ભારત-યુરોપિયન યુનિયનમાં પ્રજાસત્તાક દિવસ પર વેપાર કરાર શક્ય:EU કમિશન ચીફ બોલ્યા– આ 'મધર ઓફ ઓલ ડીલ્સ', ટ્રમ્પ ટેરિફની અસર ઘટાડવાની તૈયારી

Last Updated: January 20, 2026By

યુરોપિયન કમિશનના ચીફ ઉર્સુલા વોન ડેર લેયેને મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર થવા જઈ રહ્યો છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 200 કરોડ લોકો માટે નવું બજાર બનાવશે, જે વૈશ્વિક GDPના લગભગ 25 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરશે. ઉર્સુલાએ દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો. તેઓ 25 થી 27 જાન્યુઆરી સુધી ભારતની મુલાકાતે રહેશે અને 27 જાન્યુઆરીએ યોજાનારી ભારત-EU સમિટમાં આ કરાર પૂર્ણ થવાની જાહેરાત કરવામાં આવી શકે છે. ઉર્સુલાએ કહ્યું- હું ભારત જઈ રહી છું. હજુ થોડું કામ બાકી છે, પરંતુ અમે એક ઐતિહાસિક કરારની આરે છીએ. આ ડીલ યુરોપને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અને સૌથી ગતિશીલ દેશ ભારત સાથે વેપાર કરવાનો ફર્સ્ટ-મૂવર એડવાન્ટેજ (પ્રથમ મોટી તક) આપશે. કરારથી શું ફાયદો થશે આ મુક્ત વેપાર કરાર (FTA) બંને પક્ષો વચ્ચેના વેપારમાં ઘણો વધારો કરશે. EU સાથેનો વેપાર 2023-24માં $137.41 બિલિયન રહ્યો હતો, આ કરાર પછી બમણો થવાની અપેક્ષા છે. કરારથી માલસામાન અને સેવાઓ પરના ટેરિફ ઘટશે, જેનાથી વેપાર સરળ બનશે. બંને પક્ષો એક સંરક્ષણ કરાર અને 2026-2030 માટેની વ્યૂહાત્મક યોજના પણ જાહેર કરશે. ટ્રમ્પ ટેરિફ વચ્ચે ભારત-EU કરારની જાહેરાત આ કરાર એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓ અને વ્યાપારી પ્રતિબંધોએ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સમસ્યાઓ ઊભી કરી છે. અમેરિકાના ‘ટેરિફ વોર’થી ભારત અને યુરોપિયન યુનિયનના તમામ 27 દેશો પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં, બંને પક્ષોએ પરસ્પર વેપારને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ભારત યુરોપિયન દેશો સાથે કરાર કરીને ભારતીય ઉત્પાદનો વેચવા માટે નવા બજારો શોધી રહ્યું છે. ગણતંત્ર દિવસ પર યુરોપિયન નેતાઓ મુખ્ય અતિથિ હશે આ વખતે ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. 25 થી 27 જાન્યુઆરી દરમિયાન થનારી આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. 19 વર્ષનો લાંબો ઇંતજાર સમાપ્ત થશે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA) નો પ્રથમ પ્રયાસ વર્ષ 2007 માં શરૂ થયો હતો. જોકે, મહત્વાકાંક્ષાઓ અને નિયમોમાં મતભેદને કારણે 2013 માં આ વાટાઘાટો અટકાવી દેવામાં આવી હતી. લગભગ 9 વર્ષના અંતરાલ પછી જૂન 2022 માં ફરીથી વાતચીત શરૂ કરવામાં આવી હતી. હવે 2026 ની શરૂઆતમાં આ ડીલ ફાઇનલ થવા જઈ રહી છે. યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી ચૂક્યું છે ભારત આ પહેલા 24 જુલાઈએ ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો હતો. આનાથી ભારતમાં યુકેની કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તા થશે. લગભગ 3 વર્ષમાં 14 રાઉન્ડની વાતચીત પછી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે ભારતના 99% સામાનને યુકેમાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવામાં આવશે. જ્યારે યુકેના 99% સામાન 3% સરેરાશ ટેરિફ પર આયાત થશે. આનાથી 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.