ગંભીર AIના દુરુપયોગ સામે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો:ડીપફેક અને નકલી વીડિયો પર રોક લગાવવાની માગ કરી, 2.5 કરોડનો દાવો દાખલ કર્યો

Last Updated: March 19, 2026By

ભારતના પૂર્વ ખેલાડી અને વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરે AI વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગંભીરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનેલા ડીપફેક, નકલી વીડિયો અને તેની મંજૂરી વિના તેના નામ-ચહેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. આ માટે 16 પક્ષકારો વિરુદ્ધ અરજી દાખલ કરીને 2.5 કરોડ રૂપિયાના વળતરની પણ માગ કરી છે. ગંભીરે કહ્યું, મારી ઓળખ, મારું નામ, મારો ચહેરો, મારો અવાજ ખોટી માહિતી ફેલાવવા અને પૈસા કમાવવા માટે હથિયાર તરીકે ઉપયોગમાં લેવાયા છે. સોશિયલ મીડિયા પર ખોટા વીડિયો શેર થયા
ફરિયાદમાં જણાવાયું છે કે 2025ના અંતથી ઇન્સ્ટાગ્રામ, X, યુટ્યુબ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર નકલી સામગ્રીમાં ભારે વધારો થયો છે. આમાં સૌથી વધુ વાયરલ થયેલો એક મનઘડંત રાજીનામાનો વીડિયો હતો, જેને 29 લાખથી વધુ વખત જોવામાં આવ્યો. એક બીજો વીડિયો જેમાં તેને સિનિયર ક્રિકેટરોએ વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગે ટિપ્પણી કરતા ખોટી રીતે દર્શાવ્યા હતા, જેને 17 લાખથી વધુ વખત જોવામાં આવ્યો. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ તેના નામનો ઉપયોગ થયો
આ કેસમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તેમના નામ અને ચહેરાનો ઉપયોગ કરીને મંજૂરી વગર સામાન વેચવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. કુલ 16 લોકો/સંસ્થાઓને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટથી લઈને મેટા પ્લેટફોર્મ્સ, એક્સ, યુટ્યુબ અને ગૂગલ જેવા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે. આ સાથે IT મંત્રાલય અને દૂરસંચાર વિભાગને પણ સામેલ કરવામાં આવ્યા છે. રશ્મિકા મંદાના અને કાજોલનો ડીપફેક વીડિયો વાઇરલ થઈ ચૂક્યો છે
બે વર્ષ પહેલાં બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાના અને કાજોલનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઝારા પટેલ નામની એક છોકરીના ચહેરાને બદલીને રશ્મિકાનો ચહેરો લગાવી દેવામાં આવ્યો હતો. રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો પર અમિતાભ બચ્ચનથી લઈને ખુદ રશ્મિકા મંદાના સુધીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ડીપફેક શું છે?
આજના ડિજિટલ યુગમાં ઘણીવાર ખોટા સમાચાર અને ભ્રામક માહિતીઓ ઇન્ટરનેટની મદદથી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આવા જ વીડિયો પણ પહોંચાડવામાં આવે છે. આને ડીપફેક કહેવાય છે. આમાં અસલી અને નકલીની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી (AI) અને મશીન લર્નિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ કરીને મીડિયા ફાઇલો જેવી કે ફોટો, ઓડિયો અને વીડિયોની બદલાયેલી કોપી તૈયાર કરવામાં આવે છે, જે વાસ્તવિક ફાઇલ જેવી જ દેખાય છે. સરળ ભાષામાં કહીએ તો ડીપફેક, મોર્ફ વીડિયોનું જ એડવાન્સ સ્વરૂપ છે.