ઝોમેટોથી ફૂડ મંગાવવું મોંઘું થયું:કેશ ઓન ડિલિવરી પર 5થી 20 રૂપિયા સુધી વધુ ચૂકવવા પડશે; ઓનલાઈન પેમેન્ટ પર રાહત

Last Updated: September 12, 2026By

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરવું હવે મોંઘું થઈ ગયું છે. હવે જો તમે ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતી વખતે ‘કેશ ઓન ડિલિવરી’ એટલે કે ડિલિવરી સમયે રોકડ ચુકવણીનો વિકલ્પ પસંદ કરશો, તો તમારે 5 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ નવો ચાર્જ એપના બિલ સમરીમાં ‘પે ઓન ડિલિવરી ફી’ના નામથી અલગથી ઉમેરાશે. કેટલાક યુઝર્સના એપ બિલમાં આ ફી 7 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી અલગ-અલગ પણ દેખાઈ રહી છે. જોકે, જે યુઝર્સ UPI, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ડિજિટલ માધ્યમોથી ઓનલાઈન ચુકવણી કરશે, તેમને આ વધારાનો ચાર્જ લાગશે નહીં. પ્લેટફોર્મ ફી અને પેકિંગ ચાર્જ ઉપરાંત નવો શુલ્ક લાગશે ઝોમેટો દ્વારા લાદવામાં આવેલી આ નવી ‘પે ઓન ડિલિવરી ફી’ કંપનીના પ્લેટફોર્મ ફી, રેસ્ટોરન્ટ પેકેજિંગ ચાર્જ, ડિલિવરી ચાર્જ અને GST થી અલગ છે. એટલે કે, હવે તમારે ખાવા ઉપરાંત પેકેજિંગ, ડિલિવરી, પ્લેટફોર્મ અને રોકડમાં ચુકવણી કરવા માટે પણ અલગથી પૈસા ચૂકવવા પડશે. જોકે, સ્વિગીએ હાલમાં આવો કોઈ ચાર્જ લાગુ કર્યો નથી. નાના ચાર્જથી કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો ઝોમેટો પર દરરોજ લગભગ 23થી 25 લાખ ઓર્ડર કરવામાં આવે છે. જો માત્ર 5 રૂપિયાનો નાનો એક્સ્ટ્રા ચાર્જ પણ લગાવવામાં આવે, તો કંપનીને દરરોજ 1.25 કરોડ રૂપિયા સુધીની વધુ કમાણી થઈ શકે છે. ભલે બધા ગ્રાહકો કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ ન પસંદ કરે, તેમ છતાં આ નિર્ણયથી ઝોમેટોનો નફો વાર્ષિક સેંકડો કરોડ રૂપિયા વધી જશે. ₹2થી શરૂ થયેલી પ્લેટફોર્મ ફી ₹14.99 સુધી પહોંચી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા ઓર્ડર પર અલગ-અલગ શુલ્ક ઉમેરવાનો સિલસિલો નવો નથી. એપ્રિલ 2023માં ઝોમેટો અને સ્વિગીએ માત્ર ₹2 પ્લેટફોર્મ ફીથી શરૂઆત કરી હતી, જે હવે વધીને ₹14.99 પ્રતિ ઓર્ડર (વત્તા 18% GST) થઈ ગઈ છે. દેખાવમાં આ ₹2થી ₹15નો ચાર્જ નાનો લાગે છે, પરંતુ ઈ-કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપનીઓ આ નાના ચાર્જિસથી જ વાર્ષિક ₹3,500થી ₹4,000 કરોડની મોટી કમાણી કરી લે છે. ફૂડ ડિલિવરી માર્કેટમાં સ્પર્ધા વધી ઝોમેટોનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે દેશના ક્વિક-કોમર્સ અને ફૂડ-ડિલિવરી સેક્ટરમાં સ્પર્ધા ઘણી તેજ બની ગઈ છે. રેપિડોનું ‘ઓન્લી’ પ્લેટફોર્મ અને ફ્લિપકાર્ટની નવી ‘ઈટ ઇન’ સર્વિસ આ માર્કેટમાં પગ મૂકી રહ્યા છે. આ ઉપરાંત સ્વિશ જેવી નવી સ્ટાર્ટઅપ કંપનીઓએ પણ તાજેતરમાં નવું ભંડોળ મેળવ્યું છે, જેનાથી ઝોમેટો અને સ્વિગી જેવી સ્થાપિત કંપનીઓ પર પોતાની નફાકારકતા વધારવાનું દબાણ વધુ વધી ગયું છે.

Leave A Comment