ભારતીય મહિલા ટીમ 17 રનથી બીજી T20 હારી:ઓસ્ટ્રેલિયા સામે 7 રનની અંદર 6 વિકેટ ગુમાવી; સિરીઝ 1-1 થી બરાબરી પર
ઓસ્ટ્રેલિયાએ ઈન્ડિયા વુમન્સને 17 રનથી બીજી T20 હરાવી દીધી. ગુરુવારે કેનબેરામાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 163 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી. ઓસ્ટ્રેલિયા માટે જ્યોર્જિયા વોલે સૌથી વધુ 88 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી. વોલે મૂની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 128 રન જોડ્યા અને ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો. ઓસ્ટ્રેલિયન ઓપનર્સે ભારતને બેકફૂટ પર ધકેલ્યું ભારતે ટૉસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવા બોલાવ્યું. ઓસ્ટ્રેલિયાને બંને ઓપનર્સ જ્યોર્જિયા વોલ અને બેથ મૂનીએ સારી શરૂઆત અપાવી. બંનેએ 100+ રનની ભાગીદારી કરતા પ્રથમ વિકેટ માટે 128 રન જોડ્યા. 15મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવ્યા વિના 128 રન બનાવી લીધા હતા. એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા 180 કે 190ના સ્કોર સુધી પહોંચી શકે છે, પરંતુ તે પછી ભારતીય બોલરોએ વાપસી કરતા ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે 163 રનના સ્કોર પર રોકી દીધું. ઓસ્ટ્રેલિયા તરફથી વોલે 57 બોલમાં 88 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. જ્યારે મૂનીએ 39 બોલમાં 46 રન બનાવ્યા. ભારત માટે અરુંધતિ રેડ્ડીએ સૌથી વધુ 2 વિકેટ લીધી. જ્યારે રેણુકા ઠાકુરને 1 વિકેટ મળી. ઓસ્ટ્રેલિયાની બે બેટર્સ રન-આઉટ થઈ. ભારતીય ઇનિંગ્સ સારી શરૂઆત બાદ પાટા પરથી ઉતરી
164 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ઝડપી શરૂઆત કરી. બંને ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના 54 રન બનાવ્યા. ભારતે સાતમી ઓવરમાં 57 રન પર શેફાલીની વિકેટ ગુમાવી અને 10મી ઓવર સુધીમાં સ્કોર 71 રન પર 3 વિકેટ થઈ ગયો. કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી, પરંતુ આ ભાગીદારી તૂટતા જ ભારતે આગામી 7 રનની અંદર 6 વિકેટ ગુમાવી દીધી. હરમન 36 રન બનાવ્યા
ભારત માટે કેપ્ટન હરમનપ્રીતે સૌથી વધુ 36 રનની ઇનિંગ રમી. જ્યારે સ્મૃતિએ 31 અને શેફાલીએ 29 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે એશ્લે ગાર્ડનરે સૌથી વધુ 3 વિકેટ લીધી. તેના સિવાય કિમ ગાર્થ, એનાબેલ સધરલેન્ડ અને સોફી મોલેન્યુએ 2-2 વિકેટ લીધી. ભારતે પહેલી T20 જીતી, જ્યારે ઓસ્ટ્રેલિયાના નામે બીજો T20 રહી. સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ 21 ફેબ્રુઆરીએ એડિલેડ સ્ટેડિયમમાં રમાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

