ભારત-EU ઐતિહાસિક ટ્રેડ એગ્રીમેન્ટ:એન્ટોનિયો કોસ્ટાએ ગર્વથી પોતાનું OCI કાર્ડ બતાવ્યું; કહ્યું- મને મારા ગોવાના મૂળ પર ખૂબ પ્રાઉડ છે

Last Updated: January 27, 2026By

જ્યારે ભારત અને યુરોપિયન યુનિયને (EU) લાંબા સમયથી ચાલી રહેલી ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ કરી, ત્યારે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટાએ એક યાદગાર ક્ષણ સર્જી હતી. તેમણે અચાનક પોતાનું OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ કાઢ્યું અને પોતાના ગોવાના મૂળ વિશે વાત કરી હતી. તેમણે સમજાવ્યું કે આ વાટાઘાટોનો અંત તેમના માટે શા માટે વિશેષ અર્થ ધરાવે છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે EU પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કોસ્ટાએ જણાવ્યું હતું કે, “હું યુરોપિયન કાઉન્સિલનો પ્રમુખ છું, પરંતુ સાથે જ હું ભારતનો ઓવરસીઝ નાગરિક પણ છું. તેથી, તમે કલ્પના કરી શકો છો કે મારા માટે આનું વિશેષ મહત્વ છે. મને મારા ગોવાના મૂળ પર ખૂબ ગર્વ છે, જ્યાંથી મારા પિતાનો પરિવાર આવ્યો હતો. યુરોપ અને ભારત વચ્ચેનું આ જોડાણ મારા માટે વ્યક્તિગત વિષય છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આજે અમે અમારી વ્યાપાર વાટાઘાટો પૂર્ણ કરી છે. આ પ્રક્રિયાને મેં મે 2021માં મારા અગાઉના હોદ્દા દરમિયાન હોસ્ટ કરેલી બેઠકમાં ફરી શરૂ કરી હતી. આપણી આ સમિટ વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપે છે. જ્યારે વૈશ્વિક વ્યવસ્થા મૂળભૂત રીતે બદલાઈ રહી છે, ત્યારે યુરોપિયન યુનિયન અને ભારત વ્યૂહાત્મક અને વિશ્વસનીય ભાગીદારો તરીકે સાથે ઉભા છે. આજે અમે અમારી ભાગીદારીને આગલા સ્તર પર લઈ જઈ રહ્યા છીએ.” ગોવા સાથેનો સંબંધ અને ‘બાબુશ’ ઉપનામ
કોસ્ટાનો પરિવાર ગોવામાં મૂળ ધરાવે છે, જે અગાઉ પોર્ટુગીઝ વસાહત હતી. તેમના દાદા ત્યાં જન્મેલા અને મોટાભાગનું જીવન ત્યાં જ વિતાવ્યું હતું. પોર્ટુગલના પૂર્વ વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા આજે પણ તેમના કોંકણી ઉપનામ ‘બાબુશ’ તરીકે જાણીતા છે. તેમના પિતા ઓર્લાન્ડો દા કોસ્ટા એક જાણીતા લેખક હતા અને તેમના સાહિત્યિક કાર્યોમાં ગોવાની સ્પષ્ટ અસર જોવા મળે છે. વર્ષ 2017માં જ્યારે કોસ્ટા પોર્ટુગલના વડાપ્રધાન તરીકે કાર્યરત હતા, ત્યારે PM નરેન્દ્ર મોદીએ તેમને ‘ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા’ (OCI) કાર્ડ અર્પણ કર્યું હતું. તે સમયે પીએમ મોદીએ તેમને “વિશ્વભરના ભારતીય ડાયસ્પોરાના શ્રેષ્ઠ પ્રતિનિધિ” તરીકે ઓળખાવ્યા હતા. જાન્યુઆરી 2017ની ભારત મુલાકાત દરમિયાન તેમને ‘પ્રવાસી ભારતીય સન્માન’ એવોર્ડ પણ મળ્યો હતો. ભારત-EU વેપાર કરાર: “મધર ઓફ ઓલ ડીલ્સ”
ભારત અને યુરોપિયન યુનિયને બે દાયકાની લાંબી વાટાઘાટો પછી આ વિશાળ વેપાર કરારની જાહેરાત કરી છે, જેને “મધર ઓફ ઓલ ડીલ્સ” કહેવામાં આવી રહ્યો છે. આ કરારથી 2 અબજ લોકોનું એક વિશાળ બજાર બનશે. વડાપ્રધાન મોદી અને EUના વડાઓને આશા છે કે આ સમજૂતી અમેરિકા અને ચીન જેવી વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓના પડકારો સામે રક્ષણ આપશે. યુરોપિયન યુનિયનના જણાવ્યા અનુસાર, આ કરારથી યુરોપિયન નિકાસના લગભગ 97 ટકા સામાન પરની ટેરિફ નાબૂદ થશે અથવા ઘટશે, જેનાથી વાર્ષિક 4 અબજ યુરોની ટેરિફની બચત થશે. PM મોદીએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, “આ ડીલ ભારતના 1.4 અબજ લોકો અને EUના લાખો લોકો માટે ઘણી તકો લાવશે. આ કરાર વૈશ્વિક GDPના 25 ટકા અને વૈશ્વિક વેપારના ત્રીજા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે.” ઉર્સુલા વોન ડેર લેયને આ વિશે જણાવ્યું કે, “યુરોપ અને ભારત આજે ઇતિહાસ રચી રહ્યા છે. અમે બે અબજ લોકોનો ફ્રી ટ્રેડ ઝોન બનાવ્યો છે, જેનાથી બંને પક્ષોને ફાયદો થશે.” કોસ્ટા અને લેયન ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.