ડિજિટલ પ્રેમનો નવો યુગ! ન્યૂ યોર્કમાં ખુલ્યું વિશ્વનું પહેલું AI Dating Cafe!
કલ્પના કરો કે એક આલીશાન કાફેમાં મીણબત્તીના આછા પ્રકાશમાં તમે બેઠા છો, સામે વાઇનનો ગ્લાસ છે, પણ સામેની ખુરશી ખાલી છે! ત્યાં કોઈ હાડચામનો માણસ નહીં, પણ એક સ્ટાઇલિશ સ્ટેન્ડ પર ગોઠવાયેલો તમારો સ્માર્ટફોન છે. આ કોઈ ભવિષ્યની ફિલ્મનો સીન નથી, પરંતુ ન્યૂ યોર્કમાં હકીકતમાં બનેલી ઘટના છે. તાજેતરમાં EVA AI નામની એપ્લિકેશને એક બારને વિશ્વના પ્રથમ ‘AI ડેટિંગ કેફે’માં ફેરવી નાખ્યો, જ્યાં લોકોએ પોતાના ડિજિટલ પાર્ટનર્સ સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી.
શું છે આ AI ડેટિંગનો કોન્સેપ્ટ?
આ કેફેમાં આવતા લોકો તેમના AI પાર્ટનર સાથે લાઈવ વિડિયો અથવા વોઈસ ચેટ દ્વારા જોડાય છે. હેડફોન લગાવીને તેઓ કલાકો સુધી દિલની વાતો કરે છે, મજાક-મસ્તી કરે છે અને અસ્વીકાર (Rejection) ના ડર વગર ફ્લર્ટ પણ કરે છે. અહીં સામાજિક ચિંતા કે કોઈના જજમેન્ટનો ભય નથી, માત્ર તમે અને તમારો ડિજિટલ સાથી જ હોય છે.
આંકડા શું કહે છે?
AI સાથેના સંબંધોનો ટ્રેન્ડ માત્ર મનોરંજન નથી, પણ એક સામાજિક પરિવર્તન છે. અમેરિકામાં લગભગ 28% પુખ્ત વયના લોકો AI સાથે રોમેન્ટિક જોડાણ ધરાવે છે. ખાસ કરીને 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં આ ક્રેઝ વધુ છે. રિક્ટર નામની એક 34 વર્ષીય યુવતીએ જણાવ્યું કે, તેના ૨૬ વર્ષીય AI પાર્ટનર ‘સિમોન’ સાથે વાત કરવી તેને માનસિક શાંતિ આપે છે, કારણ કે અહીં બધું જ તેની પોતાની શરતો પર ચાલે છે.
ભવિષ્ય અને સાવચેતી
EVA AI ના સંચાલકોના મતે, તેમનો હેતુ માનવીય સંબંધોને ખતમ કરવાનો નથી, પરંતુ જે લોકો એકલતા અનુભવે છે અથવા ડેટિંગ એપ્સથી કંટાળી ગયા છે, તેમને એક સુરક્ષિત વિકલ્પ આપવાનો છે. જોકે, આ આભાસી દુનિયાનું વ્યસન ન લાગે તે જોવું પણ એટલું જ જરૂરી છે. શું ભવિષ્યમાં AI ખરેખર માનવીય હૂંફની જગ્યા લઈ શકશે? તે તો સમય જ કહેશે, પણ હાલ તો આ ‘ડિજિટલ ડેટિંગ’ ચર્ચાનું કેન્દ્ર બની છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

