'ધુરંધર'ની સફર પૂરી થઈ જશે?:રાકેશ બેદીએ ફિલ્મના ત્રીજા ભાગ વિશે મોટો ખુલાસો કર્યો; 'જમીલ જમાલી'ના નિવેદનથી ચર્ચાનો મધપૂડો છંછેડાયો

Last Updated: April 20, 2026By

રણવીર સિંહ સ્ટાટર ‘ધુરંધર’ અને ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી ચૂકી છે. બંને ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ પડી છે. ‘ધુરંધર-2’ની સફળતા પછી ચાહકો તેના ત્રીજા ભાગ એટલે કે ‘ધુરંધર-3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ‘ધુરંધર’ અને ‘ધુરંધર-2’માં ‘જમીલ જમાલી’નું પાત્ર ભજવનાર પીઢ એક્ટર રાકેશ બેદીએ સ્પષ્ટતા કરી છે કે, હાલમાં ત્રીજા ભાગની કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે ફિલ્મની વાર્તા પૂરી થઈ ગઈ છે. શા માટે ત્રીજો ભાગ નહીં આવે?
રાકેશ બેદીએ ‘ઝુમ’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘ફિલ્મની વાર્તા જ્યાં પૂરી થઈ છે, ત્યાંથી તેને આગળ વધારવી મુશ્કેલ છે. મને નથી લાગતું કે ત્રીજો ભાગ આવશે. વાર્તાના અંતે જાસૂસ (રણવીર સિંહ) પોતાના દેશ પાછો ફરે છે, તેથી તે વાર્તા ત્યાં જ પૂરી થઈ જાય છે.’ જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, ”ધુરંધર’ એક મોટી ફ્રેન્ચાઇઝ છે. તેને ભવિષ્યમાં કોઈ અન્ય વાર્તા અને બીજા કલાકારો સાથે કોઈપણ સમયે બનાવી શકાય છે.’ ‘જમીલ જમાલી દર્શકો માટે મોટું સરપ્રાઇઝ હતો’ ફિલ્મમાં રાકેશ બેદીનું પાત્ર ‘જમીલ જમાલી’ દર્શકો માટે એક મોટું સરપ્રાઇઝ હતું. આ અંગે પીઢ એક્ટરે કહ્યું કે, ‘દર્શકો માટે આ એક મોટી હાઈલાઈટ હતી. અમને ખબર હતી કે તેનાથી હલચલ થશે. પાર્ટ-1 (ધુરંધર)ની સફળતા પછી દર્શકોનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હતો.’ તેમણે આગળ કહ્યું, ‘લોકો માત્ર ફિલ્મ જોવા માટે નહોતા જઈ રહ્યા, પરંતુ તેઓ એ જાણવા માટે પણ ખૂબ ઉત્સાહિત હતા કે, પાર્ટ-2 (ધુરંધરઃ ધ રિવેન્જ)માં શું થશે. હવે એ જ દર્શકો પાર્ટ-3ની માંગ કરી રહ્યા છે.’ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ
‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીએ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બંને ફિલ્મોએ મળીને વર્લ્ડવાઇડ 3,000 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ડિસેમ્બર 2025માં આવેલી પહેલી ફિલ્મે લગભગ 1300 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. જ્યારે 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થયેલી ‘ધુરંધર 2’ વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે વિશ્વભરમાં 1,748.91 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે 1,742.10 કરોડ રૂપિયા કમાનારી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ને પાછળ છોડી દીધી. હવે તે માત્ર દંગલ (₹2070 કરોડ) અને બાહુબલી 2 (₹1,788.06 કરોડ)થી પાછળ છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મે રિલીઝના 31મા દિવસે ભારતમાં 4.65 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મનું કુલ ભારત નેટ કલેક્શન હવે 1,110.47 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું, જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 1,329.31 કરોડ રૂપિયા થઈ ગયું. ગ્રોસ કલેક્શન એ ટિકિટમાંથી કુલ કમાણી છે અને નેટ કલેક્શન ટેક્સ પછીની કમાણી હોય છે. વિદેશમાં ફિલ્મે 31મા દિવસે 1.10 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે ફિલ્મનું કુલ વિદેશી ગ્રોસ કલેક્શન 419.60 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. જ્યારે, ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન હવે 1,748.91 કરોડ રૂપિયા થઈ ગયું છે.