અમદાવાદમાં GSL સીઝન-3 શરૂ થશે:ટ્રોફી અને જર્સી લોન્ચ થઈ, 1 સપ્ટેમ્બરથી ટ્રાન્સસ્ટેડિયામાં ટુર્નામેન્ટ શરૂ થશે
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) આયોજિત ગુજરાત સુપર લીગ (GSL)ની ત્રીજી સીઝનના પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે ટ્રાન્સસ્ટેડિયા એરેના, અમદાવાદમાં થશે. ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબોલ ઇકોસિસ્ટમ ઊભી કરવાના રાજ્યના પ્રયાસોની દિશામાં આ વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. GSFAના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલાએ GSFAના પદાધિકારીઓ તથા GSLના ટીમ માલિકોની હાજરીમાં GSL-3ની ટ્રોફી તથા ટીમ જર્સીનું અનાવરણ કર્યું. ખેલાડીઓની પસંદગી કરવા માટે સ્પોર્ટ્સ ઇન્ટલિજન્સનો ઉપયોગ GSL-3માં રમી રહેલા U-20 ફૂટબોલરમાંથી બે ખેલાડીઓની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટીક ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમવા માટેના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મનની સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બૉસ ટેકનોલોજી આ ખેલાડીઓની પસંદગી કરવા માટે સ્પોર્ટ્સ ઇન્ટલિજન્સનો ઉપયોગ કરીને સહાયતા કરશે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. બે લાખની એક્સ-ગ્રેશિયા ચૂકવણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. સીઝન-3ની ટ્રોફી અને જર્સી લોન્ચ થઈ આ પ્રસંગે GSL સીઝન-3ની સત્તાવાર જર્સી અને ટ્રોફીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. જર્સી અને ટ્રોફી લીગની ઓળખ, સ્પર્ધાત્મક ભાવના અને તેની આકાંક્ષાઓનું પ્રતીક છે. જર્સીની ડિઝાઇન ગુજરાત ફૂટબોલની ઊર્જા અને આધુનિક સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે, જ્યારે ટ્રોફી એ સર્વોચ્ચ પુરસ્કારનું પ્રતિનિધિત્વ કરશે જેના માટે લીગમાં ભાગ લેનારી ટીમ સમગ્ર સીઝન દરમિયાન સ્પર્ધા કરશે. આ પ્રસંગે GSFA દ્વારા GSL સીઝન-3ના સંપૂર્ણ ફિક્સ્ચર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી ફૂટબોલ ચાહકોને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાની મનપસંદ ટીમને પ્રોત્સાહન આપવા તથા મેચોમાં પોતાની હાજરીનું આયોજન કરવાની તક મળશે. ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે યોજાનારી રોમાંચક મેચની શ્રેણી દ્વારા ફૂટબોલપ્રેમીઓને વ્યાવસાયિક સ્ટેડિયમના વાતાવરણમાં સ્પર્ધાત્મક ફૂટબોલ માણવાની તક મળશે. તારીખો, ટીમ અને મેચના સમય સહિતના વિગતવાર ફિક્સ્ચર્સ નવા લોન્ચ કરાયેલા GSL ડિજિટલ પ્લેટફોર્મ તથા GSFAના સત્તાવાર સંચાર માધ્યમો પર ઉપલબ્ધ રહેશે. GSFAએ એપ પણ લોન્ચ કરી ફૂટબોલ ચાહકોને લીગ સાથે વધુ નજીકથી જોડવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલરૂપે GSFAએ એક સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરી છે. આ એપથી GSL ઉપરાંત GSFAની વિવિધ પ્રવૃત્તિઓની વિગતો મેળવવામાં સરળતા રહેશે. આ એપને ગુજરાત ફૂટબોલ માટેના વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવી છે, જ્યાં ચાહકોને GSLના ફિક્સ્ચર્સ, મેચ શેડ્યૂલ, પરિણામો, ટીમોની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ, લીગ સંબંધિત વિકાસ, ફોટોગ્રાફ્સ અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ ઉપલબ્ધ થશે. GSFAના સેક્રેટરી મુલરાજસિંહ ચૂડાસમાએ મોટી સ્ક્રીન પર એપના મુખ્ય પાસાં અને વિશેષતાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ GSFAએ હાથ ધરવામાં આવતી વિવિધ પહેલો અને પ્રવૃત્તિઓ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવશે. આથી એસોસિયેશન, ખેલાડીઓ અને ગુજરાતના ફૂટબોલપ્રેમી લોકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. સીઝનના પ્રારંભ પૂર્વે વાત કરતાં GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે GSLની ત્રીજી સીઝન ગુજરાતની ફૂટબોલમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું, “GSL માત્ર એક ટુર્નામેન્ટ નથી, ગુજરાતમાં ફૂટબોલના વિકાસ માટેની અમારી વ્યાપક દૃષ્ટિનો તે એક મહત્વપૂર્ણ હિસ્સો છે. અમારો ઉદ્દેશ પ્રતિભાશાળી ખેલાડીઓને તકો પૂરી પાડવાનો, વધુને વધુ લોકોને ફૂટબોલ સાથે જોડવાનો અને એવું વાતાવરણ ઊભું કરવાનો છે જેમાં રાજ્યના યુવાનો માટે ફૂટબોલ પસંદગીની રમત બને.”
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

