એશિયાડમાં ક્રિકેટનું શેડ્યૂલ જાહેર:ભારતીય મેન્સ ટીમની પહેલી મેચ 28 સપ્ટેમ્બરે; ફાઇનલ પહેલા પાકિસ્તાન સામે ટક્કર શક્ય નથી
જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ક્રિકેટનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. ભારતીય મેન્સ ટીમ 28 સપ્ટેમ્બરે સીધી ક્વાર્ટરફાઇનલમાં પોતાની પ્રથમ મેચ રમશે. ભારતનો મુકાબલો કઈ ટીમ સામે થશે, તે હજુ નક્કી નથી. એશિયન ગેમ્સમાં 10 મેન્સ ટીમ ભાગ લઈ રહી છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સીધા ક્વાર્ટર ફાઇનલ રમશે. જ્યારે અફઘાનિસ્તાન સહિત 6 ટીમ પ્રિલિમિનરી રાઉન્ડ રમશે. ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ત્યારે જ શક્ય છે, જ્યારે બંને ટીમ ફાઇનલમાં પહોંચે. ટુર્નામેન્ટ નાગોયા નજીક કોરોગી એથ્લેટિક પાર્કમાં યોજાશે. ભારતનો મુકાબલો નેપાળ કે અફઘાનિસ્તાન સામે શક્ય પ્રિલિમિનરી રાઉન્ડની 6 ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. અફઘાનિસ્તાન, નેપાળ અને જાપાન ગ્રુપ-Aમાં છે. જ્યારે હોંગકોંગ, મલેશિયા અને ઓમાન ગ્રુપ-Bમાં સામેલ છે. બંને ગ્રુપની ટૉપ 2 ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ભારતનો મુકાબલો ગ્રુપ-Aની નંબર-2 ટીમ સાથે થશે. વધુ સંભાવના છે કે ગ્રુપ-Aમાં અફઘાનિસ્તાન ટૉપ કરશે. બાકીની 2 ટીમમાં નેપાળ વધુ મજબૂત દેખાય છે. મહિલા ટુર્નામેન્ટ 6 દિવસ, પુરુષ 8 દિવસ ચાલશે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 17 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. ફાઇનલ 22 સપ્ટેમ્બરે થશે. જ્યારે પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. તેની ફાઇનલ 3 ઓક્ટોબરે રમાશે. મહિલા ટીમ જાપાન સામે પ્રથમ મેચ રમશે ભારતની મહિલા ટીમ 18 સપ્ટેમ્બરે જાપાન સામે પ્રથમ મેચ રમશે. મહિલા કેટેગરીમાં માત્ર 8 ટીમ છે. તેથી તેમની ક્વાર્ટરફાઇનલ મેચો પહેલેથી જ નક્કી છે. એશિયન ગેમ્સ માટે ભારત માટે બંને ટીમ જાહેર ભારતે એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રેયસ અય્યર કેપ્ટન અને તિલક વર્મા વાઇસ-કેપ્ટન હશે. ટીમમાં વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર હશે. જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવી છે. બંને ટીમની સ્ક્વોડ મેન્સ ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ. મહિલા ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), ભારતી ફુલમાલી, શ્રી ચરણી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ, નંદિની શર્મા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

