બોલિવૂડના વિલનની ફિલ્મી લવસ્ટોરી:શક્તિ કપૂર લતા મંગેશકરની ભત્રીજીને પહેલી નજરે દિલ દઈ બેઠા, પરિવારે વિરોધ કરતા ભાગીને લગ્ન કર્યા

Last Updated: September 3, 2026By

ઘણી સુપરહિટ ફિલ્મોમાં વિલન અને કોમેડિયનનો રોલ ભજવનાર શક્તિ કપૂર આજે 74 વર્ષના થયા. લગભગ 700થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શક્તિની એક્ટિંગ કારકિર્દી ખૂબ જ સફળ રહી. તેમની પર્સનલ લાઇફની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. શક્તિએ શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મ ‘કિસ્મત’ દરમિયાન થઈ હતી. કપિલ શર્માના શોમાં શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, શિવાંગીને જોઈને તેમને તે પહેલી નજરમાં જ ખૂબ સુંદર લાગી હતી. તેમણે શિવાંગીને હળવી લાઇન પણ મારી અને મનોમન નક્કી કરી લીધું હતું કે લગ્ન કરીશું તો આ જ મરાઠી છોકરી સાથે કરીશું. પછી બંનેની મુલાકાત બાદ બંનેમાં મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. પરિવાર સંબંધની વિરુદ્ધ હતો જ્યારે બંને મળ્યા હતા, ત્યારે શક્તિ કપૂર લગભગ 30 વર્ષના હતા અને શિવાંગી માત્ર 18 વર્ષની હતી. આ ઉપરાંત, શક્તિ કપૂર ફિલ્મોમાં અવારનવાર વિલનના રોલ ભજવતા હતા. આ જ કારણ હતું કે શિવાંગીના માતા-પિતા આ સંબંધની સખત વિરુદ્ધ હતા. જ્યારે બંનેએ લગ્નની વાત કરી, ત્યારે શિવાંગીના પરિવારે તેમને રૂમમાં બંધ કરી દીધા હતા. પરિવારને મનાવવાના બધા રસ્તા બંધ થયા પછી, શિવાંગીએ ઘરેથી ભાગીને શક્તિ કપૂર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. 1982માં કર્યા કોર્ટ મેરેજ વર્ષ 1982માં બંનેએ ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા. શરૂઆતમાં શક્તિ કપૂરનો પરિવાર પણ થોડો ખચકાતો હતો, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે શિવાંગી પ્રખ્યાત સિંગર લતા મંગેશકરની ભત્રીજી છે, ત્યારે તેઓ માની ગયા. લગ્ન પછી શિવાંગીના માતા-પિતા ઘણા વર્ષો સુધી તેમનાથી નારાજ રહ્યા. જોકે, મોટા દીકરા સિદ્ધાંત કપૂર અને પછી દીકરી શ્રદ્ધા કપૂરના જન્મ પછી બંને પરિવારો વચ્ચેની કડવાશ સમાપ્ત થઈ ગઈ. શિવાંગીના માતા-પિતાએ પણ આ સંબંધને સંપૂર્ણપણે સ્વીકારી લીધો. અખબારમાં છપાયું- 3 મહિનામાં છૂટાછેડા થઈ જશે કપિલ શર્માના શોમાં શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, તેમના લગ્ન પછી અખબારમાં આવ્યું હતું કે 3 મહિનામાં તેમના છૂટાછેડા થઈ જશે. જોકે, એવું કંઈ થયું નહીં. ત્યાં જ, શક્તિના સસરાએ તેમને આવીને કહ્યું કે, ‘તારા જેવો જમાઈ મેં ક્યાંય જોયો નથી, મને તારા પર ખૂબ ગર્વ છે.’ શક્તિ કપૂરની પત્ની શિવાંગી કોલ્હાપુરે (એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેની મોટી બહેન) દિગ્ગજ સિંગર લતા મંગેશકરના સંબંધી (ભત્રીજી) છે. નોંધનીય છે કે, શિવાંગી કોલ્હાપુરેના પિતા પંડિત પંઢરીનાથ કોલ્હાપુરેના માતા, લતા મંગેશકરના પિતા પંડિત દીનાનાથ મંગેશકરના સાવકા બહેન હતા. આ સંબંધે શિવાંગીના પિતા પંઢરીનાથજી, લતા મંગેશકર અને આશા ભોસલેના પિતરાઈ ભાઈ થતા હતા. એક નજર શક્તિ કપૂરની કારકિર્દી પર શક્તિ કપૂરે 1977માં ફિલ્મ ‘ખેલ ખિલાડી કા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતના તબક્કામાં તેમને ઘણી નાની ભૂમિકાઓ મળી, પરંતુ ‘કુર્બાની’ અને ‘રોકી’માં વિલનના પાત્રોએ તેમને ઓળખ અપાવી. આ પછી ‘હિમ્મતવાલા’ અને ‘હીરો’ જેવી ફિલ્મોમાં પણ તેમણે નેગેટિવ રોલ ભજવ્યો હતો. 1990ના દાયકામાં શક્તિ કપૂરે પોતાની એક્ટિંગનો વ્યાપ વધાર્યો અને કોમેડીમાં પણ ખાસ ઓળખ બનાવી. ‘રાજા બાબુ’માં નંદુનું પાત્ર તેમના સૌથી યાદગાર રોલ્સમાંનું એક છે. આ ભૂમિકા માટે તેમને ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન એવોર્ડ મળ્યો. ‘અંદાઝ અપના અપના’માં ક્રાઈમ માસ્ટર ગોગો, ‘ચાલબાઝ’, ‘ઇન્સાફ’, ‘બાપ નંબરી બેટા દસ નંબરી’ અને ‘બોલ રાધા બોલ’ જેવી ફિલ્મોમાં તેમના પાત્રો પણ ખૂબ ચર્ચિત રહ્યા. બાદમાં તેમણે ‘હંગામા’, ‘હલચલ’, ‘ચુપ ચુપ કે’ અને ‘માલામાલ વીકલી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું.

Leave A Comment