‘બુમરાહને અમદાવાદમાં આરામ નહીં મળે’:બેટિંગ કોચ સિતાંશુએ કહ્યું- અભિષેક પાછું ફોર્મ મેળવીને કમબેક કરશે; ડચ કેપ્ટને કહ્યું- અમદાવાદમાં રમવા ઉત્સાહિત

Last Updated: February 17, 2026By

અમદાવાદમાં આવતીકાલે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે T20 વર્લ્ડ કપની લીગ મેચ રમાશે. જેમાં આજે બન્ને ટીમે પ્રી-મેચ કોન્ફરન્સ કરી હતી. જેમાં નેધરલેન્ડ્સ તરફથી કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ આવ્યો હતો. તો ભારત તરફથી બેટિંગ કોચ સિતાંશુ કોટક આવ્યા હતા. જેમાં પહેલા ડચ કેપ્ટન કહ્યું કે અમે અમદાવાદમાં રમવા માટે ઉત્સાહિત છીએ. જ્યારે સિતાંશુ કોટકે કહ્યું કે અમે સુપર-8માં ભલે ક્વોલિફાય થયા હોઈએ, અમે નેધરલેન્ડ્સને હળવાશથી લઈશું નહીં. ‘બુમરાહ આરામ નહીં કરે, તેનો નિર્ણય પછીથી લઈશું’ ભારત પહેલેથી જ સુપર-8 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગયું હોવા છતાં, નેધરલેન્ડ્સ સામેની અંતિમ ગ્રુપ મેચમાં બુમરાહને આરામ આપવાના સવાલ પર કોટકે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, ‘મને નથી લાગતું કે બુમરાહ અત્યારે આરામ કરશે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય અમે પછીથી લઈશું.’ બુમરાહ અત્યારે શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં તેણે સૈમ અયુબ અને સલમાન અલી આગાની મહત્વની વિકેટો ઝડપીને પાકિસ્તાનને 61 રને હરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે BCCIની ટીમ તેના વર્કલોડ પર નજર રાખે છે, પણ અત્યારે તેને રમાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ‘અભિષેક આત્મવિશ્વાસ ધરાવતો ખેલાડી છે’ અભિષેક શર્માને પેટમાં ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અને તે નામિબિયા સામેની મેચ રમી શક્યો નહોતો. પાકિસ્તાન સામે તે પાછો આવ્યો પણ ઝીરોમાં આઉટ થઈ ગયો. જ્યારે કોટકને પૂછવામાં આવ્યું કે શું વિરોધી ટીમે અભિષેકની રમત સમજી લીધી છે, ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું કે ‘તેની તબિયત સારી નહોતી. છેલ્લી મેચમાં તે પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો, પણ અમે તેનું બહુ એનાલિસિસ કરવા માગતા નથી. તેના પ્લાન્સ એકદમ સ્પષ્ટ છે. તે ઘણો આત્મવિશ્વાસ ધરાવતો ખેલાડી છે અને તે ચોક્કસપણે મજબૂત કમબેક કરશે.’ ઈશાનની આ ગેમ હાલના T20 ગેમમાં ખૂબ મદદ થાય છે- સિતાંશું કોટક પાકિસ્તાન સામેની જીતમાં મેચ વિનિંગ ફિફ્ટી ફટકારનાર ઈશાન કિશનની બેટિંગના વખાણ કરતા બેટિંગ કોચ સિતાંશુ કોટકે જણાવ્યું હતું કે, ‘ઈશાનને હું 2016-17થી જાણું છે, જ્યારે હું IPLમાં એક જ ટીમમાં હતા. તે તેના શરૂઆતના દિવસોથી જ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો ખેલાડી રહ્યો છે. T20 ક્રિકેટમાં આ પ્રકારની માનસિકતા ખૂબ જ મદદરૂપ થાય છે.’ ‘અમે નેધરલેન્ડ્સને જરા પણ હળવાશથી નહીં લઈએ’ બેટિંગ કોચ સિતાંશુ કોટકે નવેધરલેન્ડ્સ સામેની મેચ બાબતે જણાવ્યું કે, ‘અમે નેધરલેન્ડ્સ ટીમને જરા પણ હળવાશથી લેતા નથી. આ વર્લ્ડ કપની શરૂઆતથી જ આપણે જોયું કે કોઈપણ ટીમ કોઈપણ ટીમને હરાવી શકે છે. એટલા માટે જ અમારા માટે દરેક ગેમ અને દરેક મેચ ખૂબ જ મહત્ત્વની છે. અને એટલે જ અમે નેધરલેન્ડ્સને હળવાશથી લીધી નથી.’ હવે ડચ ટીમના કેપ્ટન પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યા, એ જાણીએ… ‘અમે બેસ્ટ ક્રિકેટ રમીએ, તેથી અમને વધુ તક મળે’ નેધરલેન્ડ્સ 2009થી વર્લ્ડ કપ રમી રહ્યું છે. તમે ક્વોલિફાયર રાઉન્ડ માટે તો બહુ સારા છો, પણ મુખ્ય વર્લ્ડ કપમાં સાતત્ય જાળવવા અને જીતવા માટે તમારે શું જોઈએ? જેના જવાબમાં સ્કોટ એડવર્ડ્સે કહ્યું કે, ‘હા, મને લાગે છે કે એસોસિયેટ ક્રિકેટ ટીમમાં હંમેશા કેટલીક મુશ્કેલીઓ હોય છે. અમે અમારી ક્ષમતા કરતા ઘણું સારું પ્રદર્શન કરતા આવ્યા છીએ. અમે વર્લ્ડ કપમાં ઘણું સારું ક્રિકેટ રમ્યા છીએ. પણ હવે આગળના લેવલ પર પહોંચવા માટે, અમારે ‘ટેસ્ટ રમતા દેશો’ સામે વધુ રમવાની તકની જરૂર છે. જોકે અમને મળતા ફંડ અને એવી બીજી બાબતોમાં ઘણી મર્યાદાઓ છે, પણ તે અમારા નિયંત્રણમાં નથી. અમારા માટે તો બસ એટલું જ છે કે જ્યારે પણ અમને ગ્લોબલ મંચ પર તક મળે ત્યારે અમે અમારું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમીએ અને આશા રાખીએ કે તેનાથી અમને વધુ તકો મળે.’ ‘USA સામેની હાર મુશ્કેલ હતી, પણ હવે ફોકસ ભારત સામેની મેચ છે’ USA સામે મળેલી હાર પચાવવી કેટલી મુશ્કેલ હતી? અને છેલ્લી મેચમાં ઉતરતા પહેલા ટીમનું વાતાવરણ કેવું છે?. આના જવાબમાં ડચ કેપ્ટને જણાવ્યું કે, ‘ હા, એ ચોક્કસપણે મુશ્કેલ હતું. અમે અમારું શ્રેષ્ઠ ક્રિકેટ નહોતા રમ્યા અને અમેરિકા ઘણું સારું રમ્યું. તે નિરાશાજનક છે કારણ કે તેનાથી અમે આ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયા છીએ. પરંતુ હવે અમે આ મેચ તરફ ધ્યાન આપી રહ્યા છીએ. અમદાવાદમાં ભારત સામે રમવું જ્યાં 70-80 હજાર લોકો હશે, તે મોટી વાત છે. છોકરાઓ હવે તે હારમાંથી બહાર આવી ગયા છે અને અમે આ મેચની રાહ જોઈ રહ્યા છીએ. શું તમે લોકો અહીં પહેલા ક્યારેય રમ્યા છો? ભારત સામે 80 હજાર લોકોની હાજરીમાં રમવાનો અનુભવ નેધરલેન્ડ્સ માટે શું મહત્વ ધરાવે છે? અને નેધરલેન્ડ્સમાં અન્ય રમતોની સરખામણીએ ક્રિકેટ ક્યાં છે? આના જવાબમાં સ્કોટ એડવર્ડ્સે જણાવ્યું કે, ‘આ એક વિશાળ તક છે. આ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને અહીં ભારત સામે ભારતની ધરતી પર રમવા માટે આખી ટીમ ઉત્સાહિત છે. શ્રેષ્ઠ ખેલાડીઓ સામે તમારી જાતને પરખવાની આ એક શ્રેષ્ઠ તક છે. તમારા બીજા સવાલનો જવાબ એ છે કે નેધરલેન્ડ્સમાં ક્રિકેટનો વિકાસ થઈ રહ્યો છે. દેખીતી રીતે ફૂટબોલ ત્યાંની મુખ્ય રમત છે અને કદાચ અમે ક્યારેય તે સ્તર સુધી નહીં પહોંચી શકીએ, પણ અમારો ઉદ્દેશ્ય રમતનો પ્રચાર કરવાનો છે અને આશા છે કે અમારા પ્રદર્શનથી નેધરલેન્ડ્સમાં ક્રિકેટ વધુ લોકપ્રિય બનશે.’ ‘અમે ઈન્ડિયન બેટર્સ માટે અલગ-અલગ પ્લાન્સ બનાવ્યા છે’ ભારતીય બેટર્સ માટે કોઈ ખાસ પ્લાન? છેલ્લી કેટલીક મેચમાં ભારતીય બેટર્સને સ્પિન સામે તકલીફ પડી છે. તમારી ટીમમાં કોઈ મિસ્ટ્રી સ્પિનર નથી, તો કોઈ ખાસ રણનીતિ?. આ સવાલના જવાબમાં કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે જણાવ્યું કે, ‘હા, અમે દરેક મેચમાં અલગ-અલગ બેટર્સ માટે પ્લાન સાથે ઉતરીએ છીએ. ઈન્ડિયન ટીમમાં ઘણા વિસ્ફોટક બેટર્સ છે, તેથી અમે દરેક ખેલાડી માટે અલગ-અલગ પ્લાન્સ બનાવ્યા છે અને અમે તેને મેદાન પર અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીશું.’