એકને છરીથી રહેંસી, બીજીને ગાડી નીચે કચડી:અમેરિકામાં ભારતીય મૂળની બે પરિણીતાની ઘાતકી હત્યા, 'બેસ્ટ ફ્રેન્ડ' પર શંકા; ઘટના પહેલાં ઓણમ સેલિબ્રેટ કરીને સાથે ફિલ્મ જોઈ

Last Updated: August 31, 2026By

અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક હૃદયદ્રાવક અને રહસ્યમય ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. કેરળના ત્રિશૂરની અંજના અને તિરુવનંતપુરમની એન મેરી મેથ્યુ નામની બે મહિલાઓની શંકાસ્પદ સંજોગોમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે તેમની જ નજીકની મિત્ર અનિલા (મૂળ કોટ્ટાયમ, કેરળ)ની અટકાયત કરી છે. એકની ઘરમાં હત્યા, બીજીને ગાડી નીચે કચડી નાખી પરિવારજનોને 28 ઓગસ્ટ (શનિવાર)ના રોજ આ ઘટનાની જાણ થઈ હતી. મળતી માહિતી મુજબ, અંજનાનું મોત એક કથિત હિટ એન્ડ રન કેસમાં થયું હતું, જેમાં તેને વાહનથી કચડી નાખવામાં આવી હતી. જ્યારે બીજી તરફ, એન મેરી મેથ્યુ પોતાના એપાર્ટમેન્ટના રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવી હતી. તેના રૂમમાંથી એક ધારદાર ચાકુ પણ મળી આવ્યું છે. એક દિવસ પહેલાં સાથે હતા, અચાનક એવું શું બન્યું? સ્થાનિક કાઉન્સિલર અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, અંજના, અનિલા અને એન મેરી ત્રણેય ખૂબ ગાઢ મિત્રો હતાં. ઘટનાના થોડા સમય પહેલાં જ તેઓએ સાથે ઓણમની ઉજવણી પણ કરી હતી અને થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા. પરંતુ અચાનક તેમની વચ્ચે એવો શું વિવાદ થયો કે મામલો ક્રૂર હત્યા સુધી પહોંચી ગયો, તે રહસ્ય હજુ અકબંધ છે. પરિવાર પર આભ તૂટી પડ્યું એન મેરી પોતાના પતિની નોકરીના કારણે લગભગ પાંચ વર્ષ પહેલાં અમેરિકા શિફ્ટ થઈ હતી. તાજેતરમાં જ તેને વર્ક પરમિટ મળી હતી અને તેણે શિક્ષિકા તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ઘટના બની ત્યારે તેનો પતિ ઘરે હાજર નહોતો. જ્યારે અંજના પોતાના પાછળ પતિ અને 7 વર્ષની માસૂમ દીકરીને છોડી ગઈ છે. પાર્થિવ દેહ ભારત લાવવા કવાયત તેજ આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ દરમિયાનગીરી કરી છે. તેમણે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતીય કોન્સ્યુલેટ જનરલ સાથે વાત કરી બંને મૃતદેહોને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. જોકે, કેસ હત્યાનો હોવાથી અમેરિકન પોલીસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃતદેહો સોંપવામાં થોડો સમય લાગી શકે છે.

Leave A Comment