'મારી માતા સમાન છે, થોડીક તો શરમ કરો':શ્વેતા તિવારી સાથે લગ્નની ચર્ચા પર વિશાલ સિંહ ભડક્યો, કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી
તાજેતરમાં ‘કસોટી ઝિંદગી કી’ ફેમ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ટીવી એક્ટર વિશાલ આદિત્ય સિંહ સાથે ત્રીજા લગ્ન લગ્ન કરી લીધા હોવાની વાત ચર્ચાની એરણે ચઢી હતી. આ પોસ્ટ સામે આવતા જ વિશાલ સિંહ ગુસ્સે થયો છે અને તેણે અફવા ફેલાવનારાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે, વિશાલ અને શ્વેતાએ ટીવી શો ‘બેગૂસરાય’ (2015-2016) માં સાથે કામ કર્યું હતું. ત્યારથી બંને વચ્ચે સારી મિત્રતા છે અને વિશાલ શ્વેતાને માતાની જેમ માને છે. ‘હવે વાત ઘણી આગળ વધી ગઈ છે’ ‘ઈટાઈમ્સ’ સાથેની વાતચીતમાં વિશાલે કહ્યું, ‘પહેલા પણ સોશિયલ મીડિયા પર શ્વેતાજી અને મને લઈને અફવાઓ ફેલાઈ હતી, પરંતુ મેં તેમને અવગણી હતી. હવે વાત ઘણી આગળ વધી ગઈ છે. બધાં જાણે છે કે હું તેમને ‘મા’ કહીને બોલાવું છું અને આ માટે કોઈ સ્પષ્ટતાની જરૂર નથી. તો પછી આવી બિનજરૂરી અને વાહિયાત વાતો શા માટે પોસ્ટ કરવામાં આવી રહી છે? હું આવી અફવાઓ ફેલાવનારાઓને ચેતવણી આપી રહ્યો છું. મારે મજબૂરીથી કાયદેસરની કાર્યવાહી કરવી પડશે.’ ‘લોકોએ મારા માતા-પિતાને પૂછવાનું શરૂ કરી દીધું છે’ વિશાલે એમ પણ કહ્યું કે આ પ્રકારની ખોટી માહિતીની અસર માત્ર તે બંને પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તેમના પરિવારો પર પણ પડે છે. તેણે કહ્યું, ‘કોઈના પરિવારને આવા પ્રશ્નોના જવાબ શા માટે આપવા પડે? મારા પરિવારને ખબર છે કે, શ્વેતાજી સાથે મારો સંબંધ કેવો છે અને અમારી આસપાસના લોકો પણ આ જાણે છે. છતાં પણ, જે લોકો સત્ય જાણે છે, તેમણે પણ મારા માતા-પિતાને પૂછવાનું શરૂ કરી દીધું કે, શું આ સાચું છે? આ ખૂબ જ પરેશાન કરનારું છે.’ ‘મારે વારંવાર અમારા સંબંધોની સફાઈ આપવી પડે છે’ શ્વેતા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા વિશાલે કહ્યું, ‘અમારી મિત્રતા ખૂબ જ ઊંડી અને સન્માનથી ભરેલી છે. તે મારા માટે માતા, બહેન, માસી અને મિત્ર- બધું જ છે. હું મારા જીવનની દરેક વાત તેમને ખૂલીને કહી શકું છું, કારણ કે તે મને સમજે છે. મને સૌથી વધુ પરેશાની એ વાતથી થાય છે કે, મારે વારંવાર દુનિયાને અમારા સંબંધોની સફાઈ આપવી પડે છે.’ અગાઉ લગ્નના ફેક ફોટો વાયરલ થયો હતો આ પહેલીવાર નથી, જ્યારે આવી અફવાઓ સામે આવી હોય. વર્ષ 2024માં પણ શ્વેતા અને વિશાલના ફેક લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ અંગે વિશાલે કહ્યું, ‘હવે બહુ થયું. જો આ બધું આગળ પણ ચાલતું રહેશે, તો જે લોકો ખોટી અને બદનામ કરતી વાતો ફેલાવી રહ્યા છે, તેમને જવાબદાર ઠેરવવામાં આવશે. માત્ર એટલા માટે કે અમે પબ્લિક ફિગર છીએ, તેનો અર્થ એ નથી કે અમારા વિશે પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવે.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

