પહેલી T20: પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 22 રનથી હરાવ્યું:3 મેચની સિરીઝમાં 1-0થી આગળ, સૈમ અયુબનું ઓલરાઉન્ડ પ્રદર્શન

Last Updated: January 30, 2026By

T20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને T20 સિરીઝની પ્રથમ મેચમાં 22 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ 31 જાન્યુઆરીએ રમાશે. ગુરુવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 169 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 146 રન જ બનાવી શકી. કેમરુન ગ્રીને સૌથી વધુ 36 રન બનાવ્યા. ટ્રેવિસ હેડે 13 બોલમાં 23 રનની ઇનિંગ રમી. બાકીના બેટર ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. પાકિસ્તાન તરફથી સૈમ અયુબ અને અબરાર અહેમદે 2-2 વિકેટ ઝડપી. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 168 રન બનાવ્યા. સઈમ અયુબે સૌથી વધુ 40 રન અને સલમાન અલી આગાએ 39 રનનું યોગદાન આપ્યું. એડમ ઝામ્પાએ 4 વિકેટ ઝડપી. સૈમ અયુબ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. પાકિસ્તાનની ખરાબ શરૂઆત, ફરહાન ઝીરો પર આઉટ
ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે માત્ર એક રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી. અહીં ઓપનર સાહબઝાદા ફરહાનને ઝેવિયર બાર્ટલેટે કૉટ એન્ડ બોલ્ડ કર્યો. ફરહાન ખાતું પણ ખોલી શક્યો નહીં. અયૂબ-આગાની ભાગીદારીએ સંભાળ્યું
ફરહાનની વિકેટ વહેલી ગુમાવ્યા બાદ ઓપનર સૈમ અયૂબ અને કેપ્ટન સલમાન અલી આગાની જોડીએ પાકિસ્તાનને પાછું લાવ્યું. બંનેએ બીજી વિકેટ માટે 45 બોલમાં 74 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીને એડમ ઝામ્પાએ તોડી. તેણે સૈમને જેક એડવર્ડના હાથે કેચ કરાવ્યો. પછી કેપ્ટન સલમાન અલી (39 રન)ને પણ પેવેલિયન મોકલ્યો. બાબર આઝમ (24 રન) પણ તેનો જ શિકાર બન્યો. બાબર-ફખરની જોડીએ ટીમનો સ્કોર 150ની નજીક પહોંચાડ્યો. બાકીનું કામ ઉસ્માન અને નવાઝે કરી દીધું. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ 4 વિકેટ ઝડપી. ઝેવિયર બાર્ટલેટ અને માહલી બ્રેડમેને 2-2 વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં 2 બેટર આઉટ
169 રનને ચેઝ કરી રહેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં 57 રન બનાવવામાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. મેથ્યુ શોર્ટ 5 અને ટ્રેવિસ હેડ 23 રન બનાવીને આઉટ થયા હતા. 21 રન પર પહેલી વિકેટ પડ્યા બાદ આવેલા કેમરુન ગ્રીને સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. પરંતુ, મિડલ ઓર્ડરનો કોઈ પણ બેટર 15 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. ઝમ્પા અને બાર્ટલેટ વચ્ચે રેકોર્ડ પાર્ટનરશિપ
આખરે ઝેવિયર બાર્ટલેટે અણનમ 34 રન બનાવ્યા. તેણે એડમ ઝામ્પા સાથે નવમી વિકેટ માટે 26 બોલમાં અણનમ 34 રનની ભાગીદારી કરી. જે T20માં આ વિકેટ માટે ઓસ્ટ્રેલિયન બેટર્સની સૌથી મોટી ભાગીદારી છે. બાર્ટલેટ-ઝામ્પાએ ક્લિન્ટ મેકકોય અને કુલ્ટર નાઇલના 23 રનના રેકોર્ડને તોડ્યો.