શું ભારત 10મી વખત U-19 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચશે?:સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સામે મેચ; ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી
U-19 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. મેચ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં બપોરે 1 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 12:30 વાગ્યે થશે. આ મેચમાં જીત મેળવનારી ટીમ 6 ફેબ્રુઆરીએ હરારેમાં જ ફાઈનલ રમશે. ભારતીય ટીમ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ રહી છે. ટીમે અત્યાર સુધી પાંચ વખત (2000, 2008, 2012, 2018 અને 2022) ખિતાબ પોતાના નામે કર્યો છે, જ્યારે ચાર વખત ટીમ રનર-અપ પણ રહી ચુકી છે. એવામાં ભારતીય ટીમની નજર 10મી વખત ફાઈનલમાં પહોંચવા પર હશે. ભારત પછી સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા છે, જેણે ચાર વખત અંડર-19 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ હજુ પણ પોતાના પહેલા ટાઇટલની રાહ જોઈ રહી છે અને સેમિફાઈનલમાં જીત મેળવી ઇતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. ભારતે 83.33% મેચ જીતી ભારતનો અફઘાનિસ્તાન સામે હેડ ટુ હેડમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 12 મુકાબલા રમાયા છે, જેમાં ભારતે 10 મેચ પોતાના નામે કરી છે. આ દરમિયાન ટીમની વિનિંગ પર્સન્ટેજ 83.33 ટકા રહી છે. જ્યારે અફઘાનિસ્તાન અંડર-19ને માત્ર 2 મુકાબલામાં જીત મળી છે. કુંડુ ભારતનો ટૉપ સ્કોરર આ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે અભિજ્ઞાન કુંડુએ સૌથી વધુ 5 મેચમાં 199 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 80 રન રહ્યો છે. કુંડુએ 82.23ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. બોલિંગમાં હેનિલ પટેલે કમાલનું પ્રદર્શન કર્યું છે. તેણે 5 મેચમાં 11 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 16 રન આપીને 5 વિકેટનું રહ્યું છે અને તેની ઇકોનોમી 3.72ની છે. પાછલી મેચમાં ઓલરાઉન્ડર કનિષ્ક ચૌહાણે 35 રન બનાવવાની સાથે જ એક વિકેટ પણ લીધી છે. ફૈઝલ ટુર્નામેન્ટનો સેકન્ડ ટૉપ સ્કોરર આ અંડર-19 વર્લ્ડ કપના સેકન્ડ ટૉપ સ્કોરર અફઘાનિસ્તાનનો ફૈઝલ શિનોઝાદા છે. તેણે 5 મેચમાં 325 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 163 રન રહ્યો છે અને તેણે 103.83ની ઝડપી સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. બીજી તરફ બોલિંગમાં નૂરિસ્તાની ઓમરઝઈએ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 5 મેચમાં 12 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 9 રન આપીને 5 વિકેટનું રહ્યું છે અને તેની ઇકોનોમી 3.65ની રહી છે. હાઈ સ્કોરિંગ હોઈ શકે છે મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબની પીચ બેટર્સને સપોર્ટ કરે છે. અહીં બાઉન્સ અને સ્પીડ સારી રહે છે, જેનાથી સ્ટ્રોક રમવું સરળ બની જાય છે. સ્ક્વેર અને સ્ટ્રેટ બાઉન્ડરી થોડી નાની છે, જેનાથી બેટર્સને ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં મદદ મળે છે. આ મેદાન પર ટીમે 5.13ના રન રેટથી રન બનાવ્યા છે, જે વર્તમાન ટુર્નામેન્ટના તમામ પાંચ વેન્યુમાં સર્વાધિક છે. તેથી સેમિફાઈનલ મુકાબલો હાઈ-સ્કોરિંગ થવાની આશા છે. 25% વરસાદની આશંકા 4 ફેબ્રુઆરીએ હરારેમાં હવામાન સામાન્ય રીતે સ્વચ્છ રહેવાની આશા છે, જોકે હળવા વાદળો છવાયેલા રહી શકે છે. તાપમાન 15 થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. મેચ દરમિયાન વરસાદની 25% આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બન્ને ટીમની સંભવિત પ્લઇંગ-11 ભારત (IND): આયુષ મ્હાત્રે (કેપ્ટન), એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), વેદાંત ત્રિવેદી, આર.એસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ અને દીપેશ દેવેન્દ્રન. અફઘાનિસ્તાન (AFG): મહેબૂબ ખાન (કેપ્ટન), ઉસ્માન સાદાત, ખાલિદ અહમદઝઈ, ફૈઝલ શિનોઝાદા, ઉજૈરુલ્લાહ નિયાઝઈ, અઝીઝુલ્લાહ મિયાખિલ, અબ્દુલ અઝીઝ, રૂહુલ્લાહ અરબ, નૂરિસ્તાની ઓમરઝઈ, વહીદુલ્લાહ ઝાદરાન અને અકીલ ખાન. મેચ ક્યાં જોઈ શકાશે? ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થનારી આ મેચનું લાઈવ બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે, જીઓહોટસ્ટાર પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, દિવ્ય ભાસ્કર એપ પર પણ મેચ સાથે જોડાયેલા લાઇવ અપડેટ્સ અને મુખ્ય સમાચાર જોઈ શકાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

