મનોજ મુન્તશિરે રહેમાનનું નિવેદન નકાર્યું!:કહ્યું– છેલ્લાં આઠ વર્ષમાં 'પઠાણ'-'જવાન' જેવી ફિલ્મો ₹500 કરોડ ક્લબમાં પહોંચી છે

Last Updated: January 22, 2026By

ઓસ્કર વિજેતા મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાનના તાજેતરના નિવેદન પર ગીતકાર મનોજ મુન્તશિર અને સંગીતકાર મિથુને રહેમાનના વિચારો સાથે અસહમતિ દર્શાવતા કહ્યું છે કે- તેમને ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં ધર્મ કે જાતિના આધારે ભેદભાવ અનુભવાયો નથી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મનોજ મુન્તશિરે કહ્યું કે- એ.આર. રહેમાન પર આખા દેશને ગર્વ છે અને તે એક વિશાળ વિચાર અને મોટા દિલવાળા કલાકાર છે. તેણે કહ્યું, “હું રહેમાન સાહેબનું ખૂબ સન્માન કરું છું, પરંતુ તેના આ નિવેદન સાથે સહમત નથી કે ઇન્ડસ્ટ્રીમાં ધર્મ કે જાતિના આધારે ભેદભાવ થાય છે. છેલ્લા 10–12 વર્ષમાં મારો અનુભવ આવો રહ્યો નથી.” તેણે આગળ કહ્યું કે- જે આઠ વર્ષની વાત કરવામાં આવી રહી છે, તે જ સમયગાળામાં ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી ફિલ્મો 500 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું. મનોજે કહ્યું કે જે ઇન્ડસ્ટ્રીમાં જાવેદ અખ્તર, સાહિર લુધિયાનવી, મજરુહ સુલતાનપુરી અને નૌશાદ જેવા દિગ્ગજો રહ્યા હોય, ત્યાં ભેદભાવની વાત સમજની બહાર છે. મનોજ મુન્તશિરે એમ પણ કહ્યું કે ‘છાવા’ જેવી ફિલ્મ, જે વીર સંભાજી મહારાજ પર આધારિત છે, તેનું સંગીત એ.આર. રહેમાને જ આપ્યું છે અને આવનારી ‘રામાયણ’નું સંગીત પણ તેઓ જ તૈયાર કરી રહ્યા છે, તો કૃપા કરીને મને એ સમજવામાં મદદ કરો કે આખરે જાતિ, ધર્મ અને મઝહબના નામે તેમની સાથે ભેદભાવ કેવી રીતે થઈ રહ્યો છે? સંગીતકાર મિથુને પણ રહેમાનના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે વ્યક્તિગત રીતે તેમની પાસેથી ઘણી પ્રેરણા લીધી છે. મિથુને કહ્યું, “મેં જોયું છે કે જ્યારે રહેમાન સર પોતાની શ્રદ્ધા અને ઓળખ સાથે મંચ પર પ્રસ્તુતિ આપે છે, ત્યારે દરેક ધર્મ અને સંસ્કૃતિના લોકો તેને સન્માન અને પ્રેમ આપે છે.” તેણે કહ્યું કે તેની આસપાસ કોઈએ પણ ક્યારેય રહેમાનને લઈને કોઈ પ્રકારના ભેદભાવની વાત ઉઠાવી નથી. શું હતું એઆર રહેમાનનું નિવેદન? એ.આર. રહેમાનને તાજેતરમાં બીબીસી નેટવર્કના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘શું 1990ના દાયકામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતી વખતે તમને કોઈ પ્રકારના પૂર્વગ્રહનો સામનો કરવો પડ્યો હતો?’ આના પર રહેમાને કહ્યું કે, ‘કદાચ તે સમયે મેં આવું ક્યારેય અનુભવ્યું ન હતું, પરંતુ છેલ્લા 8 વર્ષમાં પરિસ્થિતિઓ બદલાઈ છે. પાવર શિફ્ટ થયો છે. હવે નિર્ણય લેવાની શક્તિ એવા લોકોના હાથમાં છે, જેઓ રચનાત્મક નથી. ઘણી વાર મને બીજાઓ પાસેથી સાંભળવા મળે છે કે, તમને કોઈ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં મ્યુઝિક કંપનીએ પોતાના મનપસંદ કમ્પોઝરને કામ આપી દીધું. શક્ય છે કે આ કોઈ સાંપ્રદાયિક મામલો પણ રહ્યો હોય, પરંતુ મારી સામે આવું ક્યારેય બન્યું નથી.’ જાવેદ અખ્તર, શાન, શોભા ડેએ નિવેદનની ટીકા કરી જાવેદ અખ્તરે રહેમાનના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો. ‘આઈએનએસ’ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, ‘મને ક્યારેય એવું લાગ્યું નથી. હું મુંબઈમાં રહું છું, બધાંને મળું છું. રહેમાનને ખૂબ સન્માન મળે છે.’ જાવેદ અખ્તરનું માનવું છે કે, રહેમાન પશ્ચિમમાં વ્યસ્ત રહે છે, શો કરે છે, તેથી નિર્માતાઓ તેમનો સંપર્ક કરવામાં ખચકાય છે. તેમણે કહ્યું, ‘ઓસ્કર વિજેતા જેવી મહાન હસ્તી પાસે નાના નિર્માતાઓ સંકોચ અનુભવતા હશે. આમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.’ કંગના રહેમાનના નિવેદન પર ભડકી ગઈ હતી એ.આર. રહેમાનના આ નિવેદન પર જાવેદ અખ્તર પછી હવે કંગના રનૌત પણ ભડકી ઉઠી હતી. એક્ટ્રેસે કહ્યું, ‘હું ઇચ્છતી હતી કે એ.આર. રહેમાન મારી ફિલ્મ ‘ઇમરજન્સી’નું નરેશન કરે, પરંતુ તેમણે એવું કહીને ઇનકાર કરી દીધો કે, તેઓ કોઈ પ્રોપગેન્ડા ફિલ્મનો ભાગ બનવા માંગતા નથી.’ વિવાદ વધતા હવે એ.આર. રહેમાને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, તે કોઈને દુઃખ પહોંચાડવા માંગતા ન હતા. કંગનાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રહેમાનનું નિવેદન પોસ્ટ કરીને લખ્યું હતું- પ્રિય એઆર રહેમાનજી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને ખૂબ ભેદભાવ અને પક્ષપાતનો સામનો કરવો પડે છે, માત્ર એટલા માટે કે હું એક કેસરિયા પાર્ટીને સમર્થન કરું છું. પરંતુ મારે કહેવું જ પડશે કે, તમારાથી વધુ પૂર્વાગ્રહી અને નફરતથી ભરેલો માણસ મેં આજ સુધી જોયો નથી. આગળ કંગનાએ લખ્યું હતું, ‘મારી ખૂબ જ ઈચ્છા હતી કે તમે મારી ડિરેક્શનની ફિલ્મ ‘ઈમરજન્સી’ માટે નરેશન આપો, પરંતુ તમે મને મળવાની પણ ના પાડી દીધી. મને કહેવામાં આવ્યું કે તમે કોઈ ‘પ્રોપગેન્ડા ફિલ્મ’નો ભાગ બનવા માંગતા નથી. આશ્ચર્યની વાત એ છે કે, ‘ઈમરજન્સી’ને બધાં વિવેચકોએ એક ઉત્તમ ફિલ્મ ગણાવી. અહીં સુધી કે વિરોધ પક્ષોના નેતાઓએ પણ મને પત્રો મોકલીને ફિલ્મની પ્રશંસા કરી, ખાસ કરીને તેના સંતુલિત અને સંવેદનશીલ દૃષ્ટિકોણ માટે. પરંતુ તમે તમારી નફરતમાં અંધ થઈ ગયા છો. મને તમારા માટે અફસોસ થાય છે.’ આ ઉપરાંત, કંગના રનૌતે એક અન્ય પોસ્ટ કરીને લખ્યું છે, ‘એ.આર. રહેમાન જી, દરેકની જિંદગીમાં પોતાની લડાઈઓ હોય છે. ફિલ્મોની વાત છોડો, મોટા-મોટા ડિઝાઇનરો, જે ક્યારેક મને પોતાનું કલેક્શન લોન્ચ કરવા માટે ‘ફ્રી ફંડ’ જેવા કેમ્પેનમાં આજીજી કરતા હતા અને પોતાને મારા સૌથી સારા મિત્ર ગણાવતા હતા, પછી મારા સ્ટાઈલિસ્ટને કપડાં આપવાની ના પાડી દેતા હતા. પછી તેમણે મારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું અને મારા વિશે પોસ્ટ કરવાનું પણ. પરંતુ એક ઘટના હું ક્યારેય ભૂલી શકતી નથી.’