ભારતીય મહિલા ટીમ લૉરિયસ એવોર્ડ માટે નોમિનેટ:વર્લ્ડ ચેમ્પિયન ઈન્ડિયન ટીમનો ઇંગ્લેન્ડ અને PSG સામે મુકાબલો

Last Updated: March 4, 2026By

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઑફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સે મંગળવારે તેની જાહેરાત કરી. આ નોમિનેશન ટીમના પ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ અને આખા વર્ષના પ્રદર્શનના આધારે મળ્યું છે. સ્પેનના મેડ્રિડ સ્થિત સિબેલ્સ પેલેસમાં યોજાનાર આ ભવ્ય સમારોહમાં દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ એકઠા થશે. વિજેતાઓની પસંદગી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમી કરશે. વુમન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો
ટીમે 2025માં મુંબઈમાં રમાયેલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મહિલા વન-ડે ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ કર્યો. ત્યારબાદ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો. ગ્રુપ સ્ટેજમાં સતત ત્રણ હાર પછી ટીમે વાપસી કરી અને ત્રીજીવાર ફાઇનલમાં પહોંચીને ટ્રોફી પોતાના નામે કરી. ટીમ ઈન્ડિયા સાથે પાંચ ટીમ રેસમાં
આ વર્ષે વર્લ્ડ ટીમ ઓફ ધ યર કેટેગરીમાં ભારત સાથે પાંચ અન્ય ટીમ દોડમાં છે. તેમાં ઇંગ્લેન્ડ મહિલા ફૂટબોલ ટીમ, યુરોપિયન રાઇડર કપ ટીમ, મેકલેરન ફોર્મ્યુલા 1 ટીમ, ઓક્લાહોમા સિટી થન્ડર અને પેરિસ સેન્ટ જર્મનનો સમાવેશ થાય છે. સચિન, નીરજ અને રિષભ પંત પછી હવે મહિલા ટીમનો વારો
લોરિયસ એવોર્ડમાં ભારતીય ક્રિકેટની આ ત્રીજી હાજરી છે. આ પહેલા સચિન તેંડુલકરને 2020માં સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ મળ્યો હતો. રિષભ પંતને ગયા વર્ષે કમબેક ઓફ ધ યર કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. નીરજ ચોપરાને 2022માં બ્રેકથ્રુ ઓફ ધ યર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કર્યો હતો. આ ઉપરાંત 2019માં વિનેશ ફોગાટને પણ શોર્ટલિસ્ટ કરી હતી. સ્પોર્ટ્સમેન ઓફ ધ યરની રેસમાં અલ્કારેઝ અને જૈનિક સિનર પણ રેસમાં
મેન્સ કેટેગરીના સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડમાં ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારેઝ અને જૈનિક સિનર વચ્ચે મુકાબલો છે. જ્યારે, ફૂટબોલ સ્ટાર ઉસ્માન ડેમ્બેલે અને મોટો જીપી ચેમ્પિયન માર્ક માર્ક્વેઝ પણ રેસમાં છે.
વુમન્સ કેટેગરીમાં બાર્સેલોનાની ફૂટબોલર એતાના બોનમતી સતત ત્રીજી વખત નોમિનેટ થઈ છે. તેની સાથે એથ્લેટિક્સ સ્ટાર મેલિસા જેફરસન અને સ્વિમિંગ લિજેન્ડ કેટી લેડેકી પણ દોડમાં સામેલ છે.