રાજેશ ખન્નાની હીરોઈન પરિવાર સાથે અચાનક ગુમ થઈ:એક વર્ષ પછી જમીનમાંથી મળ્યા 6 હાડપિંજર, આતંકી બ્લાસ્ટના લીધે ખૂલ્યું કાળજું કંપાવનારું રહસ્ય
રાજેશ ખન્નાની ફિલ્મ ‘વફાઃ અ ડેડલી લવ સ્ટોરી’ ફેમ એક્ટ્રેસ લૈલા ખાન પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા ઇગતપુરી ફાર્મહાઉસ ગઈ હતી. પરંતુ પછી અચાનક તે અને તેનો આખો પરિવાર ગુમ થઈ ગયો. એક વર્ષની શોધખોળ બાદ ખોદકામ થયું, તો તેમના હાડપિંજર બરાબર તે જ જગ્યાએ મળ્યા, જ્યાંથી તેઓ ગુમ થયા હતા. બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સના કેસ-1ના પાર્ટ-1માં વાંચો એક્ટ્રેસ લૈલા ખાન અને તેના પરિવારની ગુમશુદગી, હત્યા અને શોધની કહાણી- મુંબઈથી 150 કિલોમીટર દૂર તે ઇગતપુરી ફાર્મહાઉસ…. ફેબ્રુઆરી 2011ની વાત છે, રજાઓ ગાળવા આખો પરિવાર સાથે જઈ રહ્યો હતો. મજાક-મસ્તીનું વાતાવરણ હતું, બધાએ ફાર્મહાઉસમાં થનારા મનોરંજન, ગીતો અને કંઈક ને કંઈક કરવાનું પહેલેથી જ મન બનાવી લીધું હતું. ઘરના 7 લોકો લૈલા, લૈલાની માતા સેલિના, બહેનો ઝારા, આફરીન (અઝમીના), કઝિન રેશમા અને ભાઈ ઇમરાન અને સાવકા પિતા પરવેઝ ટાક 2 ગાડીઓમાં ભરીને ફાર્મહાઉસ માટે રવાના થયા. લૈલાની માતાએ પહેલા પતિને તલાક આપ્યા વિના જ બીજા લગ્ન કરી લીધા લૈલાની માતા સેલિના ખૂબ જ મોડર્ન હતી. તેમણે પોતાને એવી રીતે મેન્ટેન કરી રાખી હતી કે, તે લૈલાની માતા ઓછી અને મોટી બહેન વધારે લાગતી હતી. તેમનું સાચું નામ આમ તો અથિયા પટેલ હતું, પરંતુ મોડર્નાઇઝેશનના સમયમાં તેમણે નામ બદલીને સેલિના કરી લીધું. પહેલા લગ્ન તેમના નાદિર પટેલ સાથે થયા, જેનાથી તેમને એક દીકરી લૈલા થઈ. મુંબઈ જેવા મોટા શહેરમાં જ્યારે નાદિર પટેલ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું, ત્યારે તેઓ નોકરીની શોધમાં સાઉથ આફ્રિકા ચાલ્યા ગયા. જલદી જ સારી નોકરી મળી ગઈ અને નાદિર ત્યાં જ સ્થાયી થઈ ગયા. સેલિના મુંબઈમાં દીકરી લૈલા સાથે એકલા જ રહ્યાં. દર મહિનાની શરૂઆતમાં નાદિર તેમને ખર્ચ આપી દેતા હતા. ઈદ-દિવાળીમાં નાદિર મુંબઈ આવતા હતા અને એક-બે દિવસ રોકાઈને પાછા જતા રહેતા. આશરે 1988ની વાત છે, જ્યારે પતિની ગેરહાજરીમાં સેલિનાની નિકટતા મુંબઈના મીરા રોડમાં રહેતા આસિફ શેખ સાથે વધવા લાગી. આસિફના પણ તલાક (છૂટાછેડા) થઈ ગયેલા હતા અને એકલા રહેતા હતા. એકલતાથી કંટાળી ગયેલી સેલિનાએ પહેલા પતિને તલાક (છૂટાછેડા) આપ્યા વિના જ આસિફ શેખ સાથે બીજા લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને ત્રણ બાળકો ઝારા, ઇમરાન અને આફરીન (અઝમીના) થયા. લૈલાની માતાએ કાશ્મીરના પરવેઝ સાથે ત્રીજા લગ્ન કર્યાં સમય જતાં સેલિના અને આસિફ વચ્ચે પણ મતભેદ થવા લાગ્યા અને બંનેએ તલાક લીધા. કેટલાક વર્ષો સુધી એકલા રહ્યા પછી, 2010માં સેલિનાએ કાશ્મીરના પરવેઝ ટાક સાથે ત્રીજા લગ્ન કર્યાં. પરવેઝ ઉંમરમાં સેલિનાથી ઘણા નાના હતા, તેમ છતાં તેમના સંબંધો પર કોઈ અસર થઈ નહીં. સમય જતાં લૈલાના પરિવારે પરવેઝને અપનાવી લીધો અને તે તેમના ઘરનો મહત્વનો ભાગ બની ગયો. ‘લૈલા મારા પૈસા લઈને ભાગી તો નથી ગઈ ને?’ ફેબ્રુઆરી 2011માં જ્યારે લૈલાનો પરિવાર ઇગતપુરી ફાર્મહાઉસ ગયો, ત્યારે પરવેઝ ટાક પણ તેમની સાથે હતા. ફિલ્મ ‘જિન્નાત’નું અડધું શૂટિંગ થઈ ચૂક્યું હતું અને લૈલા રજાઓમાંથી પાછા ફરીને ફિલ્મ પૂરી કરવાની હતી. આ વાત તેણે પહેલા જ ડિરેક્ટર-પ્રોડ્યુસર રાકેશ સાવંતને જણાવી દીધી હતી. ફેબ્રુઆરી 2011ના મધ્યમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું. ડિરેક્ટર રાકેશ સાવંતે જ્યારે ડેટ્સ કન્ફર્મ કરવા માટે લૈલાને ફોન કર્યો, ત્યારે નંબર બંધ હતો. તેમને લાગ્યું કે નેટવર્કની સમસ્યા હશે, પરંતુ પછી એક-એક દિવસ કરીને અઠવાડિયા વીતવા લાગ્યા અને પછી આખો મહિનો વીતી ગયો. રાકેશ સાવંત ગુસ્સે થવા લાગ્યા. શૂટિંગ ટળતું જઈ રહ્યું હતું. પૈસા અટકાવા લાગ્યા હતા અને મોટા નુકસાનની આશંકા હતી. રાકેશ સાવંતના મનમાં હવે એક પ્રશ્ન ઉઠ્યો- ‘ક્યાંક લૈલા મારા પૈસા લઈને ભાગી તો નથી ગઈ?’ રાકેશે ન આવ જોયું ન તાવ, તે સીધા લૈલાના સરનામે પહોંચ્યા. રાકેશ અને લૈલા એક જ સનશાઇન બિલ્ડિંગના ફેઝ-4માં રહેતા હતા, જ્યારે લૈલા 6 નંબર પર રહેતી હતી. તેમને ઘરે જવું યોગ્ય ન લાગ્યું, તેથી તેઓ સીધા બિલ્ડિંગના સેક્રેટરી પાસે પહોંચ્યા. તેમણે સેક્રેટરીને કહ્યું- ‘મારે લૈલાને મળવું છે.’ ‘કોઈ કોન્ટ્રાક્ટ નહીં, લૈલા તો વિદેશમાં છે’ તેઓ વાત પૂરી કરી શક્યા, ત્યાં જ પાછળથી એક અવાજ આવ્યો, ‘તમે કોણ?’ રાકેશ પાછા ફર્યા તો જોયું, લૈલાના સાવકા પિતા આસિફ શેખ હતા. રાકેશ લૈલાના પરિવારને નજીકથી જાણતા હતા અને દરેક સભ્યથી પરિચિત હતા. આસિફ શેખ નજીક આવ્યા અને ગુસ્સે થતા કહ્યું- ‘અહીંથી નીકળી જાઓ.’ રાકેશે હવે થોડું રોકાઈને કહ્યું, ‘તેણે મારી ફિલ્મ સાઇન કરી છે, મારી પાસે કોન્ટ્રાક્ટ છે?’ જવાબ મળ્યો- ‘કોઈ કોન્ટ્રાક્ટ-વોન્ટ્રાક્ટ નહીં, નીકળો અહીંથી. તે વિદેશમાં છે.’ પ્રોડ્યુસરે પોલીસ ફરિયાદ નોંધાવી રાકેશને આવા જવાબની અપેક્ષા નહોતી, પરંતુ હવે તેમનો ગુસ્સો ચિંતામાં બદલાઈ ગયો. તેઓ સીધા બિલ્ડિંગની સામે આવેલા ઓશિવરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. આખો મામલો જણાવ્યો. કહ્યું- ‘લૈલા મળી રહી નથી, મારે તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવવી છે.’ પોલીસે સીધું કહ્યું- ‘શું તમે તેના લોહીના સંબંધમાં છો? નથી ને. તમે ફરિયાદ નોંધાવી શકતા નથી.’ રાકેશ લૈલાને શોધવા માટે મક્કમ હતા. તેમણે ફરી કોન્ટ્રાક્ટ બતાવ્યો અને કહ્યું, ‘મારા પૈસા ફસાયેલા છે.’ તેમની જીદ પર પોલીસે જવાબ આપ્યો, ‘ઠીક છે, અમે ફરિયાદ નોંધી લઈએ છીએ, જો કોઈ અપડેટ મળશે, તો જણાવીશું.’ માત્ર લૈલા જ નહીં આખો પરિવાર લાપતા હતો પોલીસ ફરિયાદ થઈ તો આ વાત તે સમયના ક્રાઈમ રિપોર્ટર નિશાત શમસી સુધી પણ પહોંચી, પરંતુ કંઈક આ રીતે- ‘જાણીતી હિરોઈન પ્રોડ્યુસરના પૈસા લઈને ભાગી ગઈ.’ નિશાતને વાર્તામાં રસ પડ્યો. જ્યારે તેમણે રિસર્ચ શરૂ કર્યું, ત્યારે સામાન્ય લાગતી આ સ્ટોરી કંઈક મોટી અણધારી ઘટના તરફ ઈશારો કરવા લાગી. નિશાતને જાણવા મળ્યું કે, માત્ર લૈલા ખાન જ નહીં પરંતુ તેનો આખો પરિવાર ઘણા મહિનાઓથી લાપતા છે. ન પરિવારને કોઈએ જોયો, ન કોઈની તેમની સાથે વાત થઈ રહી છે. એક રિપોર્ટર માટે મામલાની ઊંડાણ સુધી જવું મુશ્કેલ હતું, તો તેમણે પોલીસની મદદ લેવાનું વિચાર્યું. તે પણ રાકેશની જેમ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા, પરંતુ જવાબ તે જ મળ્યો- ‘તમે લોહીના સંબંધમાં નથી.’ રિપોર્ટરે લૈલાના પિતાની મદદ માંગી નિશાતે આ વખતે લાંબો રસ્તો અપનાવ્યો. તેણે લાંબી જહેમત બાદ લૈલા ખાનના સાવકા પિતા આસિફ શેખનો નંબર શોધ્યો. આસિફે પોતે મદદ કરવાની ના પાડી દીધી, પરંતુ નિશાતની જીદ પર તેણે લૈલા ખાનના જૈવિક પિતા નાદિર પટેલનો નંબર આપ્યો. નાદિરને ફોન કર્યો, તો તેણે લૈલાનું નામ સાંભળતા જ વાત કરવાની ના પાડી દીધી. નાદિર પરિવારને છોડી ચૂક્યા હતા અને આફ્રિકાના ઇથોપિયામાં નોકરી કરી રહ્યા હતા. નિશાતે જેમ-તેમ વાત સંભાળી અને તેમને જણાવ્યું કે લૈલા અને તેમનો પરિવાર ગુમ છે. તેમના કોઈ સમાચાર નથી. પોલીસ ત્યાં સુધી ફરિયાદ નહીં લખે, જ્યાં સુધી કોઈ સંબંધી આગળ ન આવે. નાદિર પટેલ મદદ તો કરવા માંગતા હતા, પરંતુ એવી તંગી હતી કે તેમની પાસે ભારત આવવા સુધીના પૈસા નહોતા. નિશાતે પોતે તેમના ભારત આવવાની વ્યવસ્થા કરાવી. પછી શરૂ થઈ લૈલા ખાન અને તેમના પરિવારની શોધ જ્યારે આ કેસ મુંબઈ પોલીસ પાસે પહોંચ્યો, ત્યારે તેમણે તેની તરફ ખૂબ જ ઠંડું વલણ અપનાવ્યું. પ્રોડ્યુસર રાકેશ સાવંત પણ પૈસા ડૂબી જવાના ડરથી વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર કાપીને અપડેટ લઈ રહ્યા હતા. એકવાર તો તેમને એમ કહીને કેસથી દૂર રહેવા કહેવામાં આવ્યું કે, ‘લૈલા પાકિસ્તાની હતી, તે આતંકવાદીઓના સંપર્કમાં હતી, દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરતી હતી.’ રાકેશ સાવંતને વારંવાર આ મામલામાં પડતા જોઈને આ કેસની તપાસ સાથે જોડાયેલા પૂર્વ પોલીસ કમિશનરે એમ પણ કહી દીધું,’તમે કેસને શા માટે ગૂંચવી રહ્યા છો? લૈલા એક આતંકવાદી છે. તમારી મૂર્ખતાને કારણે રાખી સાવંતને પણ મુશ્કેલી થશે. તમે આ મામલામાં દખલ ન આપો.’ હવે આ કેટલાક મહિના વર્ષોમાં બદલાઈ ગયા. સમયની સાથે કેસ ઠંડો પડી ગયો. રાકેશ સાવંતે પણ માની લીધું કે, લૈલા પૈસા લઈને ભાગી ગઈ. પરંતુ પછી કંઈક એવું થયું કે, આ કેસ ન માત્ર ચર્ચા આવ્યો, પરંતુ ફિલ્મ જગતનો સૌથી ભયાનક કેસ બની ગયો. જૂન 2012 કાશ્મીરના કિશ્તવાડમાં એક આતંકી બોમ્બ બ્લાસ્ટ થયો. તપાસમાં સામે આવ્યું કે, જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો, ત્યાંથી થોડે દૂર આવેલા ઓમ મહેતા રોડ પરની એક દુકાનમાં એક કાર મળી. કાળા રંગની લક્ઝરી આઉટલેન્ડર કાર પર મહારાષ્ટ્રનો નંબર (MH02BY7867) હતો. પડોશીઓએ એટીએસ ટીમને જણાવ્યું કે, આ કાર લગભગ 8 મહિનાથી અહીં જ છે. ન કોઈએ તેને કાઢી કે ન તેનો ઉપયોગ કર્યો. કાશ્મીર બ્લાસ્ટ અને લૈલાની માતાની કાર રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરી, તો સામે આવ્યું કે કાશ્મીરમાં મળેલી આ કાર લૈલા ખાનની માતા સેલિનાના નામે રજિસ્ટર હતી. લૈલાને પહેલાથી જ આતંકવાદી કહેવામાં આવી રહી હતી, આવા સમયે તેની કારનું એક એવી જગ્યાએ મળવું, જ્યાં આતંકી બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે ખૂબ જ વિચિત્ર હતું. એનાથી પણ વિચિત્ર એ હતું કે, આખો પરિવાર ગુમ હતો. પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક હતો કે, શું આતંકવાદ સાથે સંકળાયેલી લૈલા ખાનનો આ બોમ્બ બ્લાસ્ટમાં હાથ છે, શું લૈલા ખાન સુનિયોજિત ષડયંત્ર હેઠળ પરિવાર સાથે ગુમ થઈ હતી. સંયોગ એ રહ્યો કે, જે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો, પ્રોડ્યુસર રાકેશ સાવંત પણ કાશ્મીરમાં જ શૂટિંગ કરી રહ્યા હતા. એક દિવસ ફારુક અબ્દુલ્લાહ (કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી)એ એક ગેટ-ટુગેધર રાખ્યું. કાશ્મીરના ઘણા મોટા લોકો તેમાં પહોંચ્યા. ત્યારે એક પોલીસ ઓફિસરે રાકેશ સાવંતને નજીક બોલાવીને પૂછ્યું- ‘શું તમે કોઈ લૈલા ખાનને ઓળખો છો? તે બોમ્બેમાં રહે છે, રાજેશ ખન્ના સાથે ફિલ્મ કરી ચૂકી છે.’ રાકેશે તરત કહ્યું, ‘હા, તમે જે ફિલ્મની વાત કરી રહ્યા છો, તે મારી ફિલ્મ છે.’ રાકેશે પોતાની તરફથી આખી વાર્તા કહી અને પોલીસ ઓફિસરે પોતાની. આ સાંભળતા જ રાકેશને કોઈ અણધાર્યા અમંગળનો ભાસ થયો. કલાકો સુધી તપાસ પણ કોઈ કડી હાથ ન લાગી કાશ્મીર પોલીસની તપાસમાં સામે આવ્યું કે, જે દુકાનમાં લૈલા ખાનની કાર મળી હતી, તે પરવેઝ ટાકે 10 મહિના પહેલા ભાડે લીધી હતી. તે દર મહિને ભાડું ભરતો હતો, પરંતુ આવતો ન હતો, તેણે તે દુકાનમાં ફક્ત કાર પાર્ક કરી રાખી હતી. હવે પોલીસને પરવેઝ ટાકની શોધ હતી. જેમ જેમ તપાસ તેજ બની, તેમ તેમ અનેક સ્તર ખુલ્યા. સામે આવ્યું કે પરવેઝ લૈલાના પરિવાર સાથે ઇગતપુરી ફાર્મહાઉસ ગયો હતો, ત્યારથી જ પરિવાર ગુમ છે. લૈલાના ઘરની તલાશીમાં પરવેઝનું વોટર આઈડી કાર્ડ પણ મળ્યું. કારની જાણકારી માટે લૈલા ખાન સુધી પહોંચવું જરૂરી હતું. ક્રાઈમ બ્રાન્ચ પણ કેસની તપાસ કરી રહી હતી. જૂન 2012માં મુંબઈ પોલીસ ટીમ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ફોરેન્સિક ટીમ ઇગતપુરી ફાર્મહાઉસ પહોંચી. કલાકો સુધી તપાસ થઈ, પરંતુ કોઈ કડી હાથ ન લાગી. બીજી તરફ કાશ્મીરથી પરવેઝ ટાકના મિત્રની ધરપકડ થઈ. તેણે પોલીસને મદદ કરી અને પરવેઝને ટ્રેસ કરવામાં મદદ કરી. 12 જૂને આખરે કાશ્મીર બોર્ડર પરથી પરવેઝ ટાકની ધરપકડ કરવામાં આવી. તે પાકિસ્તાન ભાગવાની તકમાં હતો. પરવેઝને ઘણા પ્રશ્નોના જવાબ આપવાના હતા. પહેલો પ્રશ્ન- કાશ્મીરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સાથે તેને શું લેવાદેવા છે? બીજો સૌથી મહત્વનો પ્રશ્ન- લૈલા ખાન અને તેમનો પરિવાર ક્યાં છે? કાશ્મીરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના કેસમાં પરવેઝ ટાકને કોઈ લેવાદેવા નહોતી. પરંતુ લૈલા ખાન વિશે તે ઘણું જાણતો હતો. તેણે પોલીસને એક વિચિત્ર નિવેદન આપ્યું. પહેલા તેણે કહ્યું કે, લૈલા દુબઈ ભાગી ગઈ. પછી કડકાઈથી પૂછપરછ થતાં તેણે કહ્યું કે- લૈલાના પરિવારની એક વર્ષ પહેલા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ સાચું હતું. લૈલા ખરેખર હવે આ દુનિયામાં નહોતી, પરંતુ પરવેઝે સંપૂર્ણ સત્ય જણાવ્યું નહોતું. સત્ય હજુ પણ અધુરું હતું બીજા દિવસે ક્રાઈમ બ્રાન્ચ, મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ તેની નિશાનદેહી પર તે જ ફાર્મહાઉસ પહોંચી. પરવેઝ આગળ ચાલી રહ્યો હતો અને આખી ટીમ તેની પાછળ-પાછળ હતી. પરવેઝ ફાર્મહાઉસની અંદર આવ્યો, ચારે તરફ નજર ફેરવી, થોડીવાર રોકાયો અને પછી પાછળની બાજુથી બહાર આવ્યો. આ વખતે તે ગભરાયેલો હતો. તેણે ધીમેથી એક હાથ ઊંચો કર્યો અને આંગળી વડે જમીન તરફ ઈશારો કર્યો. ઈશારો મળતા જ પોલીસે ખોદકામ શરૂ કર્યું. એક કલાક વીત્યો, 2 અને પછી 3. કંઈ મળ્યું નહીં. પોલીસ 15 ફૂટ સુધી ખોદી ચૂકી હતી, જૂનની ગરમીમાં બધા પરસેવાથી રેબઝેબ હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અંબાદાસ પોતે પણ ખાડામાં ઉતર્યા અને ટીમને ખોદકામ ચાલુ રાખવા કહ્યું. અચાનક તેમની નજર એક વિચિત્ર વસ્તુ પર પડી. જમીનમાં ન જાણે કેટલી વસ્તુઓ દફન હોય છે, પરંતુ તે દ્રશ્ય કંઈક અલગ હતું. નજીક આવીને ધ્યાનથી જોયું, તો તે આંગળી કે અંગૂઠાનું હાડકું હતું. થોડીવારની શાંતિ પછી હલચલ તેજ થઈ ગઈ. હવે બધાએ ઓજારો મૂકી દીધા અને હાથથી માટી હટાવવાનું શરૂ કર્યું. તે કોઈ આંગળી કે અંગૂઠો નહીં પણ આખું હાડપિંજર હતું. જમીનમાં દાટેલા 6 હાડપિંજર મળ્યાં ખોદકામ ઝડપી બન્યું અને 3 હાડપિંજર મળ્યા. હાડકાં પર માંસનો એક ટુકડો પણ નહોતો, ફક્ત કપડાના કેટલાક ચીંથરા હતા. કોઈ હાડપિંજરના ગળામાં ચેન હતી તો કોઈ હાડકાં જેવા કાંડામાં બંગડી હતી. તેની નીચે ફાટેલા-તૂટેલા ગાદલા પણ હતા. જેવા જ તે ગાદલા ઉઠાવવામાં આવ્યા, પોલીસ સામે બીજા 3 હાડપિંજર હતા. એક હાડપિંજરના નીચેના ભાગમાં જીન્સ હતું, જે સડ્યું નહોતું. તેમાં કિલર બ્રાન્ડનો લોગો હતો, જાણે કે તે હાડપિંજર કોઈ છોકરાનું હોય. પાસે એક પ્રાણીનું પણ હાડપિંજર હતું. હાડપિંજરની હાલત એટલી ખરાબ હતી કે, તેમને થેલીઓમાં ભરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા. પરવેઝ બેઠો નહીં, એકીટશે ખોદકામ જોતો રહ્યો. જ્યારે બધા હાડપિંજર નીકળ્યા, ત્યારે તેણે ઈશારામાં રોકાઈ જવા કહ્યું. બસ આટલા જ હાડપિંજર હતા. પણ તે હાડપિંજર કોના હતા? શું તે લૈલા ખાન અને પરિવારના હતા? શું લૈલા ખાનનો પરિવાર હત્યાઓ કરીને ભાગી ગયો હતો? આ બધા પ્રશ્નોના જવાબ જાણો આવતીકાલે શુક્રવારે, 23 જાન્યુઆરીએ, બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સના લૈલા ખાન હત્યાકાંડના પાર્ટ-2માં. જમીન ખોદીને કાઢવામાં આવ્યા એક્ટ્રેસના પરિવારના 6 હાડપિંજર: એક વર્ષ પહેલા કૂતરા સાથે દફનાવ્યા, હત્યારો સંતોષ ન થાય, ત્યાં સુધી માથું કચડતો રહ્યો (નોંધઃ આ સમાચાર લૈલા ખાનની ગુમશુદગીની ફરિયાદ નોંધાવનાર ડિરેક્ટર રાકેશ સાવંત સાથેની વાતચીત, કેસની તપાસ કરી રહેલા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અંબાદાસ પોતેના જૂના ઇન્ટરવ્યુ અને દિવ્ય ભાસ્કરના સિનિયર રિપોર્ટર વર્ષા રાયના સંશોધનના આધારે લખવામાં આવ્યા છે. ) લેખક- ઇફત કુરેશી રિપોર્ટર- વર્ષા રાય
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

