ગઢમાં ગુજરાતની હારની ઇનસાઇડ સ્ટોરી:અમદાવાદનો 'પ્રિન્સ' ગિલ ફેલ, પર્પલ કેપ હોલ્ડર રબાડા ફાઇનલમાં ધોવાયો; GT 5 કારણોના લીધે ટ્રોફી ચૂકી
સવાલ એ થાય છે કે આખરે શુભમન ગિલ એન્ડ કંપની ફાઇનલ જેવા મોટા મુકાબલામાં એકતરફી રીતે કેમ હારી ગઈ? આ આખી સીઝનમાં જે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી, પણ ફાઇનલમાં જ ફ્લોપ શૉ જોવા મળ્યો. ચાલો, આપણે જોઈએ ગુજરાત ટાઇટન્સના હાથમાંથી ટ્રોફી સરકી જવાના 5 કારણો વિશે. 1. ફ્લોપ રહી ઓપનિંગ જોડી, પાવરપ્લેમાં જ પ્રેશર વધ્યું ગુજરાત ટાઇટન્સની હારનું સૌથી મોટું અને પહેલું કારણ તેની સલામી જોડીનું ન ચાલવું રહ્યું. આખી સીઝન દરમિયાન સાઇ સુદર્શન અને શુભમન ગિલે રનનો પહાડ ખડક્યો હતો અને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. પરંતુ ફાઇનલ મેચમાં આ જોડી પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ અને બંને મળીને માત્ર 22 રન જ જોડી શક્યા. સામે RCBએ લો સ્કોરિંગ મેચમાં પાવરપ્લે પર સંપૂર્ણ કબજો કરતાં બે વિકેટે 70 રન કરી દીધા હતા. 2. અમદાવાદના ‘કિંગ’ શુભમન ગિલનો હોમ ગ્રાઉન્ડ પર ફ્લોપ શૉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં શુભમન ગિલનો ટ્રેક રેકોર્ડ અદભુત રહ્યો છે, જ્યાં તેનો સ્કોરિંગ ગ્રાફ હંમેશા ઊંચો રહે છે. પરંતુ આ મહા મુકાબલામાં તે હોમ ગ્રાઉન્ડના એડવાન્ટેજનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. આ સીઝનમાં ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબરે (16 મેચમાં 732 રન) રહેલો ગિલ ફાઇનલમાં માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોશ હેઝલવુડે તેને શરૂઆતમાં જ આઉટ કરીને ગુજરાતની કમર તોડી નાખી હતી. 3. પાવરપ્લેમાં વિકેટ ટેકિંગ બોલર્સ સાબિત થયા નિષ્ફળ ટીમના બે ફાસ્ટ બોલર્સે ઓપનિંગ અને ડેથ ઓવર્સમાં વિરોધીઓની કમર તોડી નાખી છે. કાગીસો રબાડા (29 વિકેટ) અને મોહમ્મદ સિરાજ (18 વિકેટ)ની જોડીએ પાવર-પ્લેમાં જ વિરોધી ટીમોના ટૉપ ઓર્ડરને પેવેલિયન ભેગા કરવાનું મિશન ઉપાડ્યું હતું. પરંતુ જ્યારે ગુજરાત પાસે 155 રનનો નાનો સ્કોર ડિફેન્ડ કરવાનો પડકાર હતો, ત્યારે શરૂઆતી પાવરપ્લેમાં વિકેટ લેવી અનિવાર્ય હતી. મોહમ્મદ સિરાજ અને કગિસો રબાડા જેવા સ્ટાર અને વિકેટ ટેકિંગ બોલર્સ પાવરપ્લેમાં RCBના ઓપનર્સ (વેંકટેશ અય્યર અને વિરાટ કોહલી) પર કોઈ દબાણ બનાવી શક્યા નહીં. બેંગલુરુને ઝડપી શરૂઆત મળી ગઈ અને મેચ ગુજરાતના હાથમાંથી સરકી ગઈ. 4. પર્પલ કેપ હોલ્ડર કગિસો રબાડા સાબિત થયો સૌથી મોંઘો ગુજરાતની હારનું ચોથું કારણ કગિસો રબાડા. આખી સીઝનમાં 29 વિકેટ ઝડપીને પર્પલ કેપ પોતાના નામે કરનાર રબાડા ફાઇનલમાં લય વગરનો દેખાયો. તે માત્ર 1 વિકેટ લઈ શક્યો અને લગભગ 15ની ઇકોનોમીથી રન લુટાવ્યા. રબાડાએ પોતાની 3 ઓવરમાં પ્રેશર હટાવતા 44 રન આપી દીધા, જે ફાઇનલ જેવી મેચમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. 5. જેસન હોલ્ડર અને જોસ બટલરે પણ કર્યા નિરાશ જ્યારથી જેસન હોલ્ડરને પ્લેઇંગ-11માં તક મળી હતી, ત્યારથી તેણે બોલિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ ફાઇનલમાં તે 2 ઓવરમાં 16 રન આપીને વિકેટલેસ રહ્યો. બીજી તરફ, બેટિંગમાં ટોપ ઓર્ડર ધરાશાયી થયા બાદ મિડલ ઓર્ડરમાં જોસ બટલર પાસે અપેક્ષા હતી કે તે ક્રિઝ પર ટકીને લાંબી ઇનિંગ રમશે. પરંતુ બટલરે ચાહકોને નિરાશ કર્યા અને તે 23 બોલમાં માત્ર 19 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો. , IPL 2026 ફાઇનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો: RCBના ફરી ચેમ્પિયન બનવાના 5 સિક્રેટ્સ: વન-મેન આર્મી નહીં પણ 8 મેચ વિનર્સ; કોહલીના 675 રન અને ભુવનેશ્વરની 28 વિકેટ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLમાં પોતાની કહાની જ બદલી નાખી છે. જે ટીમને ક્યારેક ‘અન્ડરઅચીવર’ કહેવામાં આવતી હતી, તે જ હવે સતત બીજી વખત ચેમ્પિયન બની ગઈ છે. તેણે રવિવારે રમાયેલી ફાઇનલમાં ગુજરાતને 5 વિકેટથી હરાવીને IPL 2026ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

