શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાનું રાજીનામું:સમગ્ર કાર્યકારી સમિતિએ પણ પદ છોડ્યું; પૂર્વ ક્રિકેટર રોશન મહાનામાને વચગાળાની સમિતિમાં સ્થાન મળી શકે
શ્રીલંકા ક્રિકેટ (SLC)માં લાંબા વિવાદ અને રાજકીય ખેંચતાણ વચ્ચે બુધવારે અધ્યક્ષ શમ્મી સિલ્વાએ રાજીનામું આપ્યું. તેમની સાથે આખી કાર્યકારી સમિતિએ પણ સામૂહિક રાજીનામું સુપરત કર્યું. આ નિર્ણય અનુરા કુમારા દિસાનાયકે સાથેની વાતચીત બાદ લેવામાં આવ્યો. બોર્ડ પર નાણાકીય અનિયમિતતાઓ અને ગેરવહીવટના આરોપો હતા, જેના કારણે તેમના પર પદ છોડવાનું દબાણ હતું. પૂર્વ સાંસદ સંભાળી શકે છે કમાન; મહાનમા અને સિદથ વેટ્ટિમુનીને પણ જવાબદારી શક્ય રિપોર્ટ મુજબ સરકાર બોર્ડના કામકાજ માટે વચગાળાની સમિતિ બનાવવાની તૈયારીમાં છે. તેની અધ્યક્ષતા પૂર્વ સાંસદ એરોન વિક્રમરત્ને કરી શકે છે. રોશન મહાનમા અને સિદથ વેટ્ટિમુનીને પણ મોટી ભૂમિકા મળી શકે છે. સરકારનો ઉદ્દેશ્ય ક્રિકેટ પ્રશાસનમાં ઝડપથી સુધારા કરવાનો છે, જોકે સત્તાવાર જાહેરાત બાકી છે. 7 વર્ષનો કાર્યકાળ અને વિવાદ શમ્મી સિલ્વા ફેબ્રુઆરી 2019માં પહેલીવાર અધ્યક્ષ બન્યા હતા. 7 વર્ષમાં તેઓ ચાર વખત ચૂંટાયા, ત્રણ વખત બિનહરીફ. તેમના કાર્યકાળમાં મહિલા અને પુરુષ ટીમે એેશિયા કપ જીત્યો, પરંતુ પુરુષ ટીમની રેન્કિંગ ઘટી. ટીમ 2023 વન-ડે વર્લ્ડ કપમાં 9મા સ્થાને રહી અને 2026 T20 વર્લ્ડ કપમાં પણ પ્રદર્શન નિરાશાજનક રહ્યું. આ જ મહિને ગેરી કર્સ્ટનને હેડ કોચ બનાવ્યા હોવા છતાં નેતૃત્વ બદલવાની માગ ચાલુ રહી ICCના પ્રતિબંધનો ખતરો: સરકારી દખલગીરી પર કડક વલણ આ બદલાવમાં સૌથી મોટી અડચણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ‘ઝીરો ટોલરન્સ’ પોલિસી છે. આર્ટિકલ 2.4 (D) મુજબ, બોર્ડમાં સરકારી હસ્તક્ષેપ પ્રતિબંધિત છે. નવેમ્બર 2023માં રમતગમત મંત્રી દ્વારા બોર્ડને બરતરફ કરવા પર ICCએ શ્રીલંકાની સદસ્યતા સ્થગિત કરી દીધી હતી અને અંડર-19 વર્લ્ડ કપની યજમાની પણ છીનવી લીધી હતી. સરકારની નવી ચાલ: ‘બરતરફી’ નહીં, ‘સ્વૈચ્છિક રાજીનામું’ ICCના પ્રતિબંધથી બચવા માટે અનુરા કુમારા દિસાનાયકે સરકારે અલગ રસ્તો અપનાવ્યો. બોર્ડને ‘બરતરફ’ કરવાને બદલે ‘સામૂહિક સ્વૈચ્છિક રાજીનામા’નો વિકલ્પ અપનાવ્યો. આને ICC સમક્ષ વહીવટી સંકટ તરીકે રજૂ કરવામાં આવશે, રાજકીય હસ્તક્ષેપ તરીકે નહીં. જોકે, દબાણ સાબિત થવા પર શ્રીલંકા પર ફરીથી પ્રતિબંધ લાગી શકે છે. સૌથી ધનિક રમતગમત સંસ્થા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો શમ્મી સિલ્વા બોર્ડને દેશની સૌથી ધનિક રમતગમત સંસ્થા ગણાવતા હતા, જેણે આર્થિક સંકટમાં પણ રેકોર્ડ કમાણી કરી. તેમ છતાં બોર્ડ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. 2023ના અંતમાં ઓડિટ રિપોર્ટના આધારે બરતરફ કરવાનો પ્રયાસ થયો, પરંતુ તેઓ કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા. હવે જોવું રહ્યું કે નવી વચગાળાની સમિતિ ICCના નિયમો અને જનતાની અપેક્ષાઓ વચ્ચે કેવી રીતે તાલમેલ બેસાડે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

