નેપાળને હરાવતા ઈંગ્લેન્ડનો પરસેવો છૂટ્યો:T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જાતા રહી ગયો, નેપાળે છેલ્લા બોલ સુધી લડત આપી; ઈંગ્લિશ ટીમ માત્ર 4 રનથી જીતી

Last Updated: February 8, 2026By

T20 વર્લ્ડ કપ 2026નો પાંચમો મુકાબલો ઇંગ્લેન્ડ અને નેપાળ વચ્ચે રમાયો. જેમાં ઇંગ્લેન્ડની ટીમે માત્ર 4 રનથી જીત મેળવી. આ મુકાબલો છેલ્લા બોલ સુધી ગયો. આ મેચ મુંબઈના વાનખેડે મેદાન પર થઈ. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. પરંતુ નેપાળે છેલ્લા બોલ સુધી લડાઈ લડી અને માત્ર 4 રનથી હાર મળી. છેલ્લી બે ઓવરનો રોમાંચ
છેલ્લી બે ઓવર એટલે કે 12 બોલમાં નેપાળને જીતવા માટે 24 રનની જરૂર હતી. 19મી ઓવરમાં વૂડના પહેલા બોલ પર ચોગ્ગો પડ્યો અને પછી સતત બે વાઈડ ગયા. બીજા બોલ પર કોઈ રન આવ્યો નહીં. પરંતુ ત્રીજા બોલ પર લોકેશે ફરી ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ ફરી એક વાઈડ આવ્યો. ચોથા બોલ પર 2 રન આવ્યા. 5મા બોલ પર 1 રન આવ્યો. અને 19મી ઓવરના છેલ્લા બોલ પર ગુલશન ઝા બોલ્ડ થઈ ગયો. એટલે કે છેલ્લા 6 બોલ પર જીતવા માટે નેપાળને 10 રન જોઈતા હતા. 20મી ઓવરના પહેલા બોલ પર કોઈ રન આવ્યો નહીં. બીજા બોલ પર એક રન આવ્યો. ત્રીજા બોલ પર પણ એક રન આવ્યો. ચોથા બોલ પર લોકેશે 2 રન લીધા. ત્યારે બે બોલમાં 6 રન જોઈતા હતા. 5મા બોલ પર લોકેશ રન બનાવી શક્યા નહીં. છેલ્લા બોલ પર 6 રન જોઈતા હતા. પરંતુ લોકેશ માત્ર એક જ રન બનાવી શક્યા. ઇંગ્લેન્ડએ આ મુકાબલો 4 રનથી જીતી લીધો. નેપાળની આવી રહી બેટિંગ
185 રનના જવાબમાં ઉતરેલી નેપાળની શરૂઆત ખૂબ જ શાનદાર રહી. પહેલો ઝટકો ચોથી ઓવરમાં લાગ્યો જ્યારે આશિક શેખની વિકેટ પડી. ત્યારે નેપાળનો સ્કોર 37 રન હતો. ત્યારબાદ 42ના સ્કોર પર કુશલ આઉટ થઈ ગયા. પરંતુ ત્યારબાદ રોહિત પૌડેલ અને દીપેન્દ્ર સિંહ વચ્ચે સારી ભાગીદારી થઈ. બંનેએ નેપાળનો સ્કોર 12મી ઓવરમાં જ 100ને પાર પહોંચાડી દીધો. પરંતુ આ ભાગીદારી તૂટી 15મી ઓવરમાં જ્યારે 124ના સ્કોર પર દીપેન્દ્ર સિંહની વિકેટ પડી. ત્યારબાદ રોહિત પર મોટી જવાબદારી હતી. પરંતુ 16મી ઓવરમાં રોહિતની પણ વિકેટ પડી ગઈ. રોહિતની જ્યારે વિકેટ પડી ત્યારે નેપાળનો સ્કોર 126 રન હતો. આરીફની વિકેટ પણ 146ના ટોટલ પર પડી ગઈ. પરંતુ ત્યારબાદ પણ રોમાંચ ઓછો થયો નહીં. લોકેશે મોરચો સંભાળ્યો અને 18મી ઓવરમાં જોફ્રા આર્ચરને બે છગ્ગા ફટકાર્યા. પરિસ્થિતિ એવી થઈ કે નેપાળને છેલ્લી બે ઓવરમાં 24 રનની જરૂર હતી. આવી રહી ઇંગ્લેન્ડની બેટિંગ
પહેલા બેટિંગ માટે ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બીજી જ ઓવરમાં ફિલ સોલ્ટની વિકેટ પડી ગઈ. ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર માત્ર 5 રન હતો. ત્યારબાદ બટલરે સારી ઇનિંગ રમી. પરંતુ 5મી ઓવરમાં તેઓ પણ ચાલતા થયા. બટલરે 17 બોલમાં 26 રન બનાવ્યા. પરંતુ આ બે વિકેટ પછી જેકબ બેથલના બેટથી શાનદાર અને તોફાની ફિફ્ટી આવી. તેમનો સાથ આપ્યો હેરી બ્રુકે. બંનેએ ફિફ્ટી ફટકારી. બંનેની આ ફિફ્ટીના દમ પર ઇંગ્લેન્ડએ 20 ઓવરમાં કુલ 184 રન બનાવ્યા. બીજી તરફ, નેપાળ તરફથી દીપેન્દ્ર સિંહ અને નંદન યાદવ સૌથી સફળ બોલર રહ્યા. જેમણે 2-2 વિકેટ ઝડપી. જ્યારે શેર મલ્લા અને સંદીપ લામિછાનેને 1-1 સફળતા મળી. ઇંગ્લેન્ડ (પ્લેઇંગ ઇલેવન): ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકબ બેથલ, ટોમ બેન્ટન, હેરી બ્રુક, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, લ્યુક વૂડ. નેપાળ (પ્લેઇંગ ઇલેવન): કુશલ ભુર્તેલ, આસિફ શેખ, રોહિત પૌડેલ, દીપેન્દ્ર સિંહ એરી, આરીફ શેખ, લોકેશ બામ, ગુલશન ઝા, કરણ કેસી, નંદન યાદવ, સંદીપ લામિછાને, શેર મલ્લા.