ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ટેક ક્રાંતિ:માઇક્રોડ્રામા ‘અમર યોદ્ધા’ને મળ્યો IWMbuzz ‘બેસ્ટ VFX’ એવોર્ડ, ગુજરાતની 'ડિમ્પલ ગર્લ' જિનલ બેલાણીએ સ્વીકાર્યો એવોર્ડ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીમે-ધીમે ટેકનિકલ ક્રાંતિ લાવી રહી છે. જેમાં પ્રોડક્શન હાઉસ ‘વાલ્મિકી પિક્ચર્સ’ પણ પોતાનું યોગદાન આપી રહી છે. તેની માઇક્રોડ્રામા ‘અમર યોદ્ધા’એ મનોરંજન જગતમાં વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. તાજેતરમાં મીડિયા પ્લેટફોર્મ ‘IWMbuzz’ દ્વારા આયોજિત ‘ડિજિટલ એવોર્ડ્સ’માં ‘અમર યોદ્ધા’ને આ વર્ષનો સર્વશ્રેષ્ઠ ‘બેસ્ટ VFX’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વાલ્મિકી પિક્ચર્સ માટે ચાલુ વર્ષનો આ બીજો એવોર્ડ છે, જે પ્રાદેશિક સ્તરે ઉચ્ચ ગુણવત્તાવાળા અને વૈશ્વિક સ્તરના વિઝ્યુઅલ કન્ટેન્ટના નિર્માણ પર મહોર લગાવે છે. ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોની હાજરીમાં જિનલ બેલાણીએ સ્વીકાર્યો એવોર્ડ આ ભવ્ય એવોર્ડ સમારોહમાં હાજર રહીને ટ્રોફી સ્વીકારતા વાલ્મિકી પિક્ચર્સના કો-ફાઉન્ડર અને જાણીતી એક્ટ્રેસ જિનલ બેલાણીએ આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીના એવા દિગ્ગજો કે જેમને હું વર્ષોથી પ્રશંસાની નજરે જોતી આવી છું, તેમની હાજરીથી ભરેલા આ હોલમાં આ એવોર્ડ મેળવવો એ મારા માટે અત્યંત વિશેષ અને ગર્વની ક્ષણ છે. પ્રોડક્શન હાઉસના અન્ય કો-ફાઉન્ડર ભૌમિક સંપત તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ ના રિલીઝના કામમાં વ્યસ્ત હોવાને કારણે આ એવોર્ડ સમારોહમાં રૂબરૂ હાજર રહી શક્યા નહોતા, પરંતુ તેમણે પણ ડિજિટલ માધ્યમથી ટીમની આ જીતને બિરદાવી હતી. ટેકનિકલ ક્ષેત્રે નવી મિસાલ સામાન્ય રીતે પ્રાદેશિક શોમાં VFX પર મર્યાદિત કામ જોવા મળતું હોય છે, પરંતુ ‘અમર યોદ્ધા’એ પોતાની અદભૂત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા દર્શકોને હોલિવૂડ કે બોલિવૂડના મોટા પ્રોડક્શન જેવો જ રોમાંચક અનુભવ પૂરો પાડ્યો છે. આ એવોર્ડ શોની ટેકનિકલ સદ્ધરતા અને ગુણવત્તા પર મહોર મારે છે. ચારેય તરફથી શુભેચ્છાઓ મળી ‘અમર યોદ્ધા’ની આ સતત બીજી મોટી સફળતા બાદ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ, ડિજિટલ ક્રિએટર્સ અને ચાહકો તરફથી વાલ્મિકી પિક્ચર્સની આખી ટીમને સોશિયલ મીડિયા પર અવિરત શુભેચ્છાઓ મળી રહી છે. આ એવોર્ડ સાબિત કરે છે કે પ્રાદેશિક ભાષામાં પણ જો ટેકનિકલ સચોટતા રાખવામાં આવે, તો તે રાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવી શકે છે. વાલ્મિકી પિક્ચર્સ આગામી સમયમાં પણ ‘ગેટ સેટ ગો’ જેવી ફિલ્મો અને અદભૂત ડિજિટલ કન્ટેન્ટ દ્વારા પ્રાદેશિક મનોરંજનને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે કટિબદ્ધ છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

