સલમાન ખાનને દિલ્હી હાઈકોર્ટની નોટિસ:ચાઇનીઝ AI પ્લેટફોર્મ સાથેના 'વોઈસ રાઈટ્સ' વિવાદમાં માગ્યો જવાબ, 27 ફેબ્રુઆરીએ સુનાવણી થશે

Last Updated: January 21, 2026By

દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને નોટિસ ફટકારી છે. આ નોટિસ ચીન સ્થિત AI વોઈસ જનરેશન પ્લેટફોર્મની અરજી પર આપવામાં આવી છે, જે 11 ડિસેમ્બર 2025ના વચગાળાના આદેશને હટાવવાની માંગ કરી રહ્યું છે. તે આદેશમાં સલમાનના અવાજ, નામ, તસવીર અને ઓળખના પરવાનગી વગરના વ્યવસાયિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સલમાન ખાને પોતાના પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે કેસ દાખલ કર્યો હતો, જેથી કોઈ તેમની બ્રાન્ડ વેલ્યુનો ખોટો ફાયદો ન ઉઠાવે. જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે સુનાવણી દરમિયાન સલમાન વતી વકીલ નિઝામ પાશાને રજૂ કર્યા. ચીનની કંપનીનું કહેવું છે કે, વોઈસ મોડેલિંગ તેમનો મુખ્ય વ્યવસાય છે, તેથી આ આદેશથી તેમનો વ્યવસાય પ્રભાવિત થઈ રહ્યો છે. કોર્ટે સલમાન પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. હવે સલમાન ખાને 4 અઠવાડિયાની અંદર પોતાનો પક્ષ રજૂ કરવો પડશે, ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, હાઈકોર્ટ 27 ફેબ્રુઆરીના રોજ આ મામલે સુનાવણી કરશે, જે ઘણા કિસ્સાઓમાં મહત્વપૂર્ણ રહેશે. જે નક્કી કરશે કે શું AI પ્લેટફોર્મ્સને પ્રખ્યાત હસ્તીઓના અવાજનો ઉપયોગ કરવાની મંજૂરી મળવી જોઈએ કે પછી પબ્લિસિટી રાઈટ્સને પ્રાધાન્ય આપવામાં આવશે. સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’માં વ્યસ્ત છે, જે અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બની છે. આ ફિલ્મ 17 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થવાની છે, જેમાં ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે. શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તે પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે.