ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, રોહિત શર્માને પદ્મશ્રી:શિબુ સોરેન-અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, 5 ગુજરાતી સહિત 131 હસ્તીઓને પદ્મ પુરસ્કાર

Last Updated: January 26, 2026By

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રવિવારે 2026 માટે 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. દિવંગત એક્ટર ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, ઝારખંડના પૂર્વ સીએમ દિવંગત નેતા શિબુ સોરેન અને બોલિવૂડ સિંગર અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણ આપવામાં આવશે. ક્રિકેટર રોહિત શર્મા, પેરા એથ્લેટ પ્રવીણ કુમાર, મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને હોકી પ્લેયર સવિતા પૂનિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 19 મહિલાઓ છે. આમાં 6 વિદેશી/NRI/PIO/OCI કેટેગરીના લોકો પણ સામેલ છે. 16 હસ્તીઓ એવી છે જેમને મરણોપરાંત આ પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. આ સાથે જ આજે અશોક ચક્ર અને કીર્તિ ચક્ર પણ એનાયત કરવામાં આવ્યા છે. એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર પાંચ ગુજરાતીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત અંગદાનની પ્રવૃતિના પ્રણેતા એવા સુરતના નિલેશ માંડલેવાલા, ઢોલકના કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત હાજી રમકડુંના નામે જાણીતા હાજી કાસમ મીર અને 350 વર્ષ જૂની માણભટ્ટની પરંપરાને જીવંત રાખનારા વડોદરાના ધાર્મિકલાલ પંડ્યા, સાહિત્યમાં રતિલાલ બોરિસાગર અને આર્ટમાં અરવિંદ વૈદ્યની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર પદ્મ પુરસ્કારોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ ધર્મેન્દ્ર સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ દિવંગત એક્ટર ધર્મેન્દ્ર, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ, કમ્યુનિસ્ટ નેતા વીએસ અચ્યુતાનંદન સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. શિબુ સોરેન-અલકા યાજ્ઞિક સહિત 13 હસ્તીઓને પદ્મ ભૂષણ મશહૂર સિંગર અલકા યાજ્ઞિક, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારી સહિત 13 હસ્તીઓને પદ્મ ભૂષણ સન્માન આપવામાં આવશે. રોહિત શર્મા-હરમનપ્રીત સહિત 113 હસ્તીઓને પદ્મશ્રી ક્રિકેટર રોહિત શર્મા, પેરા એથ્લેટ પ્રવીણ કુમાર, મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, હોકી પ્લેયર સવિતા પૂનિયા સહિત 113 હસ્તીઓને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે. આમને પણ આપવામાં આવ્યો પદ્મશ્રી ગફરુદ્દીન મેવાતી ‘પાંડુન કા કડા’ના એકમાત્ર ગાયક રાજસ્થાનના ડીગ જિલ્લાના રહેવાસી ગફરુદ્દીન મેવાતી જોગી ભપંગ વાદક અને ‘પાંડુન કા કડા’ના ગાયક છે. તેઓ પાંડુન કા કડાના એકમાત્ર લોકગાયક છે. ગફરુદ્દીનને વર્ષ 2024માં સંગીત નાટક અકાદમી ફેલોશિપ સન્માન મળી ચૂક્યું છે. તેમણે દેશ-વિદેશમાં અનેક સ્થળોએ ભપંગ વાદન અને પાંડુન કા કડાની પ્રસ્તુતિઓ આપી છે. તેમને પાંડુન કા કડાના 2500થી વધુ દુહા મોઢે યાદ છે. ઘર વેચીને લાઇબ્રેરી બનાવનાર અંકેને સન્માન અંકે ગૌડા કર્ણાટકના મૈસૂર પાસે આવેલા હરાલાહલ્લી ગામના રહેવાસી છે. 20 વર્ષની ઉંમરે બસ કંડક્ટરની નોકરી કરતી વખતે તેમણે પુસ્તકો એકઠા કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાની કમાણીનો મોટો ભાગ પુસ્તકો પર ખર્ચ કર્યો, એટલું જ નહીં ઘર પણ વેચી દીધું. આજે તેમની ‘પુસ્તક માને’ લાઇબ્રેરીમાં 20 લાખથી વધુ દુર્લભ પુસ્તકો છે. ગૌડાને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પદ્મ શ્રી 2026 થી સન્માનિત કરવામાં આવશે. પૂર્વ ડીઆઈજી ઇન્દ્રજીત સિંહ રોજ રસ્તા સાફ કરે છે 88 વર્ષના પંજાબના પૂર્વ ડીઆઈજી ઇન્દ્રજીત સિંહ સિદ્ધુ 1964 બેચના IPS અધિકારી હતા, જેઓ 1996માં નિવૃત્ત થયા હતા. તેઓ ચંદીગઢના સેક્ટર 49 (IAS-IPS ઓફિસર્સ કોઓપરેટિવ સોસાયટી)માં રહે છે. તેઓ છેલ્લા 10થી વધુ વર્ષોથી સેનિટેશન કાર્ટ ઉધાર લઈને દરરોજ સવારે 6 વાગ્યે રસ્તાઓની સફાઈ કરે છે. બુધરી તાતી વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ ચલાવે છે સામાજિક કાર્યકર બુધરી તાતી છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના હિરાનાર ગામના રહેવાસી છે. 15 વર્ષની ઉંમરથી જ તેમણે સમાજ સેવાનું કામ શરૂ કરી દીધું હતું. બસ્તરમાં મહિલાઓને જાગૃત કરવાથી લઈને શિક્ષિત કરવાનું કામ કર્યું. સાથે જ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ ચલાવે છે. તાતીએ પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કર્યું છે. આ કારણે તેમણે લગ્ન કર્યા નથી. તાતીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બસ્તર સંભાગના અલગ-અલગ લગભગ 545 ગામોની પદયાત્રા પણ કરી છે. સમાજ સેવા માટે કામ કરવા બદલ તેમને ડોક્ટરની પણ ઉપાધિ મળી છે. અત્યાર સુધીમાં તેમને 22 પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 3 થી વધુ રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ છે. 3 કેટેગરીમાં આપવામાં આવે છે પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સામેલ પદ્મ પુરસ્કાર ત્રણ કેટેગરી- પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણમાં પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કારો કલા, સમાજ સેવા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વ્યવસાય, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત અને સિવિલ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા માટે આપવામાં આવે છે.