બ્રિટન પર પરમાણુ હુમલો થશે?:CIA ચીફ મારતે ઘોડે રશિયા પહોંચ્યા, પુતિનના કિલર પ્લાનથી આખું યુરોપ ફફડ્યું, લોકોને ઇમર્જન્સી માટે તૈયાર રહેવા ચેતવ્યા

Last Updated: August 27, 2026By

માની લો કે તમે સવારે ઉઠો અને સરકાર તમને કહી દે કે, “ઘરમાં લાંબો સમય સુધી ચાલી શકે એટલું પાણી, ખોરાક, દવાઓ, બેટરી કે ટોર્ચ અને બાકી જીવન જરૂરી વસ્તુઓ ભેગી કરી લો” આવું હકિકતમાં થયું છે એક સમયના સૌથી શક્તિશાળી અને સામ્રાજ્યવાદી બ્રિટનમાં. પણ સવાલ એ થાય કે અચાનક એવું તો શું થઈ ગયું કે એક સમયની મહાસત્તા અંધારપટના ડરથી ફફડી ગઈ? તો જવાબ છે બ્રિટનને હવે રશિયાના ન્યૂક્લિયર બોમ્બનો ડર લાગી રહ્યો છે. પણ કેમ? ચાલો વિગતે આખો મામલો સમજીએ… નમસ્કાર…. બ્રિટિશ સરકારે હમણાં એક અભિયાન શરૂ કર્યું છે પ્રીપેર કેમ્પેઈન. એ પણ કોઈ સામાન્ય વાવાઝોડા માટે નહીં પણ એક ભયાનક યુદ્ધ માટે. જેને સમજવા માટે આપણે યુક્રેન અને રશિયાની બોર્ડર પર જવું પડશે જેના કારણે બ્રિટન સરકારને આવી નોબત આવી છે. રશિયાને બ્રિટન પર આટલો ગુસ્સો કેમ આવ્યો? આખો મુદ્દો કંઈક એવો છે કે યુક્રેન અત્યાર એટલે કે લગભગ ચારેક વર્ષથી રશિયા સામે પોતાના બચાવમાં લડતું હતું. પણ હમણા તેણે રશિયન બોર્ડરથી હજારો કિલોમીટર અંદર સુધી ધમાકા કર્યા છે. શેના પર? ઓઈલ રિફાઈનરી અને ગેસ પ્લાન્ટ્સ પર અને એ પણ ડ્રોન્સથી. અત્યાર સુધી બધુ ઠીક ચાલી રહ્યું હતું પણ રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે રશિયાએ આ ડ્રોન્સના પાર્ટ્સ ધ્યાનથી જોયા. તપાસમાં ખબર પડી કે આ તો યુક્રેની કે અમેરિકી બનાવટના નહીં પણ બ્રિટનમાં બનાવેલા નીકળ્યા. આ માહિતી પુતિન સુધી પહોંચી અને તેના ગુસ્સાનો પારો સાતમા આસમાનને પણ પાર કરી ગયો. અગાઉ આ મામલે આપણે એડિટર્સ વ્યૂમાં વાત કરી ચૂક્યા છીએ જ્યારે આ બધી શરૂઆત થઈ હતી. પણ ત્યારની અને અત્યારની પરિસ્થિતિઓ સાવ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી રશિયા યુદ્ધને યુક્રેન સુધી સિમિત સમજતું હતું પણ હવે તે યુરોપ અને નાટો સુધી યુદ્ધ પહોંચી ગયું છે એવું સમજે છે. ટૂંકમાં રશિયા પર માત્ર યુક્રેન જ નહીં નાટો અને યુરોપ પણ હુમલો કરી રહ્યું છે. બ્રિટને ભારે કિંમત ચૂકવવી પડશેઃ રશિયા રશિયાએ બ્રિટનને ધમકી આપી કે, બ્રિટનને આની બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. લાગી રહ્યું હતું કે મામલો રફેદફે થઈ જશે પણ ના… એવું ન થયું, પરિસ્થિતિ રોજબરોજ બદતર થતી ગઈ. આ વાત અત્યારે પરમાણુ હુમલા સુધી પહોંચી ગઈ છે. જે રીતે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર હુમલા કર્યા હતા અને લાખોનો જીવ ગયો હતો એનાથી પણ ભયાનક ધડાકા રશિયા યુક્રેન કે બ્રિટન પર કરી શકે એવા ભણકારા વાગી રહ્યા છે. આ ત્રણ કારણે પુતિનની ડગરી છટકી પણ રશિયાને વધુ ખીજ બ્રિટનના ત્રણ નિર્ણયો કે સ્ટેપના કારણ પડી. તમને યાદ હોય તો બ્રિટનને હમણા જ એક નવા પ્રધાનમંત્રી મળ્યા છે. તેણે પોતાની પહેલી વિદેશ યાત્રા ક્યાં કરી ખબર છે? યુક્રેનમાં… આને એવી રીતે સમજી શકાય કે આ કોઈ ફોર્મલ ફોરેઈન વિઝિટ નહોતી પણ રશિયાને ખુલ્લી ચેલેન્જ હતી કે ગમે તે થાય અમે યુક્રેન સાથે ખભેખભો મિલાવીને ઉભા રહીશું. ઉપરથી બ્રિટને પોતાની મિસાઈલ્સની બ્લૂપ્રિન્ટ યુક્રેનને આપી દીધી. એટલે યુક્રેન પોતાના જ દેશમાં બ્રિટિશ મિસાઈલ્સ બનાવીને રશિયા પર હુમલા કરી શકે. ત્રીજું કે બ્રિટને યુક્રેન સાથે નવી ડિફેન્સ ડિલ કરી જેનાથી યુક્રેન યુદ્ધનો ડેટા બ્રિટનને શેર કરશે. આ બધુ ભેગું થયું એટલે બ્રિટન પર પુતિન અત્યારે ધુંઆપુંઆ થયા છે. રશિયાએ આજે સત્તાવાર નિવેદન આપીને કહ્યું છે કે, યુક્રેન કે તેના સાથી દેશ રશિયામાં મિસાઈલ હુમલા ચાલુ રાખશે તો અમે યુદ્ધને નેક્સ્ટ લેવલે લઈ જઈશું. વધુમાં તેમણે જણાવ્યું કે, અમેરિકી જાસૂસી સંસ્થા રાતોરાત રશિયા પહોંચી વધુમાં આ મામલાની ગંભીરતા કેટલી છે એ એનાથી સમજી શકાય છે કે અમેરિકાની ખુફિયા એજન્સી CIAના ડિરેક્ટર જ્હોન રેટક્લિફને રાતોરાત એક સ્પેશિયલ મિલિટરી પ્લેન લઈને ઉતાવળમાં રશિયા પહોંચવું પડ્યું. અત્યાર સુધીમાં સમાચાર મળ્યા છે ત્યાં સુધી CIAનો એક જ ટાર્ગેટ હતો…. રશિયાને અને યુક્રેનને સમજાવવા અને ભૂલથી પણ પરમાણુ હથિયાર વાપરવાની કે નાટો પર સુધી હુમલો કરવાની ભૂલ ન કરવાની ચેતવણી આપવી. ઈરાની હેકર્સે બ્રિટનમાં લાઈટ ડૂલ કરી આ ધમકી, સમજાવટ કે હાઈ લેવલ દખલથી પરમાણુ યુદ્ધનો ખતરો હાલ પૂરતો તો ટળ્યો એવું લાગે છે પણ કેટલા સમય સુધી ટળ્યો એ કહેવું બહુ મુશ્કેલ છે. બદલાની ભાવનામાં રશિયાએ હાઈબ્રિડ વોરફેર શરૂ કરી દીધી છે. રશિયા હાલ યુક્રેન કે બ્રિટન પર મિસાઈલ હુમલા કરવાની જગ્યાએ નાના હુમલાઓ અને હેકર્સની મદદથી પાવર પ્લાન્ટ ઠપ્પ કરી અને કરાવી પણ રહ્યું છે. સરકારની મદદ વગર તૈયાર રહોની સ્થિતિ બસ એટલે જ બ્રિટિશ સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તેમના રાત ઉજાગરા ચાલુ થઈ ગયા છે. બ્રિટિશર્સ સમજી ગયા છે કે હવે હુમલો સરહદ પર સૈનિક નહીં પણ દેશના પાવર ગ્રીડ, ઈન્ટરનેટ, પાણી પુરવઠા કે સામાન્ય જનતા પર થશે. એટલે જ સરકારે લોકોને કહી દીધું છે કે જો કદાચ દેશની લાઈટો ડૂલ થાય તો સરકારી મદદની રાહ વગર લોકો તેમની રીતે તૈયાર રહે. આપણને એવું થાય કે સરકાર ખાલી રશિયાની ધમકીઓથી આટલી બધી ડરી ગઈ છે? જવાબ છે ના… વાત ખાલી ટેન્શન કે ધમકી પૂરતી સિમિત નથી. બ્રિટિશ સરકારે ડરવાનું ત્યારે શરુ કર્યું જ્યારે હાઈબ્રિડ વોરફેરનું લાઈવ ટ્રેલર તેના ઘર આંગણે જોવા મળ્યું. બ્રિટનના પાવર પ્લાન્ટ પર ઈરાની હુમલો બ્રિટનના એક નાના ઈલેક્ટ્રિસિટી જનરેટર જેને પીકર પ્લાન્ટ કહેવાય છે એના પર અચાનક ધડાધડ સાયબર હુમલો થયો. રશિયાના મિત્રો એટલે કે ઈરાનના હેકર્સ સિસ્ટમમાં ઘૂસ્યા અને એ પાવર પ્લાન્ટ સળંગ ચારેક દિવસ સુધી બંધ રહ્યો હતો. આ પાવર પ્લાન્ટ નાનો હતો એટલે અમુક વિસ્તારની જ લાઈટ ગઈ હતી. પણ જો સાયબર હુમલો કે પછી બીજો કોઈ મોટો હુમલો થાય તો શું? બની શકે કે તે નાનો હુમલો ખાલી ડેમો જ હોય. એટલે બની શકે કે મોટા પાવર પ્લાન્ટ પર કે દેશ પર કોઈ મોટો હુમલો થાય તેના પહેલા સરકારે લોકોને તૈયાર કરી દીધા છે કે તમારી રીતે જીવન જરૂરી માલ તૈયાર રાખજો. રશિયામાં ક્રુડ અને ઓઈલની તંગી આ જ સમયે દુનિયાના બીજા છેડે ડેટા અને ઈકોનોમીની એક બીજી જ ખતરનાક ગેમ રમાઈ રહી હતી. યુક્રેને ડ્રોન હુમલા કરીને રશિયાની મોટી ઓઈલ રિફાઈનરીઓ સળગાવી દીધી. આ હુમલા એટલા ભયાનક હતી કે રશિયા, જે આખી દુનિયાને ક્રુડ ઓઈલ વેચે છે તેને પોતાના જ દેશમાં પેટ્રોલની તંગી થઈ ગઈ. રશિયાએ ભારત પાસેથી પેટ્રોલ ખરીદ્યું હવે થોડા આંકડાઓની વાત કરી લઈએ. જૂન અને જુલાઈ 2026માં રશિયાને પેટ્રોલ માટે ભારત પાસે હાથ લંબાવવો પડ્યો. શિપ ટ્રેકિંગ ડેટા કહે છે કે ભારતે લગભગ 10 લાખ બેરલ પેટ્રોલ રશિયાને મોકલ્યું. પણ અહીં એક ઈન્ટ્રેસ્ટિંગ વાત તમે જાણશો તો તમને પણ હસવું આવી જશે. ભારત સત્તા ભાવે ક્રુડ રશિયા પાસેથી ખરીદે છે, પોતાની રિફાઈનરીઓથી પેટ્રોલ અને ડીઝલ બનાવે છે અને પાછું એ જ પેટ્રોલ કે ડીઝલ મોંઘા ભાવે રસિયાને પધરાવે છે. હવે પાછા બ્રિટિશર્સની વાત કરી લઈએ. ત્યાંની સરકારે પોતાના નાગરિકોનો એક સર્વે કરાવ્યો. જે આંકડા ખરેખર તેમને બીવડાવે એવા છે. આ ડેટાથી એક અંદાજો લગાવી શકાય કે જો કોઈ દેશ બ્રિટન પર હુમલો કરે તો શું થાય? એટલે જ સરકારે કહી દીધું કે ભાઈ બધુ ભેગું કરવાનું શરૂ કરી દો બાકી ભરાઈ જશો. પણ બ્રિટનની તૈયારીઓ, રશિયાના કે યુક્રેનના એકબીજા પર હુમલાઓ એ સિક્કાની એક બાજુ છે, પણ આપણે જ્યારે બિગર કેનવાસ પર આખી ઘટના સમજીએ ત્યારે એક નવો ખતરો પણ દેખાય છે જેની ચર્ચા બહુ ઓછી જોવા મળશે. જે સમજીને તમને થશે કે દુનિયા આ કઈ દિશામાં જઈ રહી છે. ચાલો હવે તેની પણ વાત કરી લઈએ. મહાસત્તાઓને લડવા દોઃ બ્રિટનની વિદેશ નીતિ સૌથી પહેલું છે 300 વર્ષ જૂના બ્રિટિશ એમ્પાયર સામ્રાજ્યનો અંત. બ્રિટનની વિદેશ નીતિ એક પ્રિન્સિપલ પર ચાલે છે જેને બેલેન્સ ઓફ પાવર કહેવાય છે. ટૂંકમાં દુનિયાના કોઈ દેશને એટલો પાવરફુલ ન થવા દેવો જેનાથી બ્રિટન પર તે દેશ ખતરો બની જાય. બીજી રીતે આને સમજીએ તો દુનિયાના મોટા અને પાવર ફુલ દેશોને અંદરો અંદર ઝઘડવા દેવાનું અને ઓડિયન્સમાં બેસીને તમાશો જોવાની નીતિ. પણ મોસ્કોમાં જે સિક્રેટ બેઠકો ઓગસ્ટ મહિનામાં થઈ તેણે બ્રિટનની વિદેશનીતિ અને દુનિયાની જીઓપોલિક્સને એક નવું જ ચિત્ર દેખાડ્યું. એક ટેબલ પર અમેરિકા, રશિયા અને ચીન આ બેઠકમાં અમેરિકા, રશિયા અને ચીન એક ટેબલ પર હતા. જી હાં! તમને જે દુશ્મનો લાગે છે તે ત્રણેય મહાશક્તિઓ એક જ ટેબલ પર. ટ્રમ્પના સમય પહેલા રશિયા અને ચીનને ખતરા તરીકે જોવાતું હતું પણ ટ્રમ્પ પછી અમેરિકાની વિદેશનીતિ સાવ બદલાઈ છે. અમેરિકા હવે વિચારે છે કે તેને કેવી રીતે પાવરફુલ થવું, કેવી રીતે વધુ પૈસાવાળું બનવું અને કેવી રીતે તેમના લોકોની સિક્યોરિટી બની રહે. જો આ ત્રણેય કેટેગરી ફૂલફિલ થાય તોજ ટ્રમ્પ કંઈક કરે છે. જો ન થાય તો તે કંઈ નથી કરતા. પછી ભલે દુનિયા તેને પોલીસ તરીકે જુએ કે કંઈ પણ થાય અમેરિકા અમારી મદદે આવશે. અમેરિકા હવે ટ્રાન્ઝેક્શનલ વિદેશ નીતિના મોડમાં છે, એટલે નફા નુકસાનની રાજનીતિ કે પછી લેવડ દેવડની પણ કહી શકાય. ખતરનાક સમયથી પસાર થઈ રહ્યા છીએઃ ડેનમાર્ક PM હવે અમેરિકા યુક્રેન યુદ્ધ ખતમ કરવા માગે છે એટલે તે પોતાના જૂના કહેવાતા દુશ્મનો એટલે કે ચીન અને રશિયા સાથે મળીને એક ટેબલે ડિલ કરી રહ્યું છે. જેના કારણે યુરોપ હવે સાવ એકલું અને અટુલું પડી ગયું છે. આ વાતને આપણે ડેનમાર્કના પ્રધાનમંત્રીના સ્ટેટમેન્ટ પરથી સમજી શકાય છે. તેમણે કહ્યું હતું કે… દુનિયામાં વધી લેવડ-દેવડની વિદેશ નીતિ બીજો મુદ્દો ઉંડાણપૂર્વક સમજતા નજરે પડે છે તે છે વેપનાઈઝેશન ઓફ ગ્લોબલાઈઝેશન. સાદી રીતે પણ સમજીએ… આપણે દાયકાઓથી એવું માનતા હતા કે દુનિયાના દેશો એકબીજા સાથે વેપારથી જોડાયેલા છે, એટલે બધાને એકબીજાની કોઈને કોઈ રીતે જરૂર કે ગરજ હોવાના કારણે યુદ્ધ નહીં થાય. પણ આજે એ જ કનેક્શન સૌથી મોટું હથિયાર બની ગયું છે. રશિયામાં તેલ બળે છે, ભારતમાં રિફાઈન થાય છે અને તેની અસર બ્રિટનના મોંઘા થતા અનાજ અને પેટ્રોલ પર પડે છે. હવે દેશો બંદૂકની ગોળીએ નહીં પણ સપ્લાય ચેઈનથી એકબીજાને પતાવી રહ્યા છે. બેસ્ટ ઉદાહરણ જગત જમાદાર ટ્રમ્પ આપણી સામે હાજરાહજુર છે. ફરી પાછી બ્રિટનની પેલી અનાજ અને ઘરવખરી ભેગી કરવાવાળી વાત પર આવીએ તો બ્રિટનનો અને આજના સમયનો એક જ મંત્ર છે… ડોન્ટ બી સ્કેર્ડ… બી પ્રીપેર્ડ… દુનિયા બદલાઈ રહી છે અને આ બદલાવ બહુ જલદી આપણા ઘરના દરવાજા સુધી પણ પહોંચી શકે એવો છે. અને છેલ્લે… યુક્રેન યુદ્ધમાં માત્ર નામ જ યુક્રેનનું છે, બાકી હથિયારો, ગાઇડન્સ સિસ્ટમ, અને લોજિસ્ટિક્સ બધું અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન જેવા પશ્ચિમી દેશો જ પૂરા પાડી રહ્યા છે. જેમ પાકિસ્તાનનો ઉપયોગ અમેરિકાએ ટોઈલેટ પેપરની જેમ કર્યો તેમ યુક્રેનનો ઉપયોગ પશ્ચિમી દેશો વેપન પ્લેટફોર્મની રીતે કરી રહ્યા છે જેથી તેમને સીધી રીતે રશિયા સાથે બથોબથ ન આવવું પડે. સામેની બાજુ અત્યાર સુધીમાં તો રશિયાએ પણ સીધી રીતે બ્રિટન પર હુમલા નથી કર્યા માત્ર હાઈબ્રિડ હુમલાઓ જ ચાલુ છે. પણ જો ન્યૂક્લિયર હુમલો થાય તો આ પરિસ્થિતિ ક્યાં પહોંચશે તેનો અંદાજ કોઈ નહીં લગાવી શકે અને તેનાથી જે વિનાશ થશે તે દુનિયાને કેટલો પાછળ ધકેલી દેશે તેના માટે જર્મનીનો ઈતિહાસ ઉપાડીને જોવો પડશે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)

Leave A Comment