નાઇટ ક્લબની ઘટના બાદ બ્રાયડન કાર્સ ટીમમાંથી બહાર:પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ નહીં રમે; ECBએ કહ્યું- ક્રિકેટ રેગ્યુલેટર તપાસ કરશે

Last Updated: August 25, 2026By

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને ડર્બીના નાઇટ ક્લબમાં બનેલી ઘટના બાદ પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ ઘટના શનિવારે રાત્રે મિડલ ઇંગ્લેન્ડના ડર્બીમાં બની હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કાર્સને હાથકડી પહેરાવીને ચાર પોલીસ અધિકારીઓ સાથે જતા જોવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે ક્રિકેટ રેગ્યુલેટર આ ઘટનાની તપાસ કરશે. ક્રિકેટ રેગ્યુલેટર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ રમતનાં નિયમો, શિસ્તનું નિરીક્ષણ કરતી એક સંસ્થા છે. ECBએ તપાસ ન થાય ત્યાં સુધી સિલેક્શનમાંથી હટાવ્યો બોર્ડે નિવેદનમાં કહ્યું- ‘ફરિયાદ બાદ ક્રિકેટ રેગ્યુલેટરે પુષ્ટિ કરી છે કે તેઓ શનિવારે રાત્રે ડર્બીમાં બનેલી ઘટનાઓની તપાસ કરશે. તપાસ ચાલુ રહે અને સંપૂર્ણ માહિતી ન મળે ત્યાં સુધી કાર્સ બીજી ટેસ્ટ મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં.’ વીડિયોમાં કાર્સ હાથકડીમાં પોલીસકર્મીઓ સાથે દેખાઈ રહ્યો છે. તે પોતાની ડરહામ ટીમના સાથી મેથ્યુ પોટ્સ સાથે વાત કરતા જોવા મળ્યો. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સ પણ વીડિયોમાં પાછળની તરફ જોવા મળ્યો. કાર્સે જાન્યુઆરીથી ઇન્ટરનેશનલ મેચ રમી નથી કાર્સ જાન્યુઆરીમાં એશિઝ સિરીઝ પૂરી થયા પછી ઇંગ્લેન્ડ માટે કોઈપણ ફોર્મેટમાં રમ્યો નથી. હાથની ઈજાને કારણે 2026ની શરૂઆતમાં તેની તૈયારી પર અસર પડી અને તેને ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી પણ બહાર રહેવું પડ્યું. તેને ગયા અઠવાડિયે રમાયેલી પ્રથમ ટેસ્ટ માટે પણ પસંદ કર્યો નહોતો. ઇંગ્લેન્ડે હેડિંગ્લેમાં આ ટેસ્ટ ઇનિંગ્સ અને 103 રનથી ત્રણ દિવસમાં જીતી હતી. સ્ટોક્સે કહ્યું હતું- ઇંગ્લિશ ટીમમાં ડ્રિંકિંગ કલ્ચર નથી લગભગ 20 દિવસ પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે એક પોડકાસ્ટમાં કહ્યું હતું- ‘ઇંગ્લેન્ડની સિનિયર ટીમમાં કોઈ ડ્રિંકિંગ કલ્ચર નથી.’ જોકે, સ્ટોક્સ પોતે કાર્સ સાથે જોવા મળ્યો છે. તેને નાઇટ ક્લબમાં મારામારીના કેસ બાદ કેપ્ટનશીપ છોડવી પડી હતી. તેણે ન્યૂઝીલેન્ડ સામેની ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટની વચ્ચે નિવૃત્તિ લીધી હતી. એશિઝ દરમિયાન દારૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો ઇંગ્લેન્ડ ક્રિકેટમાં દારૂનો મુદ્દો એશિઝ સિરીઝ દરમિયાન ચર્ચામાં આવ્યો હતો, જ્યારે ઘણા ખેલાડીઓના દારૂ પીવાના સમાચાર સામે આવ્યા હતા. મામલો ત્યારે વધુ વકર્યો, જ્યારે ઓપનિંગ બેટર બેન ડકેટ ટીમના મિડ-સિરીઝ બ્રેક દરમિયાન નૂસામાં નશાની હાલતમાં જોવા મળ્યો હતો. સ્ટોક્સ ન્યૂઝીલેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં જીત બાદ ફાસ્ટ બોલર ગસ એટકિન્સન સાથે ડ્રિંક્સ માટે બહાર ગયો હતો. ત્યાં એક નાઈટક્લબમાં તેની એક એકેડમી રગ્બી ખેલાડી સાથે ઘટના બની હતી, જેના કારણે તેને બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

Leave A Comment