વિશ્વભરમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઊડ્યા:રક્ષામંત્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું એ 'પિત્ઝા હટ' જ નકલી નીકળ્યું, સોશિયલ મીડિયા પર ઊડી મજાક

Last Updated: January 21, 2026By

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ એક વિચિત્ર વિવાદમાં ફસાયા છે. તેમણે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પિત્ઝા હટ બ્રાન્ડવાળા એક આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ થોડા જ કલાકો પછી પિત્ઝા હટ કંપનીએ આ આઉટલેટને નકલી ગણાવ્યું. સોશિયલ મીડિયા પર ઉદ્ઘાટનની તસવીરો અને વીડિયો વાઇરલ થયા પછી પિત્ઝા હટ વિશે પાકિસ્તાને નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું કે આ આઉટલેટ સાથે તેનો કોઈ સંબંધ નથી. વાઇરલ તસવીરો અને વીડિયોમાં ખ્વાજા આસિફ સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં બનેલા આઉટલેટનું રિબન કાપતા જોવા મળી રહ્યા છે. તેમણે હાથમાં કાતર લઈને કેમેરા સામે પોઝ પણ આપ્યો. પિત્ઝા હટએ બ્રાન્ડના ખોટા ઉપયોગનો આરોપ લગાવ્યો પિત્ઝા હટે કહ્યું હતું કે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં ખૂલેલી આ રેસ્ટોરન્ટ પિત્ઝા હટના નામ અને બ્રાન્ડનો ખોટો ઉપયોગ કરી રહી છે. કંપનીએ કહ્યું, આ આઉટલેટ તેની સાથે જોડાયેલું નથી, તે પિત્ઝા હટ ઇન્ટરનેશનલની રેસિપી, ક્વોલિટી પ્રોટોકોલ, ફૂડ સેફ્ટી અને ઓપરેશનલ સ્ટાન્ડર્ડનું પાલન કરતું નથી. કંપનીએ એ પણ જણાવ્યું કે તેણે તેના ટ્રેડમાર્કના દુરુપયોગને રોકવા માટે સંબંધિત અધિકારીઓ પાસે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે અને તેના પર તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. કંપનીના મતે, પાકિસ્તાનમાં હાલમાં તેના કુલ 16 ઑફિશિયલ આઉટલેટ છે. આમાંથી 14 લાહોરમાં અને બે ઇસ્લામાબાદમાં છે. સોશિયલ મીડિયા પર આસિફ મજાકનો ભોગ બન્યા આ મામલો સામે આવતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોએ તેમની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું, “રક્ષામંત્રી ખ્વાજા આસિફે સિયાલકોટમાં એક નકલી પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કર્યું. આ મૂર્ખ વૃદ્ધ લોકો આપણા પર થોપવામાં આવ્યા છે.” અન્ય એક યુઝરે મજાક કરતાં લખ્યું, “જ્યારે પિત્ઝા હટ પોતે જ કહી દે કે આ અમારી સ્લાઇસ નથી.” પિત્ઝા હટના 100થી વધુ દેશોમાં આઉટલેટ દુનિયાની જાણીતી ફૂડ ચેઇન પિત્ઝા હટ એક ઈન્ટરનેશનલ પિત્ઝા રેસ્ટોરન્ટ બ્રાન્ડ છે. આ બ્રાન્ડ પિત્ઝા, પાસ્તાં અને ફાસ્ટ ફૂડ આઇટમ્સ માટે જાણીતી છે અને દુનિયાના 100થી વધુ દેશોમાં એના આઉટલેટ છે. પિત્ઝા હટની શરૂઆત વર્ષ 1958માં અમેરિકાના કેન્સાસ રાજ્યમાં થઈ હતી. તેને બે ભાઈઓ ડેન કાર્ની અને ફ્રેન્ક કાર્નીએ એક નાના પિત્ઝા સ્ટોર તરીકે શરૂ કર્યો હતો, જે પાછળથી ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ. પિત્ઝા હટ અમેરિકાની મોટી ફૂડ કંપની યમ બ્રાન્ડ્સ હેઠળ આવે છે. યમ બ્રાન્ડ્સ પાસે KFC અને ટેકો બેલ જેવી મોટી બ્રાન્ડ્સ પણ છે.