અમદાવાદી ગર્લે કપૂર પરિવારની લાડલીના લગ્ન હીટ કર્યા:અંશુલાના લગ્નમાં ઢોકળા અને છોલેનો ચટકારો, મુશળધાર વરસાદમાં 'ટુ-સ્ટેટ્સ' વેડિંગને ફેરીટેલ બનાવ્યા
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર બોની કપૂરની લાડકવાયી દીકરી અંશુલા કપૂરે ગુજરાતી વેપારી રોહન ઠક્કર સાથે લગ્ન કર્યાં છે. આ ટુ-સ્ટેટ્સ વેડિંગને ફેરીટેલ વેડિંગ બનાવવામાં સૌથી મોટો ફાળો અમદાવાદી યુવતી દેવાંશી પટેલનો છે. અંશુલા અને રોહનનાં વેડિંગ પ્લાનર દેવાંશી પટેલે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં લગ્નની થીમ, કપૂર પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ, ગુજરાતી-પંજાબી સંસ્કૃતિ અને મુશળધાર વરસાદ વચ્ચે લગ્નને કેવી રીતે ‘સંપૂર્ણ’ કર્યા તેના વિશે ખૂલીને જણાવ્યું. અંશુલાનો સાદગીભર્યો અંદાજ અને પહેલી મુલાકાત અંશુલા અને રોહનના લગ્નના પ્લાનિંગનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે શું રિએક્શન હતું તેના વિશે વાત કરતા દેવાંશીએ કહ્યું કે, ‘હું ખૂબ ખુશ છું કે એ લોકોએ મને એમના આ પ્રસંગ માટે વિશ્વાસપાત્ર ગણી. અંશુલા સેલ્ફ મેડ પર્સન છે. એ એવી વ્યક્તિ છે, જે રૉ છે. તે દેખાડો કરતી નથી. અમે મળ્યા, એકબીજાના વિચારો અને લાગણીઓ શેર કરી. હું તેમના સપનાને યોગ્ય રીતે સાકાર કરી શકીશ કે કેમ તે વિશે ઘણી ચર્ચાઓ થઈ. ત્યારબાદ અમે કામ શરૂ કર્યું. કંકોત્રીથી લઈને આઉટફિટ સુધી ભારતીય કારીગરીને પ્રાધાન્ય દેવાંશીએ અંશુલા અને રોહનની વેડિંગ થીમ વિશે વાત કરતા કહ્યું કે, ‘અંશુલા અને રોહન પોતાની સંસ્કૃતિઓ સાથે જોડાયેલા રહેવા માંગતા હતા. આખા લગ્નમાં નાનામાં નાની ડિટેલને ધ્યાને રાખવામાં આવી. તેમણે ભારતીય કારીગરીને પ્રોત્સાહન આપવા માટે લગ્નની કંકોત્રી ખાસ કાપડમાંથી બનાવી હતી, જેના પર તેમના નામના પહેલા અક્ષરો હતા. અંશુલાએ પોતાના આઉટફિટ્સ થકી પણ બંને રાજ્યોની સંસ્કૃતિને પ્રાધાન્ય આપ્યું, તેથી તેણે અલગ-અલગ વિધિઓ માટે ખાસ ગુજરાતી પટોડું, બાંધણી અને પંજાબી ફુલકારી દુપટ્ટો પસંદ કર્યા હતા. વૈભવી સેટને બદલે ઘર જેવી હૂંફ : એન્ટ્રન્સ પર ‘ચખના ટેબલ’ અંશુલા અને રોહનના લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલી હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં હતા. દેવાંશીએ કહ્યું કે, ‘અત્યારના ટ્રેન્ડ્સની જેમ અંશુલા અને રોહનને લગ્નમાં વૈભવી અને મોટા સેટ્સ ઊભા કરવા નહોતા. ખાસ કરીને અંશુલાની ઇચ્છા હતી કે, લગ્નમાં આવેલો દરેક મહેમાન ઘર જેવી હૂંફ અનુભવે, શાંતિથી બેસીને દરેક વિધિને માણે. તેથી અંશુલાએ તેમના જૂના ઘરમાં જે ઝરુખો હતો, તેને રિક્રિએટ કરાવ્યો. વેન્યૂના એન્ટ્રન્સ પર ચખનાનું ટેબલ રાખવામાં આવ્યું હતું, જેમાં રેવડી, પીન્ની સહિતની ગુજરાતી અને પંજાબી વસ્તુઓ અને ફરસાણ રાખવામાં આવ્યા હતા.’ સિનેમા સ્ટેજ અને મંડપમાં મેમરી વૉલ જુદા જુદા ઇવેન્ટ્સ દરમિયાન સ્ટેજ વિશે વાત કરતા દેવાંશીએ કહ્યું કે, ‘પાર્ટી ફંક્શનમાં અમે રોહન અને અંશુલાની મેમરીઝને રિક્રિએટ કરી. તેમની વેકેશન પ્લેસ, તેમનું ફેવરેટ ડેકોર પીસ, બંનેને ગમતી ફિલ્મો વગેરેને ધ્યાને લઈને ડેકોરેશન કરાયું. તેમના સ્ટેજને ફિલ્મોની સીડીઝથી ડેકોરેટ કરાયું, જેથી સિનેમાનો અનુભવ થાય. તેમને પોપકોર્ન મશીન ગમે છે, તો તેને પણ ડેકોરેશનનો ભાગ બનાવવામાં આવ્યો.’ લગ્ન મંડપ વિશે દેવાંશીએ કહ્યું કે, ‘તેમના લગ્નના ગ્રેઝિંગ ટેબલ વચ્ચે તુલસીનો ક્યારો હતો. મંડપની બંને તરફ મેમરી વોલ હતી. તેમાં ડાબી બાજુ અંશુલાના પરિવારના સભ્યોના ફોટો હતા, જમણી બાજુ રોહનના પરિવારના સભ્યોના ફોટો હતા. તેઓ બંને પરિવારના સભ્યોની હાજરી અને હૂંફ અનુભવવા ઇચ્છતા હતા. તેમના ફેરા દરમિયાન ઘુંઘરું કર્યું, તે ખૂબ સરસ અનુભવ હતો.’ ‘અંશુલાએ મારું કામ સરળ બનાવી દીધું’ લગ્નને ફેરીટેલ બનાવવા માટે સૌથી વધુ ડિમાન્ડિંગ કોણ હતું, તેવું પૂછતાં દેવાંશીએ કહ્યું કે, ‘પ્રામાણિકતાથી કહું તો, અંશુલા ટાઇપે બ્રાઇડ છે. એટલે કે તેને સંપૂર્ણપણે સ્પષ્ટતા હતી કે તેને શું જોઈએ છે? ઇનફેક્ટ આખા પરિવારને સ્પષ્ટતા હતી કે તેમને શું જોઈએ છે અને શું નથી જોઈતું. જેથી વેડિંગ પ્લાનર તરીકે મારા માટે એ સરળ થઈ ગયું હતું કે, તેને આગળ કેવી રીતે એક્ઝિક્યુટ કરું.’ ટુ-સ્ટેટ્સ લગ્નમાં કેવી રીતે અલગ-અલગ વિધિને કરવામાં આવી તેના વિશે દેવાંશીએ કહ્યું કે, ‘રોહન અને અંશુલાએ પંડિતજી સાથે ખાસ મુલાકાત કરી હતી. બંનેની ઇચ્છા હતી કે ગુજરાતી અને પંજાબી વિધિઓને એ રીતે સમાવી લેવામાં આવે, જેથી બંને પરિવારને ખુશી મળે. બંને પરિવારોએ પણ એકબીજાના રીતિ-રિવાજોને ખુલ્લા હૃદયથી સ્વીકાર્યા.’ ઢોકળા-છોલેની જ્યાફત ‘ગુજરાતી અને પંજાબી ખાવાના શોખીન હોય છે, એ વાત કોઈનાથી છુપાયેલી નથી. તેવું જ અંશુલા અને રોહનના પરિવારમાં પણ જોવા મળ્યું. એક તરફ ઢોકળાના લાઈવ કાઉન્ટર હતા, તો બીજી તરફ મહેમાનો ગરમા-ગરમ છોલે-કુલચેની જ્યાફત માણી રહ્યા હતા. જેટલું ગુજરાતી અને પંજાબી ફૂડ વિચારી શકાય, તેટલું બધું જ હતું.’ ફોટો લીક ન થાય તે માટે ‘મેગ્નેટિક કવર’ સિક્યોરિટી સેલિબ્રિટીઝના લગ્નમાં પ્રાઇવસી એક મોટો મુદ્દો હોય છે. વર-કન્યાના આ ખાસ ક્ષણને તેમની જાણ બહાર કોઈ લીક ન કરી દે તે એક પડકાર હોય છે. ત્યારે પ્રાઇવસી માટેની વ્યવસ્થા વિશે દેવાંશીએ કહ્યું કે, ‘અમારા દરેક વેન્ડર્સના ફોન પર કવર્સ લગાવવામાં આવ્યા હતા, જે કોઈ સિક્યોરિટી કે મેગ્નેટ વિના ખોલી શકાતા નહોતા. બે દિવસ દરમિયાન જે પણ વ્યક્તિ ત્યાંથી અવર-જવર કરે, એમને ખાસ પ્રાઇવસી રાખવી પડે તેવી વ્યવસ્થા કરી હતી. અંશુલા-રોહનના લગ્ન હોટલમાં હતા, જ્યાં અન્ય મહેમાનો પણ રોકાયેલા હતા. પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવું પડે તેમ હતું, જેથી બહારથી એક સિક્યોરિટી ટીમ હાયર કરી હતી. આ પ્રાઇવસી કોઈને રોકવા માટે નહીં, પણ પરિવારજનો કોઈ પણ ખલેલ વિના દરેક ક્ષણને માણી શકે તે માટે હતી.’ મુંબઈના મુશળધાર વરસાદે છેલ્લી ઘડીએ શ્વાસ અદ્ધર કરી દીધા લાર્જર ધેન લાઇફ વેડિંગના આયોજનોમાં કોઈને કોઈ પડકાર તો આવતા જ હોય છે, પરંતુ આ લગ્નમાં સૌથી મોટો પડકાર કુદરતે ઊભો કર્યો હતો. દેવાંશીએ કહ્યું કે, ‘મુંબઈમાં બે દિવસ રેડ એલર્ટ હતું. કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. આવા સમયે મહેમાનો, વેન્ડર્સને સમયસર લઈને આવવા એક ટાસ્ક હતો. અમારી ફર્નીચરની વાન રસ્તામાં અટકી ગઈ હતી. અમે છેલ્લી ઘડીએ બીજી જગ્યાએથી ફર્નીચર મંગાવ્યા. એસીનું ટેમ્પ્રેચર ફરી સેટ કરાવવું પડ્યું હતું. પણ હું ખૂબ ભાગ્યશાળી છું કે, મારા જે પાર્ટનર્સ છે… હું મારા વેન્ડર્સને પાર્ટનર્સ જ કહીશ, તેમના વિના આ શક્ય નહોતું. બધાની મહેનતથી બધું સમુંસુતરું પાર પડી ગયું.’ કપૂર ફેમિલીનું ‘નો સ્ટારડમ’ વલણ અંશુલાનો આખા પરિવારમાં મોટાભાગના લોકો ફિલ્મસ્ટાર્સ છે. પિતા બોની કપૂર, કાકા અનીલ અને સંજય, ભાઈ અર્જુન, બહેનો જાહ્નવી, ખુશી, સોનમ સહિતના સેલેબ્સ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો, તેના વિશે વાત કરતા દેવાંશીએ કહ્યું, ‘અંશુલાનો આખો પરિવાર જોડાયેલો છે. અર્જુન કપૂર દરેક જગ્યાએ આવીને સામાન્ય ભાઈની જેમ બધું ચેક કરતા હતા કે આ તૈયાર છે, વરરાજો અને પરિવાર આવવાના છે, તો બધી તૈયારી વ્યવસ્થિત છે કે નહીં, ડેકોરેશનમાં કોઈ ભૂલ કે સમસ્યા તો નથી ને? તેમણે નાનામાં નાની વાતનું ધ્યાન રાખ્યું છે. ડેડી બોની કપૂર પણ દરેક વિધિમાં સતત હાજર રહ્યા. આખો પરિવાર સમયસર દરેક વિધિમાં હાજર હતો. કોઈએ પણ સ્ટારડમ દેખાડ્યું નહોતું કે સેલિબ્રિટી જેવો વ્યવહાર કર્યો નહોતો. તેઓ ખૂબ જ જમીન સાથે જોડાયેલા હતા. જાહ્નવી અને ખુશીએ તો અંશુલા માટે આખી મહેંદી સેરેમની હોસ્ટ કરી હતી. આ ખૂબ જ સુંદર લાગણી હોય છે, જ્યારે તમારો પરિવાર તમારા દિવસને ખાસ બનાવવા પ્રયત્નો કરતો હોય છે.’ ‘સંપૂર્ણ લગ્ન’માં મહેમાનોને ખાસ રિટર્ન ગિફ્ટ્સ દેવાંશીએ અંશુલા અને રોહનના લગ્નને ‘સંપૂર્ણ’ ગણાવ્યા. તેમણે કહ્યું, ‘કેટલીક વખત આપણે લાંબા સમયથી આયોજન કરતા હોઈએ છીએ. જેમ કે, આ લગ્નનું આયોજન કરતા સમયે અમને ખબર નહોતી કે મુંબઈમાં રેડ એલર્ટ હશે, જ્યારે એ થયું ત્યારે અમારા માટે મોટો પડકાર હતો. અમે તે પડકારને ઝીલ્યો, અમે નર્વસ હતા પણ તેને સારી રીતે પાર પાડ્યું. આમાં લાગણીઓ હતી, ખુશીઓ હતી, નર્વસનેસ હતી… તેથી હું આ લગ્નને ‘સંપૂર્ણ’ કહું છું. આ લગ્નમાં મહેમાનોને ઘણી બધી ગિફ્ટ્સ પણ આપવામાં આવી. બધાને દરેક રીત-રિવાજો દરમિયાન ખાસ એલિમેન્ટ્સ ધરાવતા રિટર્ન ગિફ્ટ્સ આપ્યા હતા.’ દોઢ દાયકા પહેલાં ‘શ્રીમ ઇવેન્ટ્સ’ શરૂ કરનાર દેવાંશી કહે છે કે, દરેક લગ્ન વખતે તેઓ પોતાની લાગણીઓ છુપાવી શકતા નથી. તેમણે કહ્યું, ’13-14 વર્ષ પહેલાં આ કંપની શરૂ કરી, ત્યારે મારી મમ્મી, શ્રેયા તુષાર પટેલે તેને ‘શ્રીમ’ નામ આપ્યું, જેનો અર્થ થાય છે સમૃદ્ધિ. અમારો હેતુ ટ્રેન્ડ્સ ફોલો કરવાનો નહીં, પરંતુ એવું આયોજન કરવાનો હોય છે કે, જે એક-બે કે પાંચ દાયકા પછી પણ ક્લાસિક, ટાઇમલેસ અને એલિગન્ટ લાગે. કોઈના જીવનના સૌથી સુંદર દિવસને અમારા લીધે વધુ સુંદર થતો જોવો, આ પળ અમારા માટે ખૂબ ભાવનાત્મક હોય છે. હું દરેક બ્રાઇડલ એન્ટ્રી પર રડી પડું છું.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

