ શો રહ્યા છે. 2026માં તેને ELLE સ્ટાઇલ એવોર્ડ્સથી સન્માન મળ્યું છે. હાંડે ભારતીય ફિલ્મોનાં વખાણ કરી ચૂકી છે અને બોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે.