કોહલીના શરીર પર 12મું ટેટૂ, નવો લૂક વાઇરલ:'રિપલ ટેટૂ'એ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, આ ખાસ ડિઝાઇન પાછળનું શું રહસ્ય; 5 સેશન પછી પણ કામ અધૂરું

Last Updated: August 31, 2026By

વિરાટ કોહલી ડાબા હાથ પર નવું ટેટૂ કરાવી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે આવતા મહિને યોજાનારી વનડે સીરીઝ પહેલાં તેમણે પોતાના ટેટૂ કલેક્શનમાં આ નવી ડિઝાઈન ઉમેરી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. ટેટૂ ડાબા બાઈસેપ પાસે બન્યું છે અને જૂની ડિઝાઈન સાથે જોડાતું હોય તેવું લાગી રહ્યું છે. તેની પેટર્ન પાણીની સપાટી પર ટીપું પડ્યા પછી બનતી લહેરો જેવી છે. ટેટૂ આર્ટિસ્ટના મતે, તેને બનાવવા માટે અત્યાર સુધીમાં 5 સેશન થઈ ચૂક્યા છે, પરંતુ કામ હજુ પૂરું થયું નથી. આર્ટિસ્ટે કોહલી અને અન્ય ટેટૂ આર્ટિસ્ટ્સ સાથે તસવીરો પણ શેર કરી છે. શું છે આ ‘રિપલ ટેટૂ’ અને કેમ છે ચર્ચામાં? વિરાટના આ નવા ટેટૂમાં પાણીનું એક ટીપું પડતાં સપાટી પર જે ગોળ-ગોળ તરંગો (લહેરો) સર્જાય છે, તેવી આબેહૂબ ડિઝાઇન જોવા મળે છે. ટેટૂ આર્ટિસ્ટ એલન એફ. ગોઇસે (Allan F Gois) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સેશનની તસવીરો શેર કરી તે સાથે જ આ લુક વાયરલ થઈ ગયો હતો. આ સ્લીવ પ્રોજેક્ટના અત્યાર સુધીમાં 5 સેશન પૂરા થયા છે અને આ ડિઝાઇન હજુ પણ આગળ વધવાની છે. પહેલા પણ ટેટૂને લઈને ચર્ચામાં રહ્યા કોહલી લાંબા સમયથી ટેટૂને પોતાના વ્યક્તિત્વ અને જીવનના અલગ-અલગ પાસાઓ સાથે જોડતા રહ્યા છે. તેમના શરીર પર માતા-પિતા સરોજ અને પ્રેમ નામવાળા ટેટૂ છે. આ ઉપરાંત ભગવાન શિવ અને ઓમ સાથે જોડાયેલી ડિઝાઇન પણ તેમના કલેક્શનનો ભાગ છે. આ વર્ષની શરૂઆતમાં પણ કોહલીએ પોતાના હાથ પર મોટી કમળ-પ્રેરિત ડિઝાઇન બતાવી હતી. ડાબા હાથની આખી સ્લીવને નવો લુક આપી રહ્યા છે કોહલી પહેલાથી મોજુદ ટેટૂને હટાવવા અથવા સંપૂર્ણપણે ઢાંકવાને બદલે તેમને એક નવી ડિઝાઇનમાં જોડવા પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત IPL 2026 પહેલા સામે આવી હતી. તેમનો હેતુ જૂની ડિઝાઇનને રિસ્ટોર અને રિફાઇન કરીને એક યુનિફાઇડ સ્લીવ તૈયાર કરવાનો છે, જે તેમના વર્તમાન જીવન અને સફરને દર્શાવે. આ બદલાવમાં તેમના શિવ-પ્રેરિત આર્મબેન્ડને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ડોટવર્ક મંડલાને તેમાં જોડવામાં આવ્યું, જે અલગ-અલગ ડિઝાઇનને એકબીજા સાથે જોડતા મુખ્ય ભાગ તરીકે કામ કરે છે. ઉપલા ભાગમાં કમળ અને પિયોની જેવી ડિઝાઇન પણ શામેલ કરવામાં આવી છે. આ પ્રતીકોને સામાન્ય રીતે દ્રઢતા અને વ્યક્તિગત વિકાસ સાથે જોડવામાં આવે છે. કોહલીના 11 જૂના ટેટૂ ટેટૂ પૂરું થયા પછી કોહલીના શરીર પર કુલ 12 ટેટૂ થઈ જશે. નવા ટેટૂ પહેલા કોહલીના શરીર પર 11 ટેટૂ હોવાનું જણાવાયું છે. તેમાં જાપાની સમુરાઈ, ગોડ્સ આઈ, ભગવાન શિવ, મોનેસ્ટ્રી, વનડે ડેબ્યૂ નંબર 175, ટેસ્ટ ડેબ્યૂ નંબર 269, માતા સરોજનું નામ, પિતા પ્રેમનું નામ, સ્કોર્પિયો, ટ્રાઇબલ આર્ટ અને ઓમનો સમાવેશ થાય છે. 18 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પૂરી કરી કોહલીએ આ જ મહિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 18 વર્ષ પૂરા કર્યા છે. તેમણે 18 ઓગસ્ટ 2008ના રોજ ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. શ્રીલંકા સામેની પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચમાં તેમણે 12 રન બનાવ્યા હતા. આ પછી કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 28 હજારથી વધુ રન અને 85 સદી ફટકારી છે. તેઓ 100 ઇન્ટરનેશનલ સદી પૂરી કરનાર બીજા બેટર બનવા તરફ આગળ વધી રહ્યા છે. તેમની પહેલા આ સિદ્ધિ સચિન તેંડુલકરે હાંસલ કરી છે. કોહલીના નામે કુલ 10 ICC એવોર્ડ પણ છે.

Leave A Comment