'ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે':બોલિવૂડ એક્ટર દીપક તિજોરી CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં નિયમ બનાવવાની માંગ કરી
બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ મેકર દીપક તિજોરી આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં યોગ્ય સ્ક્રીન ન મળતી હોવાનો મુદ્દે તેમણે ઉઠાવ્યો હતો. તેમણે ખાસ ભાર મૂક્યો છે કે, ‘ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે’ તેવી વ્યવસ્થા થવી જોઇએ, જેથી ગુજરાતી ફિલ્મો દર્શકો સુધી પહોંચી શકે અને નિર્માતાઓને પોતાની ફિલ્મ રજૂ કરવાની યોગ્ય તક મળી શકે. ગુજરાતી ફિલ્મો થિયેટરમાંથી હટાવી દેવાય છે
દીપક તિજોરીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતો હોવા છતાં ઘણી વખત ફિલ્મોને પૂરતી સ્ક્રીન મળતી નથી અથવા હિન્દી તથા અન્ય ભાષાની ફિલ્મો આવતાં ગુજરાતી ફિલ્મોને થિયેટરમાંથી હટાવી દેવામાં આવે છે. જેના કારણે ગુજરાતી ફિલ્મોના નિર્માતા, કલાકારો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નિયમ બનાવવાની માંગ
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્થાનિક ભાષાની ફિલ્મો માટે સ્ક્રીન ફાળવણી અંગે નિયમ બનાવવાની માંગ દીપક તિજોરીએ કરી હતી. તેમનો ઉદ્દેશ એવો નિયમ બનાવવાનો છે કે થિયેટર માલિકોને પણ આર્થિક નુકસાન ન થાય અને ગુજરાતી ફિલ્મોને પણ યોગ્ય પ્રમાણમાં સ્ક્રીન મળી રહે. મોટા બજેટની ફિલ્મો બનાવી ગુજરાતી સિનેમાનું સ્તર વધારવાનો પ્રયાસ
દીપક તિજોરીએ ફિલ્મોના કન્ટેન્ટ અને પ્રોડક્શન સ્ટાન્ડર્ડને વધુ ઊંચુ લાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. ફિલ્મોમાં વધુ બજેટનું રોકાણ થાય, મોટા પાયે ફિલ્મો બને અન રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની ઓળખ વધુ મજબૂત બને તે માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાતી કલાકારો, પ્રોડ્યુસર, દિગ્દર્શકો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી યોગ્ય સહકાર મળે તો વધુ સારી અને મોટા બજેટની ફિલ્મો બની શકે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મોને ગુજરાતમાં જ યોગ્ય સન્માન, દર્શકો સુધી પહોંચવા માટે પૂરતી સ્ક્રીન અને પ્રોત્સાહન મળે તે માટે નીતિ બનાવવાની માંગ સાથે દીપક તિજોરીએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

