રાજકોટમાં બીજા જ દિવસે પંજાબ સામે સૌરાષ્ટ્ર જીત્યું:કેપ્ટન ગિલ ફ્લોપ સાબિત થયો, જાડેજાએ મેચમાં 53 રન સાથે 2 વિકેટ લીધી; પાર્થ ભૂતે મેચમાં 10 વિકેટ ઝડપી

Last Updated: January 23, 2026By

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ-Cમાં ગઈકાલે પંજાબ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી મેચ શરૂ થઈ હતી. જેમાં પ્રથમ સૌરાષ્ટ્રએ 172 રન બનાવી ઓલઆઉટ થતા સામે પંજાબ ટીમને પણ માત્ર 139 રનમાં પેવેલિયન તરફ ધકેલી દેવામાં સૌરાષ્ટ્રના બોલરોને સફળતા મળી હતી. જયારે આજે બીજા દિવસે સૌરાષ્ટ્રએ 286 રન બનાવ્યા હતા અને ટીમ પંજાબ માત્ર 125 રનમાં ઓલઆઉટ થઈ જતા પંજાબ સામે સૌરાષ્ટ્ર ટીમે શાનદાર જીત સાથે 194 રનથી જીત મેળવી હતી. બન્ને ઇનિંગ દરમિયાન કુલ 10 વિકેટ સાથે પાર્થ ભૂતને મેન ઓફ ધ મેચ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ રાજકોટમાં સુપર ફ્લોપ સાબિત થયો હતો. બે ઇનિંગમાં માત્ર 14 રન બનાવ્યા હતા. તેને બન્ને ઇનિંગ્સમાં પાર્થે જ આઉટ કર્યો. તો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 53 રન બનાવી બે વિકેટ મેળવી હતી. આ જીત સાથે જ સૌરાષ્ટ્રની ટીમ ગ્રૂપ-Bમાં બીજા સ્થાને આવી ગઈ છે. ટીમના 2 જીત અને 4 ડ્રો સાથે હવે ટોટલ 19 પોઇન્ટ્સ થઈ ગયા છે. સૌરાષ્ટ્રનો સામનો હવે 29 જાન્યુઆરીથી ચંદીગઢમાં ચંદીગઢ સામે થશે. પ્રેરક માંકડ-રવીન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્રને મહત્ત્વની લીડ અપાવી
આજે બીજા દિવસે સૌરાષ્ટ્રે પોતાનો બીજો દાવ 3 વિકેટ ગુમાવીને 24 રનના સ્કોર પર ચાલુ કર્યો હતો. સૌરાષ્ટ્રએ 58.5 ઓવરમાં 286 રન બનાવ્યા હતા. જેમાં ઓલરાઉન્ડર પ્રેરક માંકડે 41 બોલમાં 56 રન બનાવ્યા હતા. તો રવીન્દ્ર જાડેજાએ 44 બોલમાં 46 રન બનાવ્યા હતા. જેની સામે પંજાબની ટીમ પોતાના બીજા દાવમાં 39 ઓવરમાં 125 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. જેમાં સતત બીજા દિવસે પાર્થ ભૂતે 10 ઓવરમાં 4 મેઇડન્સ સાથે માત્ર 8 રન આપી 5 વિકેટ મેળવી બે દિવસમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કર્યો હતો. તેનો સાથી ધર્મેન્દ્ર જાડેજાએ પણ પંજાબની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. કોણ છે પાર્થ ભૂત?
પાર્થ ભૂત એક ડાબોડી સ્પિનર ​​છે જેણે 2019માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ગુજરાતના જૂનાગઢનો રહેવાસી છે અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. પાર્થ માટે ક્રિકેટર બનવું સરળ ન હતું, કારણ કે તેના સ્થાનિક નિવાસસ્થાનમાં એકેડેમીની સુવિધાઓનો અભાવ હતો અને તેનો પરિવાર આર્થિક રીતે સધ્ધર પણ ન હતો. પાર્થે સૌરાષ્ટ્ર માટે 21 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં 66 વિકેટ લીધી છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી કુલ સાત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે એક સદી અને એક અડધી સદી પણ નોંધાયેલી છે. મેચના પહેલા જ દિવસે કુલ 23 વિકેટ પડી હતી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ-Cમાં આજે સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાઈ રહી છે. જેમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ પહેલી ઇનિંગમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જવાબમાં પંજાબ ટીમ પણ ટકી શખી નહોતી અને માત્ર 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ સૌરાષ્ટ્રને પહેલી ઇનિંગમાં 33 રનની લીડ મળી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…