'બે ડોસાઓએ સીધી કમર પકડી…':મૌની રોય ઇવેન્ટ વચ્ચે શરમમાં મૂકાઈ, કહ્યું- 'ગંદી દાનત સાથે ગુલાબ ફેંક્યા અને ગાળો ભાંડી'
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે હરિયાણાના કરનાલમાં યોજાયેલા કાર્યક્રમમાં છેડતી કરવામાં આવી હતી. એક્ટ્રેેસે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને સમગ્ર ઘટના જણાવી છે. તેણે એ પણ જણાવ્યું છે કે, કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોની ગેરવર્તણૂકને લીધે તે શરમમાં મૂકાઈ ગઈ હતી અને અસ્વસ્થ થઈ ગઈ હતી. ‘દાદાની ઉંમરના બે લોકોએ મારી કમર પર હાથ મૂકી દીધો’ મૌનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,- ‘તાજેતરમાં કરનાલમાં એક કાર્યક્રમ હતો અને મહેમાનોના વર્તનથી મને ખૂબ નિરાશા થઈ, ખાસ કરીને તે બે કાકા જેવા લોકોના વર્તનથી, જે દાદાની ઉંમરના હતા.’ ‘કાર્યક્રમ શરૂ થતાં જ જ્યારે હું સ્ટેજ તરફ ચાલવા લાગી, ત્યારે કાકા અને પરિવારના તમામ પુરુષ સભ્યોએ ફોટો ક્લિક કરાવવા માટે મારી કમર પર હાથ મૂકી દીધો. જે મને પસંદ ન આવ્યું અને મેં કહ્યું કે, સર, કૃપા કરીને તમારો હાથ હટાવી લો.’ ‘કાકાઓએ મને અશ્લીલ ઇશારા કર્યાં અને ગાળો પણ ભાંડી’ ‘સ્ટેજ પર તો વધુ રસપ્રદ વાર્તા છે. બે કાકા બરાબર સામે ઊભા રહીને અશ્લીલ ટિપ્પણીઓ કરી રહ્યા હતા, મને અશ્લીલ ઇશારા બતાવી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા.’ ‘મેં આ અનુભવ્યું અને પહેલા તો નમ્રતાથી તેમને ઇશારો કર્યો કે આવું ન કરો, જેના પર તેમણે મારા પર ગુલાબ ફેંકવાનું શરૂ કરી દીધું. હું પરફોર્મન્સની વચ્ચે જ સ્ટેજની એક્ઝિટ તરફ ચાલી ગઈ પરંતુ તરત પાછી આવીને મારું પરફોર્મન્સ પૂરું કર્યું.’ ‘મારી સાથે આવું થાય, તો નવી છોકરીઓનું શું?’ એક્ટ્રેસે એમ પણ કહ્યું કે, ‘આટલી હરકતો છતાં ન તો પરિવારજનોએ અને ન તો આયોજકોએ તે લોકોને ત્યાંથી હટાવ્યા.’ ‘કલાકારો સાથે આ પ્રકારનું વર્તન અસહ્ય છે’ મૌનીએ આ ઘટનાને અપમાનજનક અને માનસિક રીતે પરેશાન કરનારી ગણાવી. તેણે લખ્યું કે, જો તેની સાથે આવું થઈ શકે છે, તો ઇન્ડસ્ટ્રીમાં નવી છોકરીઓ માટે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હશે, તેનો અંદાજ લગાવી શકાય છે. તેણે પ્રશાસન પાસે આવા વર્તન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ કરી. એક અન્ય પોસ્ટમાં મૌનીએ જણાવ્યું કે, સ્ટેજ ઊંચાઈ પર હતું અને કેટલાક લોકો નીચેથી ખોટા એંગલમાં વીડિયો બનાવી રહ્યા હતા. રોકવા પર તેમણે ગાળો આપી. એક્ટ્રેસે કહ્યું કે, કલાકારો ખુશીના પ્રસંગોએ મહેમાન બનીને જાય છે, પરંતુ આ પ્રકારનું વર્તન અસહ્ય છે. ‘સલાકાર’માં જોવા મળી હતી મૌની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મૌની રોય ગયા વર્ષે સંજય દત્ત અને સની સિંહ સાથે ‘ધ ભૂતની’માં જોવા મળી હતી. આ પછી તે OTT પર રિલીઝ થયેલી જાસૂસી થ્રિલર સલાકારમાં પણ જોવા મળી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

